

આજે 28 જાન્યુઆરી-ગુરુવારના રોજ પોષ માસની પૂર્ણિમા (Poshi Poonam) એટલે પોષી પૂનમ છે. આ પવિત્ર દિવસે ચંદ્રનો પુષ્ય નક્ષત્રમાં યોગસ્વરૂપ ગુરુપુષ્યામૃતસિદ્ધિયોગ થાય છે. તેની સાથે ચંદ્રથી ગુરુ સાતમે હોવાથી ગજકેશરી યોગ પણ બને છે. આ યોગ મહાસિદ્ધિદાયક ગણાય છે. મંત્રસાધના માટે પુષ્યનક્ષત્રની (Pushya Nakshatra) સાથે ગુરુવાર (thursday) શ્રેષ્ઠ ગણાય છે. આ દિવસે બહેન ભાઇ માટે ખાસ વ્રત પણ કરે છે. આ વ્રત કેટલીક જગ્યાએ બહેનો પોતાના ભાઈની સુખાકારી અને સમૃદ્ધિ માટે કરે છે.


પોષ સુદ પૂનમની વહેલી સવારે 3.50 મિનિટે ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરે છે અને રાત્રે 12.46 મિનિટ સુધી રહેશે. છઠ્ઠા સ્થાને રહેલ મંગળ નવમે રહેલ ચંદ્ર પર દ્રષ્ટિ કરે છે તેથી લક્ષ્મીયોગ પણ બને છે. આ દિવસે કરવામાં આવેલું કાર્ય લક્ષ્મીદાયક બની રહેશે. આ ઉપરાંત આ દિવસ વિદ્યાપ્રાપ્તી અને સરસ્વતી દેવીની આરાધના માટે શ્રેષ્ઠ ગણાય છે.


આ દિવસે લક્ષ્મીજીની પ્રાપ્તિ માટે લક્ષ્મીની આરાધના કરવી. શ્રીસુક્તના અભિષેક દ્વારા પણ શ્રીયંત્રનું પૂજન કરી શકાય. આ ઉપરાંત 'ઓમ્ હૃીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ શ્રી હૃીં ઓમ્ મહાલક્ષ્મયૈ નમઃ' મંત્ર દ્વારા શ્રીયંત્રનું પૂજન કરી શકાય છે. મા અંબાજીનો પ્રાગટ્ય દિવસ હોવાથી શ્રેષ્ઠ દિવસ બની રહેશે. આ દિવસે શ્રીવિષ્ણુ અને શ્રીહરિની ઉપાસના, ઓમ વિષ્ણવે નમઃ!! નમો ભગવતે વાસુદેવાય!!, !!શ્રી કૃષ્ણ શરણમ મમ્ !! ના મંત્ર જાપ કરવાથી માનસિક શાંતિમાં વધારો થશે.


જ્યોતિષ અને હિન્દુ ગ્રંથો સાથે જોડાયેલી માન્યતા અનુસાર પોષ માસને સૂર્ય દેવનો મહિનો માનવામાં આવે છે. કહેવાય છે કે આ મહિનામાં સૂર્યદેવની આરાધના કરવાથી મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે. તેથી જ પોષ માસની પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરી અને સૂર્ય દેવની આરાધના કરવાની પરંપરા છે. આ દિવસે સૂર્ય અને ચંદ્રનો અદભૂત સંગમ થાય છે. આ દિવસે સૂર્ય અને ચંદ્રમા બંનેની પૂજા કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને સાથે જીવનમાં આવનારી મુશ્કેલીઓ પણ દૂર થાય છે.