

આજથી આશરે 193 વર્ષ પહેલાં જે કુરિવાજો, અંધશ્રદ્ધા, વહેમ, વ્યસન વગેરે સામેના રણ સંગ્રામમાં નિસ્તેજ થઈ ગયેલા અસંખ્ય માનવીઓના જીવનમાં પ્રાણ ફૂંકવા પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને જે ૨૧૨ શ્લોકમાં માર્ગદર્શન આપવા જે માર્ગદર્શિકા આપી તેનું નામ શિક્ષાપત્રી. આ શિક્ષાપત્રી શ્રી સ્વામિનારાયણ ભગવાને સંવત્ ૧૮૮ર મા વસંતપંચમના દિવસે વડતાલમાં લખી હતી.


હિંસા, ચોરી, અસત્ય, વ્યભિચાર, જુગાર વગેરેની ગંદકીમાંથી કૂદીને બહાર નીકળવાનું જોમ માનવામાં આ શિક્ષાપત્રી દ્વારા આપ્યું. સ્વધર્મની કર્તવ્યતા જીવનમાં દ્રઢ કરાવી. નિયમોની પાછળ રક્ષાયેલો સ્વધર્મ પાલનનો એવો સાફ માર્ગ બનાવી આપ્યો કે ક્યાંય ઠોકર ન વાગે અને માણસ એના ઉપર સડસડાટ ચાલતો અધ્યાત્મિક શિખરને આંબી શકે.


આ શિક્ષાપત્રી એ માત્ર સ્વામિનારાયણ ભગવાનના સત્સંગીઓ માટે જ નથી. પરંતુ વિશ્વપટ પર શ્વાસ લેતા દરેક માનવ માટે છે. શિક્ષાપત્રીનો અત્યાર સુધીમાં દેશ-વિદેશની અનેક ભાષામાં અનુવાદ થયો છે.


સરદાર વલ્લભભાઈ પટેલ કહે છે કે, શ્રી સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રી પ્રમાણે સમાજ વર્તે તો દેશમાંથી પોલીસ થાણા તથા સર્વ પ્રકારની કોટો ઉઠાવી લેવી પડે.


ક્યાં છે શિક્ષાપત્રી?<br />હાલ, આ શિક્ષાપત્રી કયાં છે તો અંગે માહિતી આપતા શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આવી અણમોલ શિક્ષાપત્રી શ્રી સ્વામિનારાયણ ભગવાને રાજકોટમાં મુંબઈના ગર્વનર સર જહોન માલ્કમને તા. ર૬-૨-૧૮૩૦ ના રોજ ભેટમાં અર્પણ કરી હતી. હાલ સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદિભૂત શિક્ષાપત્રી ઈલેન્ડની ઓક્સફર્ડ યુનિવસિટીન બોડલીયન લાયબ્રેરીમાં તેઓએ જીવની જેમ સાચવીને રાખી મૂકાયેલી છે.


કેવી રીતે સાચવવામાં આવી છે શિક્ષાપત્રી?<br />તેમણે જણાવ્યું કે, સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી ૯ વખત ઇંગ્લેન્ડની ભૂમિ ઉપર સત્સંગ પ્રચાર અર્થે સંતો - ભકતો સાથે પધારેલા છે. તેઓ જયારે ઈ.સ. ૧૯૯૬ માં ઇંગ્લેન્ડ પધાર્યા હતા, ત્યારે તેઓ સંતો-ભકતો સાથે ઓક્સફર્ડ યુનિવર્સિટીની બોડલીયન લાયબ્રેરીમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીભૂત શિક્ષાપત્રીના દર્શન માટે તેની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે લાયબ્રેરીના સંચાલકે ખૂબ જ મહિમા સાથે તે શિક્ષાપત્રીના દર્શન કરાવ્યા હતા. અને ભવિષ્યમાં આ શિક્ષાપત્રીને કોઈ પણ પ્રકારની વાતાવરણની અસર ના થાય તે માટે અમુક પ્રકારની દવાઓ પણ તેની પાસે મૂકી રાખવામાં આવે છે. તેવી માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ સ્વામિનારાયણ સંપ્રદાયના ધામિર્ક ગ્રંથ ઉપર અમને બહુ સન્માન છે અને તેની વસંતપંચમીના દિવસે જયંતી હોવાથી અમો સહુ જનોને તેના દર્શનનો લાભ મળે તે માટે અમો જાહેરમાં તેના દર્શન માટે મૂકીએ છીએ.


આમ, શિક્ષાપત્રી ગ્રંથ ગરીબોનાં નાનાં ઝૂંપડાંમાંથી માંડીને ઇંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીની બોલીયા લાયબ્રેરીમાં તથા સારાય વિશ્વમાં ફેલાયેલી છે.


શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં આ શિક્ષાપત્રીના પઠન અને પાઠન ઉપર ખૂબ જ ભાર મૂક્યો છે. “અમારા આશ્રિતે આ શિક્ષાપત્રીનો નિત્ય પ્રત્યે પાઠ કરવો અને જેને વાંચતા આવડતું ન હોય તેમણે શ્રવણ કરવું અને વાંચી સંભળાવે તેવો કોઈ ન હોય તો છેવટે આ શિક્ષાપત્રીની પૂજા કરવી અને એ ત્રણેમાંથી જેને ફેર પડે તેને એક ઉપવાસ કરવો એમ અમારી આજ્ઞા છે.”


આ શિક્ષાપત્રીની રચના શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં મહાસુદ પંચમીના રોજ ૧૮૮૨માં વરતાલમાં કરી છે. શિક્ષાપત્રી રૂપી આ અજોડ ગ્રંથ લખાઈને તૈયાર થયો ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રી જયંતીનું મહત્વ સુવર્ણાક્ષરે અંકિત થયું છે ને આજ દિન સુધી સંપ્રદાયના તમામે તમામ નાનાં-મોટાં હરિમંદિરો અને શિખરબંધ મંદિરોમાં વસંત પંચમીના દિવસે સૌ સંતો-ભક્તો શિક્ષાપત્રીના દિવસે તેની ષોશોપચારથી પૂજન કરી સમગ્ર શિક્ષાપત્રીના ૨૧૨ શ્લોકનું પઠન પાઠન કરીને શિક્ષાપત્રીમાંથી માર્ગદર્શન મેળવી પોતાનું જીવન કેમ વધુ ને વધુ ઉન્નત બને તેની પ્રેરણા મેળવે છે.


આમ સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગર ખાતે પણ તા.૧૦-૦૨-૨૦૧૯ ને રવિવારના રોજ શિક્ષાપત્રીની ૧૯૩ મી જયંતી પ્રસંગે મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં સવારે ૭-૦૦ થી ૧૦-૦૦ સુધી શિક્ષાપત્રીનું પૂજન- અર્ચન કરવામાં આવશે અને તેના ૨૦૧ સમૂહપાઠ કરવામાં આવશે.