

પંજાબ નેશનલ બેંકમાં આશરે 13000 કરોડનો કૌભાંડ કરીને ફરાર હીરાનાં ભાગેડુ નીરવ મોદીનાં બંગલાને આજે મહારાષ્ટ્ર સરકાર વિસ્ફોટકો દ્વારા ઉડાવવાની કામગીરી શરૂ થઇ ગઇ છે. મહારાષ્ટ્રનાં રાયગઢ જિલ્લાનાં અલીબાગમાં બનેલા નીરવ મોદીનો કરોડોનો બંગલાને તોડવા માટે 100 ડાયનામાઇટ લગાવી દેવામાં આવ્યાં છે. (તસવીર: નીતિન સોનાવણે)


આ બંગલો 30 હજાર ચોરસ ફૂટમાં વિસ્તરેલો અને ઇટાલિયન માર્બલથી મઢેલો છે. બંગલામાં રહેલા કાચનાં બારીબારણાને કારણે એને ધરાશાયી કરવાની કામગીરી મોકૂફ રહી હતી. (તસવીર: નીતિન સોનાવણે)


વિસ્ફોટના પગલે કાચના ટુકડા આસપાસના બંગલાઓને નુકસાન પહોંચાડી શકે એમ હોવાથી બે દિવસ પહેલા વિસ્ફટકો દ્વારા એને ઊડાવવાની કામગીરી મોકૂફ રખાઇ હતી. (તસવીર: નીતિન સોનાવણે)


આ બંગલો ગેરકાયદે હોવાનું જણાવીને મહારાષ્ટ્ર રાજ્ય સરકાર મુંબઇ હાઇકોર્ટ પાસેથી આ બંગલો તોડવાની પરવાનગી મેળવી લીધી હતી. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં અલીબાગ બીચ પાસે આ બંગલો આવેલો છે. (તસવીર: નીતિન સોનાવણે)


સમુદ્ર કિનારા નજીકના વિસ્તારોમાં અમુક અંતર રાખીને બાંધકામ કરવાના નિયમનો છડેચોક ભંગ કરીને અહીં બીજા પણ કેટલાક બંગલા બનાવવામાં આવ્યા હતા. એ તમામ બંગલાઓને રાજ્ય સરકારે નોટિસ આપી હતી અને શા માટે આ બંગલા ન તોડી પાડવા એવો સવાલ કર્યો હતો. મુંબઇ હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો હતો કે અલીબાગ બીચ નજીક બંધાયેલા ગેરકાયદે બંગલાઓ માટે તમે શી કાર્યવાહી કરી છે એનો હિસાબ આપો. એના જવાબમાં રાજ્ય સરકારે આ માહિતી આપી હતી. (તસવીર: નીતિન સોનાવણે)