કેતન પટેલ, બારડોલી: ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી જલપ્રલયની પરિસ્થિતિ બાદ પણ આદિજાતિ વિભાગની ઘોર બેદરકારી બહાર આવવા પામી છે. મંગળવારે સાંબેલાધર વરસાદને પગલે મહાલ ખાતે આવેલ એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલમાં પૂર્ણા નદીના ધસમસતા પૂરનું પાણી સ્કૂલમાં ઘુસી જતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. જોકે સ્કૂલ બિલ્ડીંગ ત્રણ માળની હોય વિદ્યાર્થીઓ સમયસર ઉપલા માળે જતા રહેતા બચાવ થયો હતો. જયારે ઓફિસનો સામાન પલળી જતા નુકસાન થયું હતું.
ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અતિવૃષ્ટિના પગલે તંત્ર એ સ્કૂલમાં રજા જાહેર કરી હતી, પરંતુ મહાલ ખાતે આવેલ એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલ પૂર્ણા નદીના કાંઠે આવેલ હોવા છતાં સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા અગમચેતીના પગલાં લીધા વગર સ્કૂલ છત્રાલયમાં વિદ્યાર્થીઓને રાખી મુકતા અચાનક પૂર્ણા નદીમાં આવેલા પૂરથી ધસમસતો પાણીનો પ્રવાહ સ્કૂલ બિલ્ડીંગમાં ચાર ફૂટ જેટલું ચડી આવતા વિદ્યાર્થીઓમાં અફડા તફડી મચી જવા પામી હતી.
ભારે વરસાદના પગલે વીજ પુરવઠો અને ટેલિફોન સેવા બંધ થઈ જતા વન વિભાગે જિલ્લા મથકે વાયરલેસ મેસેજ કરતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. ત્યારબાદ વરસાદે થોડો વિરામ લેતા પૂરના પાણી ઓસરતા પ્રયોજના વહીવટદાર ભગોરા, ધારાસભ્ય વિજયભાઈ પટેલ, મહામંત્રી રાજેશભાઈ ગામીત, ભેંસકાતરી રેન્જ ફોરેસ્ટર સહીત સ્ટાફ ધસી જઈ રાહત કામગીરી હાથ ધરી હતી. આ સ્કૂલમાં 300 બાળકો અભ્યાસ કરી રહ્યા છે.