B'day Spl: જ્યારે પ્રેમમાં દગો મળતા વિક્રમ ભટ્ટે કર્યો હતો આપઘાત કરવાનો વિચાર
Vikram Bhatt Birthday: વિક્રમ ભટ્ટે મહેશ ભટ્ટ સાથે બે વર્ષ કામ કર્યું છે પણ બંને વચ્ચે કોઈ લોહીનો સંબંધ નથી. ઘણાં લોકોને લાગે છે કે વિક્રમ, મહેશ ભટ્ટના ભાઈ છે પણ આવું બિલકુલ નથી.


મુંબઈ: બોલિવુડ (Bollywood)માં હોરર સાથે બોલ્ડનેસનો સંગમ કરનારા ફિલ્મ મેકર વિક્રમ ભટ્ટ (Vikram Bhatt)નું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાઈ ચુક્યું છે. પણ કદાચ તમને નહી ખબર હોય કે એકવાર તો દિલ તૂટ્યા બાદ વિક્રમ ભટ્ટે આત્મહત્યાનો વિચાર પણ કરી લીધો હતો. બોલિવૂડમાં ઉત્કૃષ્ટ ફિલ્મો આપનારા વિક્રમ ભટ્ટના 52માં બર્થ ડે (Vikram Bhatt birthday) પર અમે તમને જણાવીશું તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો.


વિક્રમ ભટ્ટનો જન્મ 27મી જાન્યુઆરી, 1969ના દિવસે મુંબઈમાં થયો હતો. 14 વર્ષની ઉંમરમાં જ વિક્રમે ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. વિક્રમ ભટ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા લોકોમાંના એક વિજય ભટ્ટના પૌત્ર છે. વિક્રમના પિતા પ્રવિણ ભટ્ટ જાણીતા સિનેમેટોગ્રાફર રહી ચુક્યા છે. વિક્રમે મહેશ ભટ્ટ સાથે બે વર્ષ કામ કર્યું પણ તેમની વચ્ચે કોઈ લોહીના સંબંધ નથી. ઘણાં લોકોને લાગે છે કે વિક્રમ, મહેશ ભટ્ટના ભાઈ છે, પરંતુ આવું બિલકુલ નથી. વિક્રમ ભટ્ટે પોતાની કૉલેજ ફ્રેન્ડ અદિતિ સાથે લગ્ન કર્યા હતા અને બંનેને એક દીકરી પણ છે.


એક ઈન્ટરવ્યૂમાં વિક્રમ ભટ્ટે જણાવ્યું હતું કે તેમને મિસ યુનિવર્સ સુષ્મિતા સેન સાથે પ્રેમ થઈ ગયો હતો. આ કારણથી તેમના લગ્ન પણ તૂટી ગયા હતા. વિક્રમ ભટ્ટ આત્મહત્યાની કોશિષ પણ કરી ચૂક્યા છે. જોકે તેઓએ એ વાતનો ઈન્કાર કર્યો હતો કે તેનું કારણ સુસ્મિતા સેન હતી. વિક્રમે જણાવ્યું હતું કે, સુસ્મિતા સાથે તેમને પ્રેમ હતો પણ લગ્ન તૂટવાને કારણે તેઓ ખૂબ જ ઉદાસ થઈ ગયા હતા.