

ધર્મભક્તિ ડેસ્ક: મહાવીરજયંતી પવિત્ર દિવસ ગણાય છે. જૈનો આ દિવસને તહેવાર તરીકે મનાવે છે. આ દિવસને મહાવીર જન્મ કલ્યાણક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે જૈન ધર્મના ચોવીસમા તેમ જ છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ થયો હોવાને કારણે મહાવીરજયંતી તરીકે મનાવાય છે. તેમનો જન્મ ભારતીય વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ ચૈત્ર સુદ તેરસના દિવસે થયો હોવાથી આ દિવસને મહાવીરજયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે.


ભગવાન મહાવીરનો જન્મ- ભગવાન મહાવીરનો જન્મ વર્તમાન બિહારના વૈશાલી જિલ્લામાં પટનાથી 29 માઇલ દૂર આવેલા 'બેસધા પટ્ટી' પાસે આવેલા કુંડલગ્રામમાં ચૈત્ર સુદ તેરસના રોજ થયો હતો. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ રાજા અને માતાનું ત્રિશલા દેવી હતું. જ્યારે મહાવીર પોતાની માતાના ગર્ભમાં આવ્યા એ સમયથી રાજ્યમાં રિદ્ધિ સંપદા વધી હતી, આથી તેમને વર્ધમાન પણ કહેવાય છે. માતાના ગર્ભમાં તેમના ચ્યવન પછી ઘણી સારી ઘટનાઓ બની હતી. આ સમયે વૃક્ષો પર મોટા પ્રમાણમાં ફૂલો ખીલ્યાં હતાં, રાણી ત્રિશલાને શુભ સ્વપ્નો આવ્યાં હતાં, વગેરે ઘટનાને એક મહાન આત્માના અવતરણનું ચિહન માનવામાં આવે છે.


ભગવાન મહાવીરનો શરૂઆતનો સમય -મહાવીર રાજા સિદ્ધાર્થના પુત્ર તરીકે રાજકુમાર તરીકે રહ્યા હતા નાની ઉંમરે પણ તેમનો સ્વભાવ સદગુણો ધરાવતો ચારિત્ર્યવંત અને આદર્શ હતો. તેઓ નાનપણથી જ જૈન ધર્મના મૂળભૂત વિચારો પ્રત્યે આકર્ષિત થયા અને સંસારિક આકર્ષણોથી દૂર રહેતા હતા.


ભગવાન મહાવીરની આધ્યત્મિક સફર-મહાવીરે 30 વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કર્યો હતો. તેમણે તેમનું રાજ્ય, પરિવાર, ભૌતિક સુખો વગેરેનો ત્યાગ કર્યો હતો. તેમણે બધું જ ત્યાગી 12 વર્ષ સુધી સંયમી જીવન ગાળ્યું હતું. આ 12 વર્ષ દરમિયાન તેમણે મોટા ભાગનો સમય ધ્યાન-આત્મચિંતનમાં ગાળ્યો હતો. તેઓ માનવ, પ્રાણી, વનસ્પતિ સહિત સર્વ જીવોનું જતન કરતા હતા. ત્યાર બાદ સમય જતાં તેમણે વસ્ત્રો સહિત વિશ્વની સર્વ ભૌતિક વસ્તુઓનો ત્યાગ કર્યો હતો. તેમણે સાધના અને તપના સમય દરમિયાન પોતાની ઇન્દ્રિય પર અનન્ય કાબૂ અને સહનશીલતાની શક્તિ પ્રાપ્ત કરી હતી. તેમની આવી વીરતાનાં પ્રદર્શનને કારણે તેમનું નામ મહાવીર પડ્યું. આધ્યાત્મિક સફરનો તેમનો આ સુવર્ણકાળ હતો, જેના અંતે તેમણે અરિહંત પદવી મેળવી હતી.


ભગવાન મહાવીરનું સંયમી જીવન- મહાવીરે એક વર્ષ અને એક મહિના સુધી વસ્ત્રો ધારણ કર્યાં હતા, પછી તેઓ નિર્વસ્ત્ર જ ફરતા હતા અને પોતાના ખોબામાં આહાર વહોરીને ખાતા હતા. 12 વર્ષ સુધી ત્યાગી જીવન ગાળ્યું હતું. એ દરમિયાન તેમણે પોતાના શરીરની જરા પણ પરવા કરી ન હતી. તેમણે માનવ, પ્રાણી કે સંજોગો દ્વારા થતા સારા કે ખરાબ બધા અનુભવો હસતે મોઢે સહન કર્યા હતા.


ભગવાન મહાવીરે શિખવાડ્યું છે કે અનંત કાળથી દરેક આત્મા તેણે કરેલાં સારા-ખરાબ કાર્યને પરિણામે તે કાર્મિક અણુઓ દ્વારા બંધાયેલો છે. તેના દ્વારા થયેલી ભ્રમણાને પરિણામે જીવને ભૈતિક દુનિયાની સુખ-સમૃદ્ધિની હંગામી સામગ્રીમાં સુખ દેખાય છે, જેને કારણે જીવ સ્વાર્થસભર હિંસક વિચારસરણી અને કાર્યો કરે છે. આગળ જતાં તેનામાં ક્રોધ, નફરત, લાલચ જેવા અન્ય દુર્ગુણો વિકસે છે. આને કારણે આગળ જતાં તે વધુ ને વધુ કર્મોમાં બંધાય છે. મહાવીરે આત્માની મુક્તિ માટે સાચો વિશ્વાસ, સાચું જ્ઞાન, સાચી વર્તણૂકને મહત્ત્વ ગણાવી હતી.


ભગવાન મહાવીરે જણાવ્યું હતું અહિંસા, સત્ય, અયોગ્ય રીતે દેવાયેલું ન લેવું, બ્રહ્મચર્ય વગેરેને અપનાવ્યા સિવાય આ નિયમોને પૂર્ણ રીતે પાળી શકાતા નથી. સાધુ અને સાધ્વીજીઓને કઠોરતાપૂર્વક આ નિયમો પાળવાનાં હોય છે. મહાવીરે શિખવાડ્યું હતું કે આધ્યાત્મિક દષ્ટિએ પુરુષો અને સ્ત્રીઓ એક સમાન હોય છે અને બંને મોક્ષપ્રાપ્તિની શોધમાં સંસાર ત્યાગી આધ્યાત્મિક આનંદની પ્રાપ્તિ માટે નીકળી શકે છે.


મહાવીર પ્રત્યે જીવનના દરેક સ્તરના લોકો- અમીર-ગરીબ, સ્ત્રીઓ- પુરુષો, છૂત-અછૂત આકર્ષિત થયાં હતાં. તેમણે તેમના અનુયાયીઓને ચાર જૂથ- સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકામાં વર્ગીકૃત કર્યાં હતા. આ ગોઠવણ ચતુર્વિધ સંઘ તરીકે ઓળખાય છે.


ભગવાન મહાવીર 72 વર્ષ અને સાડાચાર માસની ઉંમરે બિહારના પાવાપુરીમાં જૈન વર્ષના અંતિમ દિવસ- દિવાળીના દિવસે નિર્વાણ પામ્યા હતા. આ દિવસે તેમને મોક્ષપ્રાપ્તિ થઈ હોવાથી જૈનો ઉત્સવ મનાવે છે.