Mangal Gochar 2022: તમામ 9 ગ્રહ એક નિશ્ચિત અંતરાલ પર એક રાશિથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે, જેને વૈદિક જ્યોતિષમાં ગોચર કરવું કહેવાય છે. કોઇપણ ગ્રહના રાશિ પરિવર્તનનો પ્રભાવ વ્યક્તિના જીવન પર પડે છે. ગ્રહોના સેનાપતિ કહેવાતા મંગળ 7 એપ્રિલે મકર રાશિથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા (Mars Transit) છે. આ રાશિમાં મંગળ 17 મે સવારે 9:30 કલાક સુધી ગોચર કરશે અને ત્યારબાદ મીન રાશિમાં પ્રવેશ કરશે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ ગ્રહનો પ્રભાવ ભૂમિ, યુદ્ધ, સાહસ અને પરાક્રમથી હોય છે. મંગળ ગ્રહને ક્રૂર ગ્રહ પણ કહેવામાં આવે છે. મંગળના રાશિ પરિવર્તનથી તેનો પ્રભાવ તમામ જાતકો પર પડે છે. આ ગોચરથી કેટલાક પર શુભ, કેટલાક પર અશુભ તો કેટલાક પર મિશ્ર પ્રભાવ જોવા મળશે. પરંતુ 5 રાશિ એવી છે જેણે 17 મે સુધી સાવધાન રહેવાની જરૂર છે. જાણો તે રાશિઓ કઈ છે.
કર્ક રાશિ- ગ્રહોના સેનાપતિ મંગળ કર્ક રાશિના પાંચમા અને દસમા ભાવનો સ્વામી છે. અને આ ગોચર દરમિયાન મંગળ ગ્રહ કર્ક રાશિના આઠમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ દરમિયાન તમને સિનિયર કે કલીગ્સ સાથે વ્યવહાર કરતી વખતે કાર્યસ્થળ પર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કામમાં મન નહીં લાગે તેથી નિરાશા પેદા થઈ શકે છે. આ ગોચર દરમિયાન તમે આર્થિક રીતે અસુરક્ષિત અનુભવ કરશો. તમને શેરબજાર, ચલ સંપત્તિમાં રોકાણ ન કરવાની સલાહ આપવામાં આવે છે. જીવનસાથી સાથે સંબંધ બગડી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા રહેવાની શક્યતા છે.
તુલા રાશિ- મંગળ ગ્રહ તુલા રાશિના જાતકોના બીજા અને સાતમા ભાવના સ્વામી છે અને આ સમયે પાંચમા ભાવમાં ગોચર કરી રહ્યા છે. આ સમય તમારા માટે ઉતાર-ચઢાવ વાળો રહેશે. કાર્યક્ષેત્ર પર સાવધાન રહેવું. તુલા રાશિના લોકોએ રોકાણ બાબતે જોખમ ન ઉઠાવવું હિતાવહ છે. લવલાઇફમાં સમસ્યા પેદા થઈ શકે છે, નવા સંબંધ બાબતે સાવધ રહો કારણકે દગો મળવાની શક્યતા છે. તમારા બાળકોને શારીરિક સમસ્યા થઈ શકે છે.
વૃશ્ચિક રાશિ- મંગળ વૃશ્ચિક રાશિના જાતકોના છઠ્ઠા અને લગ્ન ભાવનો સ્વામી છે અને આ સમયે ચતુર્થ ભાવમાં ગોચર કરી રહ્યા છે. તમે આ સમય દરમિયાન ખૂબ આક્રમક રહેશો જેથી તમારા પરિવારના સભ્યો, મિત્રો વગેરે આસપાસની વ્યક્તિ સાથે સબંધ બગડી શકે છે. આ વ્યવહાર તમારા કાર્યક્ષેત્રમાં પણ મુશ્કેલી પેદા કરી શકે છે. એટલા માટે સંયમ રાખવો હિતાવહ છે. શેરબજાર કે સંપત્તિમાં રોકાણ કરવા માટે આ યોગ્ય સમય નથી. સંતાન સાથે અણબનાવ થઈ શકે છે. માતાની તબિયત પર ધ્યાન આપો અને જે લોકો બીપી કે હૃદય સંબંધિત બીમારીથી પીડિત છે તેમણે વધારે ધ્યાન રાખવાની જરૂર છે.
મકર રાશિ- સેનાપતિ મંગળ મકર રાશિના ચોથા અને અગિયારમા ભાવનો સ્વામી છે. આ ગોચર દરમિયાન તમને ઘરમાં માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. તમારી વાણીમાં કડવાશ આવી શકે છે અને તમારો ક્રોધ તમારા માટે મુશ્કેલી પેદા કરી શકે છે. આ સમય દરમિયાન સંયમ બનાવી રાખો. રોકાણને લઈને સાવધ રહેવું કારણકે આર્થિક હાનિ થવાની શક્યતા છે. મકર રાશિના જાતકોએ વાહન ચલાવવામાં પણ સાવધાની રાખવી. શરીરમાં પીડા, થાક, અનિદ્રા જેવી સમસ્યા થઈ શકે છે.
મીન રાશિ- મંગળ ગ્રહ મીન રાશિના જાતકોના બીજા અને નવમા ભાવનો સ્વામી છે અને આ સમયે તે બારમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. મીન રાશિના જાતકોને આ ગોચર દરમિયાન ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. તમારા ઘણા પ્રયત્નો નિષ્ફળ થઈ શકે છે અને તેના કારણે તમે અસંતોષ અનુભવી શકો છો. તમારા વિરોધીઓ તમારી છબી ખરડવાનો પ્રયાસ કરશે. આ સમય દરમિયાન તમારું વલણ આક્રમક બની શકે છે. અંગત જીવન તણાવપૂર્ણ હોઈ શકે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ તમે આ સમયગાળા દરમિયાન થોડો માનસિક તણાવ, શરીરમાં દુખાવો અને થાક અનુભવી શકો છો.