સારા અલી ખાનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે દારૂના નશામાં રેસ્ટોરન્ટના ગાર્ડને અયોગ્ય રીતે સ્પર્શ કરતી જોવા મળી રહી છે. તેના આ વીડિયોને લઈને ઘણો હંગામો થયો છે. પરંતુ સારા એવી પહેલી અભિનેત્રી નથી કે જેણે નશામાં વિચિત્ર વર્તન કર્યું હોય. તેની પહેલા પણ ઘણા બોલિવૂડ સ્ટાર્સે વિવિધ પ્રકારના કાંડ કર્યા છે. જેમાં સલમાન ખાન (Salman Khan), શાહરૂખ ખાન (Shah Rukh khan)થી લઈને મલાઈકા અરોરા (Malaika Arora) અને કપિલ શર્મા(Kapil Sharma)નો સમાવેશ થાય છે.
2012માં શાહરૂખ ખાનની IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) નીતા અંબાણીની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ (MI)ને હરાવ્યું હતું, ત્યારે શાહરૂખ ખાને વાનખેડે સ્ટેડિયમમાં જ ઉજવણી કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન તેણે લાઇટ બંધ કરી દેવામાં આવતા મુંબઈ ક્રિકેટ એસોસિએશન અને BCCIના અધિકારીઓ સાથે ઝગડો કર્યો હતો અને તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી. તે સમયે શાહરૂખે દારૂ પીધો હતો. આ વાતની પુષ્ટિ ખુદ મુંબઈ પોલીસના આસિસ્ટન્ટ કમિશનરે કરી હતી. આ ઘટના બાદ શાહરૂખ ખાનને વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.
2002માં સલમાન ખાન વિરુદ્ધ ડ્રંક એન્ડ ડ્રાઈવનો કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે, ફરિયાદ પક્ષ આ કેસમાં પુરાવા આપી શક્યું નથી. એ જ રીતે 2008માં કેટરિના કૈફના જન્મદિવસે પણ દારૂના નશામાં સલમાન ખાને શાહરૂખ ખાન સાથે ઝઘડો કર્યો હતો. સલમાન ખાન અને તેના માટે 'ટ્યુબલાઇટ' અને 'બજરંગી ભાઈજાન' જેવી ફિલ્મોનું દિગ્દર્શન કરનાર કબીર ખાન વચ્ચે પણ તેની નશો કરવાની આદતના કારણે અણબનાવ થયો હોવાના અહેવાલો છે.
મલાઈકા અરોરાએ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના 50માં જન્મદિવસની પાર્ટીમાં હંગામો મચાવ્યો હતો. જ્યારે તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂરની પિતરાઈ બહેન સોનમ કપૂરે દારૂના નશામાં ધૂત મલાઈકાને સાચવવાનો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે તેના પર પણ ગુસ્સે થઈ ગઈ હતી અને તેને ખસી જવા કહ્યું હતું. આ કારણે સોનમ કપૂરનો ચહેરો લાલ થઈ ગયો હતો.
કપિલ શર્મા અને શરાબના કિસ્સા તો ઘણાં છે. કેટલાક વર્ષો પહેલા ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન સુનીલ ગ્રોવર સાથે થયેલા તેના ઝઘડા વિશે બધા જાણે છે. કપિલે ફ્લાઈટમાં સુનીલ ગ્રોવર સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને તેના પર જૂતું પણ ફેંક્યું હતું. આ પછી સુનીલે તેનો શો 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' છોડી દીધો હતો. 2015માં તેના પર દારૂના નશામાં અભિનેત્રી સાથે ગેરવર્તન કરવાનો આરોપ પણ લાગ્યો હતો. આ ઘટના ઇન્ટરનેશનલ મરાઠી ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ દરમિયાન બનાઈ હતી. આરોપ છે કે કપિલે અભિનેત્રી દિપાલી સૈયદ સાથે ગેરવર્તણૂક કરી હતી અને તેનો શારીરિક રીતે ગેરફાયદો ઉઠાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.
2014માં આમિર ખાને ટ્વિટર પર એક તસવીર શેર કરી હતી, જેમાં તે અને સલમાન ખાન એક સાથે ઝાડ પર પેશાબ કરતા જોવા મળ્યા હતા. આમિરે કેપ્શનમાં લખ્યું, "મારો ફેવરિટ ફોટો. સલમાન અને હું. જ્યારે બે મિત્રો એક ઝાડ પર એક સાથે સૂસૂ કરે છે ત્યારે મિત્રતા વધે છે. અને એક દિવસ... જય હો." આ તસવીરને કારણે બંને ખાનની ભારે ટીકા થઈ હતી. કહેવાય છે કે સલમાન અને આમિરે દારૂના નશામાં જ આ ઘટનાને અંજામ આપ્યો હતો. સંજય દત્ત દારૂના નશામાં ઘણી વખત પત્રકારો સાથે ગેરવર્તન કરી ચૂક્યો છે. બોલિવૂડની પાર્ટીઓમાં તેણે નશાની હાલતમાં સલમાન ખાન જેવા તેના નજીકના મિત્રો સાથે ઝઘડો પણ કર્યો છે. એકવાર તેણે નશામાં રણબીર કપૂરની મજાક ઉડાવી કારણ કે તેણે માચો ફિલ્મો નથી કરી. એટલું જ નહીં સંજય દત્તે ફિલ્મ 'સંજુ'ની એક પાર્ટી દરમિયાન પણ રણબીર કપૂરની મજાક ઉડાવી હતી.