

દિપીકા ખુમાણ, અમદાવાદ : શહેરના બાપુનગર વિસ્તારમાં એક એવું મંદિર આવ્યું છે જેનાં દર્શન માત્રથી ભકતો ન્યાલ થઈ જાય છે. આ મંદિર પરિવારમાં સુખ અને સમૃદ્ધિ તો લાવે છે પરંતુ તેની સાથે આ મંદિરની ખાસિયત ભક્તોને વધારે પોતાની તરફ ખેંચીને લાવે છે. આ ખાસિયત એટલે મંદિરમાં મહાદેવની એવી પ્રતિમા જેને હાથમાં ભોજનનો થાળ લઈને માતાજીને અરજ કરે છે. જી હા, અરીસાના પ્રતિબિંબમાં પોતાને જોઈને ભગવાન શિવજીની પ્રતિમા અહીં લોકોને સૌથી વધારે આકર્ષે છે.


ઘણાં લોકોને સવાલ પણ થાય છે કે, અહીં આ રીતે ભગવાન શિવ કેમ માતાજી સમક્ષ ઉભા હશે? તો આ જ છે આ મંદિરની ખાસિયત. અમદાવાદમાં રાયપુર અને બાપુનગર આ બંને સ્થળોએ આવેલું અન્નપુ્ર્ણા માતાજીનું મંદિર અન્ય સ્થળોથી અલગ છે. વિશ્વનું સંચાલન કરતાં અન્નપુર્ણા દેવીને શિવજી ભોજન અર્પણ કરે તેવું આ પહેલું મંદિર છે.


વાસ્વતમાં 1900ની સદીમાં બનેલું આ મંદિર જેટલું જુનું છે તેટલું જ અલૌકિક છે. કારણ કે, આ મંદિરમાં આવનાર આજદિન સુધી ખાલી હાથે નથી ગયુ. આ અંગે વાતચીત કરતા મૌલિકાબેન કહે છે કે, તેઓ નજીક રહેતાં હોવાથી દરરોજ માતાજીના દર્શન કરવા આવે છે. અહીં તેમની બધી મનોકામના પુર્ણ થઈ છે. માતાજીની કૃપાથી તેમનો દીકરો કેનેડા જ્યારે દીકરીના લગ્નનું સપનું સાકાર થયું છે.


બાપુનગરમાં આવેલાં અન્નપુર્ણા માતાજીનાં મંદિરમાં દર વર્ષે હવન રાખવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ અન્નપુર્ણા માતાજીનાં 21 દિવસનાં ઉપવાસ રાખવામાં આવ્યા છે. જેને લઈને મોટી સંખ્યામાં બહેનો જોડાશે. પુજારી ઉમેશ પાંડેના કહેવા પ્રમાણે, દર વર્ષે આ મંદિરમાં હવન પણ કરવામાં આવે છે. એ સિવાય અહીં 20 તારીખે 21 દિવસનાં ઉપવાસ કરવામા આવે છે. ત્યારે મંદિરમાં મોટી સંખ્યામાં બહેનો પુજા પાઠ કરે છે. અન્નપુર્ણા દેવી સનાતન ધર્મની દેવી છે જેનો ઉલ્લેખ પુરાણોમાં પણ કરવામાં આવ્યો છે. એક વર્ણન મુજબ અન્નપુર્ણા માતાએ ભગવાન શંકરને ભોજન કરાવ્યું છે. જેને લઈને અમદાવાદમાં આવેલાં આ મંદિરમાં શંકર ભગવાન અને માતાજી પ્રત્યેની ભાવના અહીં મુર્તિ સ્વરુપે દ્દશ્યમાન થાય છે. એ જ કારણ છે, અમદાવાદનું આ મંદિર પ્રખ્યાત છે.