શનિદેવની વિધિવત પૂજા અર્ચના કરવાથી સાડાસાતી, મહાદશા જેવી તકલીફોમાં રાહત મળે છે. દર શનિવારે શનિ મંદિરમાં દર્શન કરી સરસિયાનું તેલ ચઢાવી, દીવો પ્રગટાવવાથી તેમની કૃપા વરસે છે. જોકે, ભક્તો ક્યારે શનિદેવને ક્રોધિત કરી દેતી ભૂલો કરી બેસે છે. ત્યારે અહીં શનિદેવની પૂજા કરતી વખતે કઈ વાત ધ્યાનમાં રાખવી તે અંગે જાણકારી આપવામાં આવી છે.
મંદિરની બહારથી તેલ ખરીદવું: શનિદેવને તેલ ચઢાવવું અને તેમની સમક્ષ દીવો પ્રગટાવવો શુભ ગણાય છે. જોકે, ઘણા લોકો મંદિરની બહારથી દીવા અને તેલ ખરીદે છે. જે મોટી ભૂલ ગણાય છે. શાસ્ત્રો મુજબ, તેને સારું માનવામાં આવતું નથી. હંમેશા એક દિવસ પહેલાં શુક્રવારે સરસિયાનું તેલ ખરીદો અને પછી શનિવારે તેને ચઢાવવું જોઈએ. માનવામાં આવે છે કે ઘરમાં પણ શનિનો પ્રભાવ પડતો હોય છે. તમે ઘરમાંથી કોઈ વસ્તુ લઈને શનિદેવને અર્પિત કરી શકો છો. જેનાથી ઘરમાં પણ સકારાત્મક અસર જોવા મળશે. આમ કરવાથી શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે.
શનિદેવની મૂર્તિને જોવી: શાસ્ત્રો અનુસાર, શનિદેવની નજર કોઈ વ્યક્તિ પર પડે તો તેના ખરાબ દિવસો શરૂ થઈ જાય છે. તેથી શનિદેવના દર્શન કરતી વખતે તેમનું મોઢું ક્યારેય ન જોવું જોઈએ. હંમેશા આંખો નમાવીને જ શનિદેવની પૂજા કરવી જોઈએ. આ સાથે જ હંમેશા જમીન તરફ માથું રાખીને બેસીને નમન કરવું જોઈએ. આવું કરવાથી તેમના ક્રોધનો સામનો કરવો પડતો નથી.