

બોલિવૂડમાં આમ તો આવર નવાર નવા નવા હિરો, હિરોઇન અને કલાકારની એન્ટ્રી થતી જ રહેતી હોય છે. જેમાંથી કોઇ હિટ રહે છે તો કોઇ ફ્લોપ. પણ જો તમે સ્ટાર કિડ નથી તો અહીં પહોંચવાનો રસ્તો એટલો પણ સરળ નથી. કેટલાક લોકોને વર્ષો સુધી સ્ટ્રગલ કરવી પડે છે. અને પછી પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગુમનામીનું જીવન પસાર કરે છે. કેટલાકને ભારે મહેનત કર્યા પછી મળે છે મોટી સફળતા. આવા જ એક સ્ટાર છે મનોજ બાજપેયી જેમને અનેક સંધર્ષ પછી આજે પોતાની એક ઓળખ બનાવી છે. અને હાલ પોતાનો 51મો જન્મદિવસ (Manoj Bajpai Birthday) ઉજવી રહ્યા છે.


બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં તેમણે ફિલ્મ 'દ્રોહકાલ'થી વર્ષ 1994માં પગ મૂક્યો હતો. આ ફિલ્મમાં તેમનો રોલ ખૂબ જ નાનો હતો. પણ તેમના માટે આ કોઇ સપનાને હકીકતમાં ફળવા જેટલું ખાસ હતું. કારણ કે તેમણે આ પહેલા સ્ટ્રગલનો એક લાંબા સમય જોયો હતો. 2013માં ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં મનોજ પોતાની સ્ટ્રગલ વિષે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સ્ટ્રગલના તે દિવસોમાં તેમને આત્મહત્યા કરવાના વિચારો પણ આવતા હતા.


તેમણે કહ્યું કે હંમેશા એક હિરો બનવા માંગતા હતા. અને આ કારણે જ 17 વર્ષની ઉંમરે તે બિહાર સ્થિત પોતાનું ગામ બેતિયા છોડી દિલ્હી આવી ગયા. અહીં તેમણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા એડમિશન માટે મન બનાવ્યું પણ ત્રણ વાર તેમનું ફોર્મ કોઇ કારણે રિજેક્ટ થઇ ગયું. આ વિષે જણાવતા મનોજે કહ્યું જેટલીવાર ફોર્મ રિજેક્ટ થતું મને લાગતું કોઇ મારા સપનાને કચડી રહ્યું છે. એક સમયે તો હું આત્મહત્યા કરવાનું વિચારી રહ્યો હતો.


ત્યારે મારી આ મુશ્કેલીના સમયમાં મારા મિત્રોએ દિવસ રાત મારી સાથે રહીને મારી મદદ કરી. એક્ટર રધુવીર યાદવના કહેવા પર તેમણે બૈરી જ્હોન વર્કશોપને જોઇન કર્યું. બેરી જૉન મનોજની ટેલેન્ટથી એટલા પ્રભાવિત થયા કે તેણે તેને પોતાનો આસિસ્ટન્ટ બનાવી લીધો. પછી મનોજની હિંમત પાછી આવી અને થોડા સમય પછી તેમણે એનએસડીમાં ફરી ફોર્મ ભર્યું અને આ વખતે તેમને એક્ટિંગ શીખવવાની ઓફર મળી.