ઘણી રાતો ભૂખ્યા પેટે વિતાવી હતી, 10 વર્ષમાં બની કોમેડીની ક્વિન ભારતી સિંહ
ભારતી સિંહની NCBએ ડ્રગ્સ કેસમાં અટકાયત કરી લીધી છે. કહેવાય છે કે, કોમેડિયન ભારતી સિંહે NCB સમક્ષ ગાંજો લેવાની વાત સ્વીકારી લીધી છે. તેનાં પતિ હર્ષ લિંબાચિયાની પૂછપરછ હજુ ચાલુ છે.


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોમેડી ક્વિન ભારતી સિંહ તેનાં ઉમદા પરફોર્મન્સ અને કોમિક ટાઇમિંગને કારણે ઘર ઘરમાં ઓળખીતું નામ થઇ ગઇ છે. પણ ઘણાં ઓછાં લોકો જાણે છે કે આ જગ્યાએ પહોંચવા માટે ભારતી સિંહે કેટલો સંઘર્ષ કર્યો છે. અને અહીં સુધી આવવા માટે કેવી કેવી મહેનત કરી છે.


3 જૂલાઇ 1984નાં રોજ ભારતી સિંહનો જન્મ પંજાબનાં અમૃતસરમાં થયો છે. તેનાં પિતા નેપાળી હતા અને માતા પંજાબી. ભારતી સિંહ એક એવી કોમેડિયન છે જેણે તેનાં જીવનમાં ઘણાં ઉતાર ચડાવ જોયા છે. બાળપણથી જ દુખ અને દર્દ સહન કરનારી ભારતી સિંહ આજે લોકોનાં ચહેરા પર હાસ્ય લાવવાનું કામ કરે છે.


ગરીબ ઘરમાં જન્મેલી ભારતી સિંહ તેનાં ઘરમાં સૌથી નાની છે. ભારતીએ ઘણાં શોમાં જણાવ્યું છે કે, તે જ્યારે તેનાં માતાનાં પેટમાં હતી તો ગરીબીને કારણે તેની માતા તેને ગર્ભમાં જ મારી નાંખવા માંગતી હતી. ભારતીની માતાએ તેને મારવા માટે ઘણાં ઉપાય કર્યાં પણ કિસ્મતને કંઇક અલગ જ મંજૂર હતું. માનાં તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યાં અને ભારતી એક તંદુરસ્ત બાળક તરીકે જનમી. ભારતી એ તેમ પણ જણાવ્યું કે તેની માતા તેને ખુબ પ્રેમ પણ કરે છે અને તેની પરવરિશમાં પણ તેમનાંથી બનતાં તમામ પ્રયાસો તેમને કર્યા હતાં.


અમૃતસરનાં પંજાબમાં રહેનારી ભારતી અંગે ઘણાં લોકો નથી જાણતા કે, તે માત્ર 2 વર્ષની હતી જ્યારે તેનાં પિતા આ દુનીયા છોડીને ચાલ્યા ગયા. જ્યારે ભારતીનાં પિતાનું નિધન થયું ત્યારે તેની માતાને ત્રણ બાળકો હતાં. ભારતીની માતા એ એક ફેક્ટ્રીમાં કામ કરીને તેમનાં ત્રણેય બાળકોને પાળી પોશીને મોટા કર્યા


ભારતીની માતા જ્યારે પણ તેમનાં આ ગરીબીનાં દિવસો અંગે વાત કરે છે ત્યારે તેમની આંખો નમ થઇ જાય છે. જે યુવતીને અમે આ દુનિયામાં લાવવાં નહોતા માંગતા તેણે અમને દુનિયાનાં દરેક ખુણા બતાવ્યાં છે. ભારતી કહે છે કે મારી મા ક્યારેક ક્યારેક તે વાતો યાદ કરીને મને સોરી કહે છે. ભારતી કહે છે કે, પિતાનાં ગયા બાદ ઘણી વખત લોકો તેનાં ઘરે આવીને ઉધાર આપેલાં પૈસા માટે આવતા અને તેની માતાને ગાળો ભાંડીને જતા રહેતા.. તેનું મને ખુબ દુખ થતું હતું.


કોમેડિયન ભારતી કહે છે કે, મે એવી રાતો કાઢી છે જેમાં હું ભુખ્યા પેટ સુતી હતી. તેમજ તે કહે છે કે તેને સિલાઇ મશીનથી હવે ડર લાગે છે. ભારતીએ એક ઇન્ટરવ્યૂંમાં જણાવ્યું હતું કે, તેની માતા એક ફેક્ટ્રીમાં કામ કરતી હતી અને ઘરે આવીને સિલાઇ મશીન પર કામ કરતી હતી. ઘરમાં રાત દિવસ સિલાઇ મશીનની અવાજ અમે સાંભળી છે. તેની વચ્ચે મારું બાળપણ વિત્યું છે. જ્યારે પણ રસ્તા પર આ મશીનનાં આવાજ સાંભળું છું હું પરેશાન થઇ જવું છું.


ભારતી ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, પૈસાની તંગીને કારણે તે એક્ટિંગ ફિલ્ડમાં આવી હતી. તેનાં પરિવારમાં પૈસાની ખુબજ કમી હતી. તેથી તેણે અમૃતસર છોડી મુંબઇ આવવાનો નિર્ણય લીધો. તેનાં સંબંધીઓને તો શંકા હતી. જ્યારે લોકો ભારતીને સ્ટેજ પર કોમેડી કરતાં જોતા તો તેની મજાક ઉડાવતા. હવે તેજ લોકો તેમનાં બાળકો માટે મારી સલાહ લે છે.


ભારતીનાં જીવનમાં ધ ગ્રેટ ઇન્ડિયન લાફટર ચેલેન્જ એક ટર્નિંગ પોઇન્ટ રહ્યો. આ શોથી ભારતીને કોમેડિયન તરીકે ઓળખ મળી. અને આ જ શોથી તેનાં જીવનની નવી શરૂઆત થઇ. આજે તે ઘણાં રિયાલિટી શોની હોસ્ટ છે અને કપિલનાં શો સાથે પણ જોડાયેલી છે.


બાળપણથી જ તેનાં વધારે વજનને કારણે પણ તે હમેશાં લોકોની વચ્ચે મજાકનું કારણ બનતી. તેનાં પરિવારવાળા પણ તેને વજન ઓછુ કરવાની હમેશાં સલાહ આપતાં. ભારતી તે તમામ યુવતીઓ કરતાં વધુ સફળ છે જેઓ દુબલી પતલી છે.