બોલિવૂડની (Bollywood) સુપરહિટ ફિલ્મ શાહરૂખ ખાન સ્ટારર 'ઓમ શાંતિ ઓમ' (Om Shanti Om)ની સેન્ડી એટલે કે દીપિકા પાદુકોણ આજે (Dipika Padukone Birthday) 37 વર્ષની થઈ ગઈ છે. આ ફેમસ એક્ટ્રેસનો જન્મ 5 જાન્યુઆરી 1986ના રોજ ડેનમાર્કના કોપનહેગનમાં (Copenhagen) થયો હતો. હાલમાં, દીપિકા, જે તેની આગામી ફિલ્મ 'પઠાણ' માટે ચર્ચામાં છે, તે માત્ર ફિલ્મોમાં એક્ટિંગ જ નહીં, પરંતુ કમાણીમાં પણ આગળ છે. તે સૌથી વધુ ફીસ ચાર્જ કરતી એક્ટ્રેસીસમાંની એક છે. માત્ર ફિલ્મોથી જ નહીં, દીપિકા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, ફિલ્મ પ્રોડક્શન અને ઘણી કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ દ્વારા પણ મોટી કમાણી કરે છે.
હાઇએસ્ટ પેઇડ એક્ટ્રેસ છે દીપિકા : સૌથી પહેલા વાત કરીએ દીપિકા પાદુકોણની ફિલ્મોથી થયેલી કમાણી વિશે. રિપોર્ટ્સ અનુસાર, તે બોલિવૂડમાં સૌથી વધુ ચાર્જ લેનારી એક્ટ્રેસીસમાં સામેલ છે. તે એક ફિલ્મ માટે 15 થી 30 કરોડ રૂપિયા લે છે. તેની સરેરાશ માસિક કમાણી 2 કરોડ રૂપિયાથી વધુ છે. ફિલ્મો ઉપરાંત, દીપિકાના સોશિયલ મીડિયા પર પણ લગભગ 80 મિલિયન ફોલોઅર્સ છે અને તે તેની તસવીરો દ્વારા ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ઘણી કમાણી કરે છે. તે બ્રાંડને એન્ડોર્સ કરવા અથવા ઇન્સ્ટા પર તેની એક પોસ્ટ માટે લગભગ રૂ. 1.5 કરોડ ચાર્જ કરે છે.
દીપિકા પાદુકોણની નેટવર્થ : રિપોર્ટ મુજબ, બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, જેણે મોડેલિંગથી તેની કરિયરની શરૂઆત કરી હતી, હાલમાં તેની કુલ નેટવર્થ લગભગ $40 મિલિયન અથવા રૂ. 330 કરોડથી વધુ છે. દીપિકાએ વર્ષ 2006માં કન્નડ ફિલ્મ 'ઐશ્વર્યા'થી તેની ફિલ્મી સફર શરૂ કરી હતી અને શાહરૂખની સામે 'ઓમ શાંતિ ઓમ'માં સેન્ડીની ભૂમિકા ભજવીને બોલિવૂડમાં જોરદાર એન્ટ્રી લીધી હતી.
દીપિકાની પહેલી જ ફિલ્મ જબરદસ્ત હિટ રહી હતી અને તેની ગણતરી ટોપ એક્ટ્રેસીસમાં થતી હતી. આ પછી દીપિકાએ બોલિવૂડમાં 'બાજીરાવ મસ્તાની', 'ચેન્નઈ એક્સપ્રેસ', 'રામલીલા', 'પદ્માવત', 'યે જવાની હૈ દીવાની' જેવી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. આ સિવાય તેણે હોલિવૂડમાં પણ પોતાની એક્ટિંગ સ્કિલ બતાવી છે. દીપિકાએ વિન ડીઝલ સાથે XXX: Return of Xander Cage American માં કામ કર્યું છે.
દીપિકા માત્ર ફિલ્મોમાં તેની એક્ટિંગની કિંમત વસૂલ કરતી નથી, પરંતુ તેણે તેના પ્રોડક્શન હાઉસમાંથી બે બોલિવૂડ ફિલ્મોનું પ્રોડક્શન પણ કર્યું છે. આમાંથી પહેલી ફિલ્મનું નામ 'છપાક' અને બીજીનું નામ '83' છે, જો કે અન્ય ફિલ્મોની જેમ આ બંને ફિલ્મો કંઈ ખાસ બતાવી શકી નથી, પરંતુ તેમ છતાં તેને પસંદ કરનારા લોકોની સંખ્યા પણ મોટી છે.
દીપિકા પાદુકોણે બોલીવુડ એક્ટર રણવીર સિંહ સાથે 13 નવેમ્બર 2018 ના રોજ લેક કોમો, ઇટાલી ખાતે લગ્ન કર્યા હતા. તેની કમાણીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ફોર્બ્સ ઈન્ડિયાની વર્ષ 2018ની સૌથી રિચ સેલિબ્રિટીની લિસ્ટમાં પહેલીવાર કોઈ એક્ટ્રેસને સ્થાન આપવામાં આવ્યું હતું અને તે હતી દીપિકા પાદુકોણ. આ લિસ્ટમાં દીપિકા પાદુકોણ ચોથા નંબર પર હતી. તેણે વર્ષ 2018માં 112.8 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.