કોરોના વાયરસને કારણે નોકરી જવા પર હવે રૂપિયાનું ટેન્શન નહીં! બસ આવી રીતે આયોજન કરો
કોરોના વાયરસને કારણે ગ્લોબલ ઇકૉનોમી (Global Economy) પર ખૂબ જ ખરાબ અસર પડી છે. લોકોના હજારો કરોડ રૂપિયા ડૂબી ગયા છે. આવી કપરી પરિસ્થિતિ માટે ઇમરજન્સી ફંડ બનાવવું જરૂરી છે. આવું પ્લાનિંગ કેવી રીતે કરશો તેના વિશે અમે જણાવી રહ્યા છીએ...


નવી દિલ્હી : આખી દુનિયા હાલ કોરોના વાયરસની મહામારી સામે લડી રહી છે. લોકોની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ કારણે અનેક લોકો બેરોજગાર બની ચુક્યા છે. એવા પણ રિપોર્ટ આવી રહ્યા છે કે થોડા જ સમયમાં 50 ટકા નોકરીઓ પર જોખમ ઊભું થયું છે. આવા સમયમાં તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સાથે સાથે થોડું નાણાકીય આયોજન કરો તે પણ જરૂરી છે. આવું કરવાથી મુશ્કેલીના સમયમાં તમને કરજ લેવાની ફરજ નહીં પડે. આવી કપરી પરિસ્થિતિમાં તમારી પાસે ઇમરજન્સી ફંડ હોય તે જરૂરી છે.


જાણીતા ફાઇનાન્સિયલ પ્લાનર કહી રહ્યા છે કે નોકરી કરનાર લોકોએ યોગ્ય સમયે જ પોતાનું નાણાકીય આયોજન શરૂ કરી દેવું જોઈએ. કારણ કે એક જૂની કહેવાત છે કે 'ખરાબ સમયમાં પોતાનો પડછાયો પણ સાથ નથી આપતો.' એટલે કે યાદ રાખે કે તમારા હાથમાં જે પૈસા છે એ જ કામ આવશે. નાણાકીય પ્લાનર અર્ણવ પંડ્યા કહે છે કે નોકરી શરૂ કરતાની સાથે જ તમારે ઇમરજન્સી ફંડ તૈયાર કરવાનું શરૂ કરી દેવું જોઇએ. સાથે જ જરૂરી ખર્ચનો હિસાબ રાખવાનું શરૂ કરી દેવું જોઇએ. આ ઉપરાંત રોકાણ પર મળી રહેલા નફાની ગણતરી કરતા રહો અને સૌથી મહત્વપૂર્ણ છે કે નવી નોકરીની શોધમાં રહો. ખરાબ સમયમાં કામ આવે તેના માટે આજથી જ પ્લાનિંગ શરૂ કરી દો. નીચેના મુદ્દા યાદ રાખો.


1) ઇમરજન્સી ફંડ તૈયાર રાખો : આ માટે પાંચથી છ મહિનાના ખર્ચને પહોંચી શકાય એટલું ફંડ રાખો. જરૂર પડે ત્યારે જ તેમાંથી પૈસા ઉપાડવાનું પસંદ કરો. આ માટે લિક્વિડ ફંડમાં રોકાણ કરો. આજે 500 રૂપિયાની નાની રકમ સાથે તમે તેની શરૂઆત કરી શકો છો. જો ગત વર્ષોમાં વળતરની ટકાવારી જોવામાં આવે તો મ્યુચ્યુઅલ ફંડો સરેરાશ 12 થી 15 ટકા રિટર્ન આપતા આવ્યા છે.


બજારમાં સેન્ટીમેન્ટ ખરાબ થવાની સાથે મ્યુચ્યુઅલ ફંડ ક્યારેક નેગેટિવ રિટર્ન પણ આપે છે, પરંતુ લાંબા ગાળે તમને ફાયદો જ થાય છે. કારણ કે તમને કમ્પાઉન્ડ વ્યાજનો ફાયદો મળે છે. આથી રોકાણનો સમય ત્રણથી પાંચ વર્ષ પસંદ કરવો જોઈએ. લાંબા સમય સુધી રોકાણ કરશો તો પાવર ઑફ કમ્પાઉન્ડિંગનો ફાયદો ઉઠાવી શકશો. તમારું રોકાણ જેમ જેમ રિ-ઇન્વેસ્ટ થશે તેમ તેમ તેના પર સિમ્પલ નહીં પરંતુ કમ્પાઉન્ડ વ્યાજ મળશે.


2) ખર્ચનો હિસાબ રાખો : પોતાના ખર્ચનો હિસાબ રાખવા માટે દર મહિને બજેટ પર ધ્યાન આપો. આ માટે જરૂરી અને બિનજરૂરી ખર્ચ પર વચ્ચેનો ભેદ બરાબર સમજી લો. બાળકોની ફી, ભાડું, બિલ વગેરેની ચૂકવણી માટે પહેલાથી જ આયોજન કરો. જ્યારે બિનજરૂરી ખર્ચને ટાળી શકાય છે.


3) વધારાની આવક પર ધ્યાન કેન્દ્રીત રાખો : સારી નાણાકીય સ્થિતિ માટે હંમેશા અન્ય આવકના સ્ત્રોત પર ધ્યાન રાખો. તમે ફ્રિલાન્સ કામના માધ્યમથી કમાણી કરી શકો છે. આ ઉપરાંત યોગ્ય રોકાણ પર વ્યાજથી પણ કમાણી કરી શકો છો.


4) પગારમાંથી મળેલા પે-આઉટનું પ્લાનિંગ કરો : નોકરીમાંથી મળેલા પૈસાના સંભાળીને રાખવા જોઈએ. આ માટે પૈસાનું યોગ્ય જગ્યાએ રોકાણ કરો.


5) વીમા કવચ : સારા પ્લાનિંગ માટે ટર્મ અને હેલ્થ વીમાનું યોગ્ય કવર લેવું જોઇએ. આ ઉપરાંત જે પોલીસે પર રોકાણ કર્યું છે તેના પર પણ ધ્યાન રાખો.


6) નિવૃત્તિના પૈસા ખર્ચ ન કરો : પીએફથી મળનારી રકમનો ખર્ચ ન કરવામાં જ ભલાઈ છે. અમુક પૈસા નિવૃત્તિ માટે બચાવીને રાખવા જરૂરી છે.


7) ટેક્સ પ્લાનિંગ : ટેક્સની વાત કરવામાં આવે તો નોકરીની આવક પર ટેક્સનું બરાબર પ્લાનિંગ કરો, આ માટે સલાહકારની મદદ લઈ શકો છો.