કરવા ચોથ વ્રતનું (Karwa Chauth Vrat) હિન્દુ ધર્મમાં ઘણું મહત્ત્વ છે. આજે કરવા ચોથનું વ્રત છે. આ દિવસે પત્ની પતિનાં દીર્ઘાયુષ્ય માટે આ વ્રત કરે છે. કરવા ચોથ શબ્દનો અર્થ ‘કરવા’ એટલે માટીનું વાસણ અને ‘ચોથ’ એટલે ચતુર્થી છે. આ તહેવારમાં માટીનાં વાસણનો મહિમા ખૂબ છે. બધી સુહાગણ સ્ત્રીઓ આ દિવસની રાહ જુએે છે. શ્રદ્ધાપૂર્વક આ વ્રતનું પૂજન કરે છે. પોતાનાં જીવનસાથીની લાંબી ઉંમર અને સ્વાસ્થ્ય માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે. એટલું જ નહીં કુંવારી છોકરીઓ પણ મનવાંચિત વર માટે આ વ્રત રાખે છે. આ પાવન પર્વ દરવર્ષે કૃષ્ણપક્ષની ચતુર્થીનાં દિવસે રાખવામાં આવે છે.
કરવા ચૌથનો ઉપવાસ સૂર્યોદય પહેલા સવારે 4 વાગ્યા બાદ શરૂ થાય છે. આ દિવસે સરગીનું ખાસ મહત્વ હોય છે. સુહાગન મહિલાઓ પોતાની સાસુ પાસેથી મળેલી સરગી ખાઈને વ્રતની શરૂઆત કરે છે. આ દિવસે મહિલાઓ રાત્રે ચંદ્ર ન આવે ત્યાં સુધી નિર્જલા વ્રત રાખે છે. આ દિવસે પૂજા અર્ચના કરવા માટે, સાંજના સમયે માટીના વેદી પર ભગવાન અને દેવીઓની સ્થાપના કરવામાં આવે છે. ચંદ્ર બહાર આવે તે પહેલાં ધૂપ, દીવો, ચંદન, રોલી, સિંદૂર, ઘી આપવામાં આવે છે અને થાળીમાં મૂકવામાં આવે છે. આ દિવસે મહિલાઓ કરવા ચોથની વાર્તા સાંભળે છે. આ પછી, જ્યારે ચંદ્ર બહાર આવે છે, ત્યારે મહિલાઓ ચંદ્રને અર્ધ્ય આપે છે, તેની પૂજા કરે છે અને પતિના હાથેથી પાણી પીવે છે અને ઉપવાસ કરે છે.
આ દિવસે ચંદ્ર સાથે ગણેશજી, શિવ-પાર્વતીની પણ વિશેષ પૂજા કરવામાં આવે છે. ગણેશજીને દૂર્વા, જનોઈ સહિત અન્ય પૂજન સામગ્રી અર્પણ કરો. ભોગ ધરાવો. દીવો પ્રગટાવીને આરતી કરો. ગણેશજીના મંત્ર 'ૐ ગં ગણપતયૈ નમઃ' મંત્રનો જાપ કરો. શિવજી અને પાર્વતીની પૂજામાં 'ૐ ઉમામહેશ્વરાય નમઃ' મંત્રનો જાપ કરવો જોઇએ. આ મંત્રથી શિવજી અને માતા પાર્વતીનું ધ્યાન થઇ જાય છે.