મુંબઈ : લતા મંગેશકર (Lata Mangeshkar) ને સ્વર કોકિલા તરીકે ઓળખવામાં આવે છે. પદ્મશ્રી વિજેતા લતા મંગેશકરને સરસ્વતી (Sarasvati) કહેવામાં આવે છે, લતા મંગેશકર નામ સાંભળતા જ લોકોના કાનમાં સુમધુર સૂર રેલાવા લાગે છે. પોતાના સુંદર અવાજ (Voice)થી લોકોના દિલમાં રાજ કરનાર લતા મંગેશકરના શરૂઆતના દિવસો એટલે કે બાળપણ (Childhood)થી લઈને સંઘર્ષ (Struggle) સુધીના દિવસો ખુબ જ મુશ્કેલ રહ્યા છે.
મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં જેલ રોડની સામે આવેલા ગુરુદ્વારા અને જિલ્લા અદાલતની વચ્ચે એક ગલી પડે છે, જે ગલી શીખ મોહલ્લા કહેવામાં આવે છે. આ શીખ વિસ્તારના મકાન નં.22માં લતા મંગેશકરનો જન્મ થયો હતો. લતા મંગેશકરનું બાળપણનું નામ હેમા હતું. લતા મંગેશકરે 5 વર્ષની ઉંમરથી ગાવાનું શરૂ કર્યું હતું. તેમના પરિવારમાં બધું બરાબર ચાલી રહ્યું હતું કે, લતા મંગેશકર જયારે 13 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થતા તેમણે ખુબ નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી હતી. આ સાથે જ ખુબ જ નાની ઉંમરે લતા મંગેશકર પર એક વિધવા માતા, ત્રણ નાની બહેનો અને એક નાના ભાઈની જવાબદારી આવી પડી હતી. આ સમય દરમિયાન લતાએ ગીત ગાવાનું કામ કરવાનું નક્કી કર્યું. લતા મંગેશકરની ગાયકી તેમની કલા પ્રેક્ટિસને ઉજાગર કરે છે, પરંતુ તેમના જીવનની કેટલીક વાર્તાઓ છે જે તેમના વ્યક્તિત્વનો ખ્યાલ આપે છે.
સંઘર્ષના દિવસો દરમિયાન, લતા મંગેશકરે તેનું પ્રથમ ગીત મરાઠી ફિલ્મ "કિતી હસાલ" (કેટલું હસશો) માટે ગાયું હતું. ગીતના શબ્દો હતા "નાચુ યા ગડે" (આઓ નાચીએ). આ ગીતના સંગીતકાર સદાશિવરાવ નેવરેકર હતા. અમુક કારણોસર આ ગીત ફિલ્મમાં રાખવામાં આવ્યું ન હતું. આ પછી લતાએ ઘણી મરાઠી ફિલ્મોમાં ગીતો ગાયા. તેણે કેટલીક ફિલ્મોમાં અભિનય પણ કર્યો હતો.
લતા મંગેશકરના પિતાના મિત્ર અને તે સમયના સફળ સ્ટાર માસ્ટર વિનાયકે તેમને પહેલીવાર ‘પહલી મંગકાગોર’ નામની ફિલ્મમાં અભિનય કરવાની તક આપી. એક વર્ષ પછી, મરાઠી ફિલ્મ ગજભાઉ (1943)માં લતાએ તેનું પહેલું હિન્દી ગીત ગાયું. આ ગીતના શબ્દો હતા "માતા એક સપુત કી" જે પંડિત ઈન્દ્ર દ્વારા લખવામાં આવ્યું હતું અને સંગીત દત્તા દાવજેકરે આપ્યું હતું. માસ્ટર વિનાયકની ફિલ્મ કંપની 1945માં મુંબઈ આવી ગઈ. સ્વાભાવિક છે કે લતા પણ તેની સાથે આવવાની હતી. સંઘર્ષના દિવસોમાં લતાએ સ્ટુડિયોના ચક્કર લગાવીને કામ માંગવાનું શરૂ કર્યું. જો પૈસા ન હોય તો તે પગપાળા ચાલતી અલગ અલગ સ્ટુડિયોમાં ફરતી રહેતી હતી.
લતા કામની શોધમાં ક્યારેક જમ્યા વગર જ ઘરેથી નીકળી જતી, તો ક્યારેક તે આટલા લાંબા સમય સુધી થાકીને આવી હોવાથી ખાધા વિના સૂઈ જતી હતી. મુંબઈના ભીંડી બજારમાં પ્રખ્યાત ગાયક ઉસ્તાદ અમાન અલી ખાન રહેતા હતા. લતા મંગેશકરે તેમના માર્ગદર્શન હેઠળ શાસ્ત્રીય સંગીત શીખવાનું શરૂ કર્યું. માસ્ટર વિનાયકની મદદથી થોડું ગાવાનું અને થોડું એક્ટિંગનું કામ મળી જતું હતુ. તે સમયે અન્ય ગુણી સંગીતકાર માસ્ટર ગુલામ હૈદર હતા. તેણે નાજુક પાતળી લતાનો અવાજ સાંભળ્યો અને તેના અવાજથી પ્રભાવિત થઈને મુંબઈમાં તેનો પ્રચાર શરૂ કર્યો.
ફિલ્મીસ્તાનના માલિક શશધર મુખર્જીએ પણ લતાનો અવાજ સાંભળ્યો. તે સમયે તેઓ 'શહીદ' ફિલ્મ બનાવી રહ્યા હતા. આ ફિલ્મમાં સંગીત ગુલામ હૈદર આપી રહ્યા હતા. શશધર મુખર્જીએ કહ્યું- આ છોકરીનો અવાજ ખૂબ જ પાતળો છે, તે ફિલ્મોમાં નહીં ચાલે. નૂરજહાં કે શમશાદ બેગમ, સુરિન્દર કૌર જેવા અવાજો ચાલે છે. ગુલામ હૈદરે આ અપમાન પી ગયા અને તે પછી વાજતે - ગાજતે લતાનો પ્રચાર કરવાનું શરુ કર્યું. 1948માં, ગુલામ હૈદરે 'મજબૂર' ફિલ્મમાં લતા પાસે એક ગીત ગવડાવ્યું- 'દિલ મેરા તોડા, હો મુઝે કહીં કા છોડા, તેરે પ્યાર ને.' ફિલ્મ હિટ થઈ, મ્યુઝિક હિટ થયું, ગીત હિટ થયું અને લતા મંગેશકરની ગાડી નીકળી પડી. આ ગીત સફળ થતા ઘણા લોકોના કાને તેના પડઘા પડ્યા અને તે પછી લતાને એક બાદ એક ગીત મળવા લાગ્યા. કહી શકાય કે, એ પછી લતાના સૂર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા રેલાયા કે આજ સુધી તેની ધૂન લોકોના કાનોમાં ગુંજતી રહે છે. નાનપણથી આવા મુશ્કેલીભર્યા દિવસો પસાર કર્યા બાદ લતા મંગેશકર એ વ્યક્તિ છે, જેને સફળતાનાં ચાંદને પણ ચૂમી લીધો. આજના સમયમાં તમને એવા ઘણા ગાયકો મળશે, જેઓ લતા મંગેશકરને પોતાના આદર્શ માને છે.