20 Years Of RAAZ : ફિલ્મ 'રાઝ' (RAAZ) 1 ફેબ્રુઆરી 2002ના રોજ રીલિઝ થઈ હતી. આ ફિલ્મ વિક્રમ ભટ્ટ (Vikram Bhatt) દ્વારા નિર્દેશિત કરાઈ હતી. 'રાઝ' ફિલ્મમાં બિપાશા બાસુ (Bipasha Basu), ડીનો મોરિયા (Dino Morea) , માલિની શર્મા (Malini Sharma), આશુતોષ રાણા (Ashutosh Rana) મહત્વના રોલમાં હતા. આ ફિલ્મના 20 વર્ષ પૂરા થવા પર જાણીએ કે આ ફિલ્મ માટે બિપાશાએ કેટલું મોટું જોખમ ઉઠાવ્યું હતું અને તે રાતોરાત યુવાનોના દિલની ધડકન કેવી રીતે બની બની ગઈ.
બિપાશા બાસુની કારકિર્દીમાં ટર્નિંગ પોઈન્ટ બનીને આવી હતી 'રાઝ' ફિલ્મ. જો તમને ખબર ન હોય તો જણાવી દઈએ કે, આ ફિલ્મમાં લીડ રોલ માટે બિપાશા બાસુ પહેલી પસંદ નહોતી. તો પછી આ ફિલ્મ બિપાશાને કેવી રીતે મળી તે જાણવું પણ રસપ્રદ બની રહેશે. કારણ કે, ફિલ્મમાં બિપાશાની એન્ટ્રીની સ્ટોરી પણ ફની છે. ફિલ્મ 'રાઝ'માં લીડ એક્ટર ડીનો મોરિયો સાથે લીડ એક્ટ્રેસ તરીકે લિસા રેને કાસ્ટ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે, ડીનો મોરિયાએ જયારે આ ફિલ્મ સાઈન કરી ત્યારે ડિનો અને બિપાશા રિલેશનશિપમાં હતા. જેના કારણે બિપાશા તેના બોયફ્રેન્ડને મળવા ફિલ્મ 'રાઝ'ના સેટ પર ગઈ હતી અને તેને ફિલ્મ મળી ગઈ હતી.
બિપાશાએ મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, એકવાર તે ફિલ્મના સેટ પર તેના બોયફ્રેન્ડ ડીનોને મળવા ગઈ હતી. પરંતુ ત્યાં એક અલગ જ દ્રશ્ય સર્જાયું હતું. કારણ કે, 'લિઝા રેએ કોઈ કારણસર આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. એ સમયે હું ત્યાં શૂટિંગ પર પહોંચી હોવાથી ફિલ્મના સહ-નિર્માતા મુકેશ ભટ્ટે મને આ ભૂમિકા ભજવવા વિનંતી કરી હતી. બિપાશાએ વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ મને માલિનીના રોલ માટે ઑફર મળી હતી પરંતુ મેં તે ઓફર નકારી કાઢી હતી. ફિલ્મમાં લીડ રોલ મળ્યા પછી બિપાશા બાસુએ આજથી 20 વર્ષ પહેલા ડિનો મોરિયા સાથે કોઈ ખચકાટ વગર બોલ્ડ સીન ફિલ્માવીને સનસનાટી મચાવી દીધી હતી. આ પછી બિપાશા આ જોનરની ફિલ્મો માટે પહેલી પસંદ બની ગઈ હતી.
જોકે, ડીનો મોરિયા અને બિપાશાની રિલેશનશિપ લાંબો સમય ટકી નહીં. જે બાદ બિપાશાનું નામ અભિનેતા જ્હોન અબ્રાહમ સાથે પણ જોડાયું. પરંતુ આ રિલેશનશિપ પણ તૂટી ગઈ અને છેલ્લે બિપાશાએ ટીવી અને ફિલ્મ અભિનેતા કરણ ગ્રોવર સાથે લગ્ન કર્યા. બિપાશા ઘણા સમયથી મોટા પડદા પરથી દૂર છે. પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.