મુંબઈ: ખૂબ જ જાણીતા સંગીતકાર અને ગાયક બપ્પી લહેરીનું આજે (16 ફેબ્રુઆરી) વહેલી સવારે મુંબઈની એક હૉસ્પિટલ ખાતે નિધન થયું છે. છેલ્લા થોડા સમયથી તેમની સારવાર ચાલી રહી હતી. શરૂઆતના અહેવાલમાં તેમના નિધનનું કારણ સામે આવ્યું નથી. બપ્પી લહેરી સંગીતકારની સાથે સાથે સ્ટાઇલ આઇકન પણ હતા. તેઓ જાહેર કાર્યક્રમ કે રેકોર્ડિંગ દરમિયાન શરીર પર ખૂબ સોનું પહેરતા હતા. સંગીતના ઉદ્યોગમાં તેઓ ડિસ્કો કિંગ તરીકે જાણીતા હતા. તેમના નિધનના સમાચારથી તેમના લાખોની સંખ્યામાં ચાહકો દુઃખી થયા છે. બપ્પી લહેરીનું સાચું નામ આલોકેશ લહેરી (Alokesh Lahiri) છે.
બપ્પી દા અમેરિકન પોપ સ્ટાર એલ્વિસ પ્રેસ્લીથી ખૂબ જ પ્રભાવિત હતા. એલ્વિસ તેના કોન્સર્ટ દરમિયાન સોનાની ચેન પહેરતો હતો. બપ્પી દાએ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, જ્યારે હું એલ્વિસને જોતો હતો ત્યારે મને લાગતું હતું કે હું પણ પ્રસિદ્ધ અને સફળ થઈશ ત્યારે એલ્વિસની જેમ મારી ઈમેજ બનાવીશ. આ સિવાય તે પોતાનું સોનું પહેરવાને ખૂબ લકી પણ માનતા હતા.