

આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: ગુજરાત સહિત સમગ્ર દેશભારમાં નવરાત્રીની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. જગત જનની મા પાસે શકિતની આરાધનાનું પણ હવે વ્યાપારીકરણ થઈ રહ્યું છે. ત્યારે આજે પણ બનાસકાંઠામા એક એવા સાધક છે કે જે નવ દિવસ સુધી નકોરડા ઉપવાસની સાથે એક પગે ઉભા રહી માની સાધના કરે છે.


ગુજરાતના છેવાડાના ગામડાઓમાં પણ હવે નવરાત્રીમાં આધુનિકતાના નામે લાખો રૂપિયાનો ખર્ચ ડી.જે. અને અન્ય વાજીંત્રો પાછળ ખર્ચી રહ્યા છે. વર્તમાન યુગમાં નવરાત્રિમાં મા જગત જનનીની આરાધના ભુલાઇ રહી છે ત્યારે બનાસકાંઠાના પાલનપુર તાલુકાના દલવાડા ગામનો સુરેશ ચૌહાણ નામનો યુવક છેલ્લા 17 વર્ષથી નવરાત્રીના નવ દિવસ સુધી એક પગે ઉભા રહીને વિશેષ સાધના કરે છે. વિશ્વ શાંતિ અને વિશ્વ કલ્યાણ માટે એક પગે ઉભા રહીને કરાતી સાધાનામાં છેલ્લા 17 વર્ષથી આ યુવકનો સમગ્ર પરિવાર તેની સેવામાં અવિરત કાર્યરત રહે છે.


સુરેશભાઈ સતત નવ દિવસ સુધી એક પગ પર ઉભા રહી માત્ર દોરડાના સહારે, પાણી અને ચા પી સતત માળા જપે છે. દોરડાના હિંચકા પર જ સુવાનું કે આરામ કરવાનો, બસ માંના નામનું રટણ કરતા તેમને અનોખી શક્તિથી આ બધું શક્ય હોય તેમ તેઓ જણાવે છે, દર વર્ષે જ્યારે એક પગે સાધના કરવામાં આવે છે ત્યારે સુરેશભાઈના પગ સોજા આવવાથી લાલચોળ થઈ જાય છે, તેમ છતાં તેમના મનમાં આસ્થા વધતી જ જાય છે.


સુરેશભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, નવરાત્રી દરમિયાન નકોરડા ઉપવાસ રાખીને સોળ વર્ષથી શક્તિની સેવા કરીને શરીરને કસ્ટ આપીને મારા કુટુંબ,પરિવાર, ગામ અને વિશ્વ ના કલ્યાણ અર્થે માતાજીની આરાધના કરી રહ્યો છું. ભક્ત સુરેશ ચૌહાણે જણાવ્યું હતું કે હું 17 વર્ષ થી નવરાત્રી માં એક પગે ઉભા રહી માતાજીની આરાધન કરું છે, વિશ્વ કલ્યાણ અને શાંતિ માટે આરાધન કરું છે, એક પગે ઉભા રહેવાથી થતી પીડા હું જ જાણું છું, છતાં મને માતાજી પર ખૂબ જ શ્રધ્ધા છે અને આ રીતે નવરાત્રીમાં હું આરાધના ચાલુ જ રાખીશ.


જો કે 17 વર્ષથી એક પગે ઉભા રહીને અખંડ સાધના કરતા યુવક માટે આવનાર સમયમાં પણ માની આરાધના આ રીતે જ અવિરત પણે ચાલુ રાખવાની ખેવના રાખે છે. આજે ૨૧મી સદીની ઝાકળમાલ આધુનિકતામાં નવરાત્રિઓ પણ આધુનિક બનતી જાય છે. જેમાં માની સાચી આરાધના ભુલીને પશ્ચિમી સંસ્કૃતિ તરફ યુવાધન અને આધુનિક નવરાત્રિ કરતાં સંચાલકો ધકેલાઈ રહ્યા છે. જ્યારે સુરેશ ચૌહાણ જેવા મા જગત જનનીના સાધકો આજે પણ આ આધુનિકતાથી પર રહીને એક પગે ઉભા રહીને અખંડ સાધના કરી રહ્યા છે.