સોમવારે શિવપૂજાની વિશિષ્ટ પદ્ધતિ અને મહત્તા જોવા મળે છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવપૂજા ચોખા (ડાંગર)થી કરવાનો વિશેષ મહિમા છે. શ્રાવણ માસના બીજા સોમવારે શિવપૂજા તલથી તેમા પણ કાળા તલથી કરવાનો વિશેષ મહિમા છે. ત્રીજા સોમવારે શિવપૂજા મગથી કરવાનો વિશેષ મહિમા છે. ચોથા સોમવારે શિવપૂજા જવથી કરવાનું ખાસ મહત્ત્વ છે. મોટે ભાગે શ્રાવણ માસમાં ચાર સોમવાર આવે છે પરંતુ ક્યારેક પાંચ સોમવાર હોય છે ત્યારે પાંચમા-છેલ્લા સોમવારે સત્તુ (સાથવા)થી શિવપૂજા કરવાનું મહત્ત્વ છે.
પવિત્ર શ્રાવણ માસમાં દર રવિવારે સૂર્યનું પૂજનનું મહત્ત્વ છે. સૂર્યનારાયણની ભક્તિ અને પૂજા કરવાથી માનવીને આરોગ્ય અને આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય છે. શ્રાવણના દરેક મંગળવારે મંગળાગૌરી પૂજનનો મહિમા છે. જેમાં ખાસ કરીને પાર્વતીજીની પૂજા કરવામાં આવે છે. જે પૂજાનો હેતુ સમાજમાં અને પરિવારમાં નારીને સન્માનની નજરથી જોવાનું શીખવે છે.