

અનેક લોકો નવરાત્રીમાં દર વર્ષે ઉપવાસ કરે છે. જો કે કોરોના કાળમાં આસ્થા, શ્રદ્ધા અને તબિયત બધુ સચવાઇ જાય તે માટે ઉપવાસ દરમિયાન આ વખતે કેટલીક વસ્તુઓનું વધુ ધ્યાન રાખવું જરૂરી છે. વળી આ ઉપવાસ દરમિયાન મન અને વિચારોથી પણ શુદ્ધ થવું એટલું જ જરૂરી છે. માટે સારા વિચારો કરવા પણ નવરાત્રી સમયે જરૂરી છે.


નવરાત્રી એટલે કે નવ દિવસ સુધી નવી દિનચર્યા અપનાવવાની હોય છે. અનેક લોકો આ દરમિયાન સદંતર ખાવાનું બંધ કરતા હોય છે. તો કેટલાક લોકો ખાલી એક ટાઇમ જ ભોજન લેતા હોય છે. પણ વ્રત દરમિયાન થાય એટલું તળેલું અને બહુ મીઠું ખાવાનું છોડી, સાત્વિક અને ફળ ઇત્યાદિ ફ્રેશ ખાવા પર ભાર આપો.


સાથે જ કોરોના કાળમાં શક્ય હોય તો આ નવ દિવસ દરમિયાન ઓછામાં ઓછા લોકોને સંપર્કમાં આવો. અને હાથ સાફ કરવા સમેત ચોખ્ખી અને હવા ઉજાસ વાળી જગ્યાએ રહો. વધુમાં યોગ અને હળવી શ્વાસની કસરત કરીને શરીરને મજબૂત રાખો. તમે જેટલા ઓછા લોકોને આ નવ દિવસ દરમિયાન મળશો તેટલો જ સંક્રમણ થવાની સંભાવના ઓછી થશે. વળી મંદિરે પૂજા માટે જવાના બદલે ઘરે જ વિધિવત પૂજા કરો. જેથી નવ દિવસ દરમિયાન તમે કોરોનાથી દૂરી રાખીને માં પર તમારી આસ્થાની પૂર્તિ કરી શકો.


વધુમાં વ્રત દરમિયાન સુકામેવા, લીલા શાક, ફળ, પનીર વધારે લેવું. આ ઉપરાંત સામો અને ચોખા લઈ શકાય છે. બટેટાને બદલે શક્કરીયા લેવા જેમાં ફાયબરનું પ્રમાણ વધારે હોય છે. ફાયબરયુક્ત આહાર લેવાથી મેટાબોલિઝમ સુધરે છે અને શરીરમાંથી વિષાક્ત પદાર્થ બહાર નીકળી જાય છે.


સાથે જ જો તમે નકોડા ઉપવાસ ન કરતા હોવ તો વ્રતના દિવસોમાં પાણી વધારે પ્રમાણમાં લેવું. દિવસભરમાં 8થી 10 ગ્લાસ પાણી ઉપરાંત અન્ય તરલ પદાર્થો પીવો. વ્રત દરમિયાન લીંબુ પાણી, કાકડીનો રસ, ફુદીનાનું પાણી, જ્યૂસ, નાળિયેર પાણી પણ લઇ શકો છો. આ ઉપરાંત સૂપ કે અન્ય ગરમ પ્રવાહી લઈ શકાય છે.


મેડિકલ રિસર્ચ અનુસાર પર્યાપ્ત ઊંઘ કરવાથી પણ શરીરને જલ્દીથી રિપેર થવાની શક્તિ મળે છે. ત્યારે જો તમે ઉપવાસ કરો છો તો સારી ઊંધ લેવાનું પણ રાખો. ડિસ્કેમર- ઉપરોક્ત જાણકારી સર્વસામાન્ય માહિતી પર આધારિત છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની પુષ્ટી નથી કરતું. આ પર અમલ કરતા પહેલા જાણકાર કે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.