Ajay Devgn-Kajol Wedding Anniversary: અજય દેવગણ (Ajay Devgn) અને કાજોલ (Kajol) બોલિવૂડ (Bollywood)ના સૌથી સફળ કપલ (Successful Couple)માંથી એક છે. વ્યવહારમાં બન્ને એકબીજાથી વિપરીત છે અને કદાચ એટલે જ અજય દેવગણ અને કાજોલના લગ્ન પછી બધાએ એવી જ ભવિષ્યવાણી કરી હતી કે તેમના લગ્ન લાંબા સમય સુધી નહીં ચાલે. પરંતુ, અજય દેવગણ અને કાજોલ છેલ્લા 23 વર્ષથી એકબીજા સાથે છે અને લોકોને કપલ ગોલ આપી રહ્યા છે. આ પાવરફુલ કપલ (Power Copule) એ સાબિત કર્યું કે જો પ્રેમ હોય તો એકબીજાનો સાથ ખૂબ સારી રીતે નિભાવી શકાય છે.
આજે અજય દેવગણ (Ajay Devgn) અને કાજોલ (Kajol) તેમની 23મી વેડિંગ એનિવર્સરી (Ajay Devgn kajol wedding anniversary) સેલિબ્રેટ કરી રહ્યા છે. અજય દેવગણ અને કાજોલ બંને 24 ફેબ્રુઆરી 1999ના રોજ લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા. એ વાત પૂરી ચોક્કસાઈ સાથે કહી શકાય છે કે આજે આ કપલ સૌથી સક્સેસફુલ કપલમાંથી એક છે. જો કે, તમને જણાવી દઈએ કે શરૂઆતમાં બંને એકબીજાને પસંદ નહોતા કરતા. એકબીજાને પસંદ ન હોવા વચ્ચે કેવી રીતે તેઓ કપલ બની ગયા અને વાત લગ્ન સુધી પહોંચી, આ કિસ્સો બોલિવૂડની કોઈ રોમેન્ટિક ફિલ્મથી સહેજ પણ ઓછો રસપ્રદ નથી.
કાજોલે એક ઈન્ટરવ્યુ દરમ્યાન વાત કરતા ખુલાસો કર્યો હતો કે, તે અને અજય દેવગણ પ્રથમ વખત ફિલ્મ હલચલના સેટ પર મળ્યા હતા. કાજોલ સ્વભાવે ખૂબ જ લાઉડ હતી ત્યારે અજય દેવગણ તેનાથી બિલકુલ વિપરિત ખૂબ જ શાંત અને અંતર્મુખી સ્વભાવનો હતો. કાજોલને સેટ પર હસવું અને વાતો કરવી પસંદ હતી અને કાજોલની આ આદત અજય દેવગણને બિલકુલ પસંદ ન હતી. બંનેને એકબીજાને જોવાનું પણ પસંદ નહોતા કરતા. પરંતુ ધીમે ધીમે બંનેના એકબીજા પ્રત્યેના વિચારો બદલાઈ ગયા હતા.
અજય દેવગને કાજોલ વિશે વાત કરતા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેને શરૂઆતમાં કાજોલ ખૂબ જ ઘમંડી લાગી હતી. બંને એકબીજાથી ઘણા અલગ પણ હતા. મજાની વાત એ છે કે તે સમયે બંને પોતપોતાના જીવનમાં કોઈ બીજાને ડેટ કરી રહ્યા હતા. કાજોલ તો પોતાની લવ લાઈફ સાથે જોડાયેલી સલાહ પણ અજય દેવગણ પાસેથી લેતી હતી. આ રીતે ધીમે ધીમે એકબીજાનું બોન્ડિંગ મજબૂત થતું ગયું હતું. કાજોલના બ્રેકઅપ બાદ અજય દેવગણે તેને મિત્રની જેમ સંભાળી હતી અને પછી ધીરે ધીરે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા.
તે સમયે કાજોલ તેના કરિયરના ટોપ પર હતી અને ખૂબ જ સારું કામ કરી રહી હતી, જ્યારે બીજી બાજુ અજય દેવગણ પહેલી જ ફિલ્મથી સુપરસ્ટાર હતો. કાજોલ પોતાના જીવનમાં એક સ્ટેબિલીટી લાવવા માંગતી હતી અને તેથી જ તેણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે કાજોલ માત્ર 24 વર્ષની હતી. તેણે પોતાના ઘરે મરાઠી રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન પણ કર્યા હત. આ લગ્નમાં કાજોલના બેસ્ટ ફ્રેન્ડ શાહરૂખ ખાન સહિત માત્ર પસંદગીના જ લોકોએ જ હાજરી આપી હતી.
લગ્ન પછી અજય દેવગણ અને કાજોલના હનીમૂનની કહાની પણ ઓછી દિલચસ્પ નથી. અજય દેવગણ અને કાજોલ લગભગ દોઢ મહિના માટે હનીમૂન પર ગયા હતા. એક ઈન્ટરવ્યુમાં કાજોલે ખુલાસો કર્યો હતો કે અજય દેવગણને તેના ઘર સાથે એટલો લગાવ છે કે તેણે હનીમૂન અધવચ્ચે છોડીને ઘરે પરત ફરવાનું નક્કી કર્યું હતું. બંને પોતાનું હનીમૂન અડધુ મૂકીને મુંબઈ પરત ફર્યા હતા.
બે દાયકા પહેલા જ્યાં અભિનેત્રીઓ લગ્ન પછી પોતાનું કરિયર છોડી દેતી હતી. ત્યાંજ કાજોલ એક એવી અભિનેત્રી છે જેણે બોલિવૂડની આ મિથ તોડ્યું હતું. લગ્ન પછી કાજોલે 'કુછ કુછ હોતા હૈ', 'કભી ખુશી કભી ગમ', 'માય નેમ ઈઝ ખાન', 'ફના' સહિત ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. બંનેને બે બાળકો ન્યાસા અને યુગ છે. અજય દેવગણ અને કાજોલ બંનેએ પોતાના બાળકોને શરૂઆતથી જ લાઇમલાઇટથી દૂર રાખ્યા છે.