મુંબઇ : ગાયક અને સંગીતકાર બપ્પી લહેરીનું (Bappi Laheri) આજે બુધવારે સવારે નિધન થયું છે. પ્રખ્યાત ગાયકે મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. બપ્પી લાહિરી 69 વર્ષના હતા. સમાચાર એજન્સી પીટીઆઈ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. બપ્પી લહેરીની મુંબઇની ક્રિટીકેયર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જે બાદ સોમવારે રજા આપવામાં આવી હતી પરંતુ મંગળવારે ફરીથી તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેમનું દુખદ નિધન થયુ હતુ. નોંધનીય છે કે, બપ્પી દાએ માત્ર ત્રણ વર્ષની ઉંમરમાં જ ગાવાની શરૂઆત કરી હતી. જે સમયે લોકો શાંત અને રોમેન્ટિક સંગીત સાંભળવાનું પસંદ કરતા હતા, એ સમયે બપ્પી દાએ બોલિવૂડમાં ડિસ્કો ડાન્સના ગીત બનાવ્યા હતા. બપ્પી લહેરી 70ના દાયકામાં બોલિવૂડમાં આવ્યા અને 80ના દાયકા સુધી છવાઇ ગયા. બપ્પી લહેરીએ આશરે 5000થી વધારે ગીતો ગાયાં છે.
તેઓને લોકો પ્રેમથી ડિસ્કો કિંગ અને બપ્પી દાના હુલામણા નામથી પણ બોલાવે છે. બપ્પી લહેરી એક ભારતીય ગાયક, સંગીતકાર, અભિનેતા અને રેકોર્ડ નિર્માતા હતા. બોલિવૂડમાં રોક અને ડિસ્કોની એન્ટ્રી કરી બપ્પી લહેરીએ પોતાની ધૂન પર ચાહકોને ઝૂમતા કર્યાં છે. બપ્પી લહેરીનું સાચું નામ અલોકેશ લહેરી છે. તેમનો જન્મ 27 નવેમ્બર, 1952માં જલપાઈગુડી, પશ્ચિમ બંગાળમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ અપરેશ લહેરી અને માતાનું નામ બન્સારી લહેરી છે. માતા અને પિતા બંને ગાયક-ગાયિકા હતાં. તેથી તેમનું બાળપણ સંગીતના વાતાવરણ વચ્ચે પસાર થયું. 3 વર્ષની ઉંમરમાં જ બપ્પી લહેરીએ તબલાં વગાડવાનું શરૂ કર્યું હતું.
બપ્પી લહેરી સંગીતમાં આગવો રસ ધરાવતા હતા જેથી તેમણે ગાયક બનવાનું નક્કી કર્યું અને સંગીતનું શિક્ષણ લેવાનું શરૂ કરી દીધું હતું. તેઓ પિયાનો, ડ્રમ, ગિટાર અને ઢોલ જેવાં વાજિંત્રો વગાડતાં હતા. બપ્પી દાની પ્રેરણા આર ડી. બર્મન બન્યા હતા. તેવું પણ કહેવામાં આવે છે કે, બપ્પી દા ટીનએજમાં આર ડી. બર્મનનાં ગીતો સાંભળતા હતા અને રિયાજ કરતાં હતા.
તેમને પહેલી તક 1972માં એક બંગાળી ફિલ્મ 'દાદૂર'થી મળી હતી. જે પછી 1973માં પહેલી હિન્દી ફિલ્મ 'નન્હા શિકારી'માં સંગીત આપ્યું હતું. આ દ્વારા તેમણે બોલિવૂડમાં આવ્યા હતા. તેમને ખરી સફળતા 1975માં તાહિર હુસેનની હિન્દી ફિલ્મ 'ઝખ્મી'થી મળી હતી. આ ફિલ્મમાં બપ્પી લહેરીએ રફી અને કિશોર કુમાર સાથે ગીત ગાયું હતું. જે બાદ એક પછી એક ફિલ્મોમાં સંગીત આપીને બપ્પી દા પ્રસિદ્ધિ મેળવતા ગયા.
1977માં બપ્પી દાએ ચિત્રાણી સાથે લગ્ન કર્યાં હતાં. તેમને બે સંતાનો છે. દીકરી રેમા જે ગાયિકા છે અને દીકરો બાપ્પા સંગીત નિર્દેશક છે. બપ્પી લહેરી 70ના દાયકામાં બોલિવૂડમાં આવ્યા અને 80ના દાયકા સુધી છવાઇ ગયા. 90નો દાયકો એમના માટે કંઈ ખાસ નથી રહ્યો, પરંતુ તેમણે કામ કરવાનું ન છોડયું. 2011માં રિલીઝ થયેલી ફિલ્મ ડર્ટી પિક્ચરમાં 'ઉલાલા ઉલાલા' ગીત ગાયું હતું તે સુપરહિટ રહ્યું હતું.
કહેવાય છે કે બપ્પી દાએ 1986માં એક વર્ષમાં આશરે 33 ફિલ્મોમાં 180 ગીતો ગાયાં હતાં. તેમનો આ રેકોર્ડ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો હતો. તેમને અનેક એવોર્ડની સાથે ફિલ્મફેર દ્વારા લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ પણ મળ્યો છે. તેમણે હિન્દી ઉપરાંત કન્નડ, તેલુગુ, બંગાળી અને ઉડિયા સિવાય અન્ય ભાષાઓમાં પણ ગીતોની રચના કરી છે. બપ્પી લહેરીએ આશરે 5000થી વધારે ગીતો ગાયાં છે.