એકતા કપૂરનું ટીવી કરિયર વર્ષ 1995માં શરૂ થયો હતો, જેણે એકતાને ટીવી ક્વીન બનાવી હતી. તેણે ભારતની સૌથી વધુ જોવાયેલી સિરીયલ્સ પ્રોડ્યુસ કરી છે. એકતા કપૂર આજે તેનો જન્મદિવસ ઉજવી રહી છે. ટીવી શોઝ, ફિલ્મો પછી હવે એકતા પણ ઓટીટી પ્લેટફોર્મ પર પણ ધૂમ મચાવી રહી છે. એકતા કપૂરના જન્મદિવસના વિશેષ અવસર પર જાણીશું તેના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો.
વર્ષ 1995માં ઝી ટીવી પર આવેલી મહિલાઓની ગેંગવાળી સીરીયલ 'હમ પાંચ'ને ઘણા દર્શકો મળ્યા. તમને જણાવી દઇએ કે, જ્યારે એકતાને પાંચ છોકરીઓના પરિવારની વિચિત્ર વાર્તા વિશેની સિરિયલ શરૂ કરવાનો વિચાર આવ્યો, ત્યારે માતા શોભા કપૂર અને પિતા જીતેન્દ્રએ તરત જ આ વિચારને હા પાડી હતી. જોકે એકતાના નામે ઘણી હિટ સિરીયલો છે, પરંતુ અહીં 5 સીરિયલો એવી છે, જેણે એકતાને ટીવી ક્વીન બનાવી દીધી.
હમ પાંચ (1995)- ઝી ટીવી પર આવનારી આ સિરિયલની વિશેષ વાત એ હતી કે આ સીરિયલમાં કોઈ પુરુષ હીરો નહોતો, પરંતુ પાંચ છોકરીઓ એવી હતી, જેણે હીરોનું પાત્ર ભજવ્યું હતું. માથુર પરિવારની પાંચ છોકરીઓ, જેમાંથી એક ટોમ બોય કાજલ ભાઈ છે અને બીજી મિસ વર્લ્ડ બનવાના સપના જોતી સ્વીટી છે. ત્યારે પાંચ પુત્રી વચ્ચે ફસાયેલો એક પિતા કેવી રીતે લાચાર બનતો તે બતાવાયું હતું. જેને લઈને દર્શકો મોહિત થયા અને આ સિરિયલ 1999 સુધી ચાલતી રહી હતી.
ક્યોંકી સાસ ભી કભી બહુ થી (2000)- એકતાએ આ સિરિયલથી સાસ બહુ સિરિયલની લીગની શરૂઆત કરી હતી. એકતાએ સ્મૃતિ ઈરાનીને લઈને તુલસીનું એવું પાત્ર બનાવ્યું હતું કે, તેને પૂર્ણ કરવું તેમના માટે મુશ્કેલ હતું. વર્ષ 2001થી 2005 સુધી આ સીરીયલને શ્રેષ્ઠ સિરિયલનો ભારતીય ટેલિવિઝન એકેડેમી એવોર્ડ મળ્યો હતો. 8 વર્ષ સુધી ચાલેલી આ સિરિયલના 1800થી વધુ એપિસોડ બતાવવામાં આવ્યા હતા અને આજે પણ દર્શકોને તેના પાત્રો યાદ છે.
કસૌટી ઝીંદગી કી (2001)- વર્ષ 2001માં શરૂ થયેલી આ સીરિયલે એકતાની સાસ-બહુ સિરિયલનો વારસો વધુ મોટો બનાવ્યો હતો. એકતાએ શ્વેતા તિવારીને આ સીરિયલથી સુપરસ્ટાર બનાવી દીધી હતી. 1483 એપિસોડ સુધી ચાલેલી આ સીરીયલમાં અનુરાગ અને પ્રેરણાની વાર્તા બતાવાઈ હતી અને અંતે બંને પાત્રોને ખતમ કર્યા પછી જ આ સિરિયલ પૂર્ણ થઈ શકી હતી.
<br />કહાની ઘર ઘર કી (2000)- આ સિરિયલ સાસ ભી કભી બહુ થી સાથે જ શરૂ થઈ હતી અને આ સિરિયલ થકી અભિનેત્રી સાક્ષી તંવરની કારકીર્દિ આકાશને આંબી હતી. એક આદર્શ પુત્રવધૂ કેવી રીતે તેના ઘરની નાની સમસ્યાઓ સાથે સંઘર્ષ કરે છે અને આખા કુટુંબને જોડી રાખે છે, આ વાર્તા પર જ સિરિયલ આઠ વર્ષ ચાલી હતી. એકતાએ ભારતીય પ્રેક્ષકોની નાડી પકડી હતી અને 'સાસ બહુ' યુગની શરૂઆત થઈ હતી.
<br />નાગિન (2015)- આ દરમિયાન યે હૈ મહોબ્બતે, પવિત્ર રિશ્તા અને કુસુમ જેવી ઘણી સિરીયલો એકતાની સૌથી સફળ સિરીયલ ગણી શકાય. પરંતુ તે બધાના પ્લોટ લગભગ એકસમાન હતા. નાગિન ખાસ છે કારણ કે એકતાએ આ સીરીયલથી તેની સેટ પેટર્ન તોડી નાંખી હતી અને પ્રેક્ષકોને ફેન્ટસી આપી હતી. વર્ષ 2015માં શરૂ થયેલ સાસ-બહુ પછી નાગ નાગીન ટ્રેન્ડ શરૂ કરવાનો શ્રેય પણ એકતાને જાય છે. એકતાના આ શોની એક વિશેષ વાત એ છે કે તેની TRP આજદિન સુધી ટોપ થ્રીથી નીચે આવી નથી.