કેતન પટેલ, ડાંગ: બાળકોની ખૂબ જ પ્રિય અને વીટામેન સીથી ભરપૂર એવી સ્ટ્રોબેરી (Strawberry)ના આજે મોટા શહેરોની સાથે સાથે ગ્રામીણ વીસ્તારોમાં પણ અનેક ચાહકો છે. સ્ટ્રોબેરીની ખેતી મહારાષ્ટ્રના મહાબળેશ્વર (Mahabaleshwar) અને અન્ય ખીણવાળા વિસ્તારોમાં થતી હોય છે. અત્યારસુધી મહાબળેશ્વરની માનીતી એવી આ ખાટી મીઠી સ્ટ્રોબેરી હવે ગુજરાતના સાપુતારા (Saputara)ની પણ ઓળખ બની ગઇ છે.
ડાંગ (Dang)ના આદીવાસી ખેડૂતો હવે પરંપરાગત ખેતીની સાથે સાથે સિઝનલ પાક એવા સ્ટ્રોબેરીની ખેતી કરીને સારી આવક મેળવતા થયા છે. ખાસ કરીને ભેજવાળી અને ઠંડી આબોહવામાં પાકતી સ્ટ્રોબેરીને સાપુતારાની તળેટીવાળા વિસ્તારોમાં અનૂકુળ વાતાવરણ મળી રહેતા અહીંના ખેડૂતો ઓક્ટોમ્બર માસથી મે મહિના સુધી સ્ટ્રોબેરીની ખેતી કરી સારી આવક મેળવતા થયા છે.
સ્ટ્રોબેરીના ચાહકોને કદાચ ખબર નહીં હોય પણ એક સમાન લાગતી સ્ટ્રોબેરી ચાર પ્રકારની હોય છે. જેમાં અણીદાર મોટી સ્ટ્રોબેરી રાની નામથી ઓળખાય છે, જે ખાવામાં મીઠી લાગે છે. આવી જ અણીદાર અને મોટી ભરાવદાર પણ માથેથી જરા વળી ગયેલી સ્ટ્રોબેરી સ્વીટ ચાર્લીના નામે ઓળખાય છે. જે ખાવામા રાની કરતા પણ ખૂબ મીઠી હોય છે. આ બંને સ્ટ્રોબેરી કરતા થોડી ખટાસ વાળું સ્ટ્રોબેરીનું ફળ સેલવા અને ચાલનાર તરીકે ઓળખાય છે, જે ઉપરથી પંખા આકાર કે ચપટુ લાગે છે.