ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના કાલીબેલ - ભાલખેત થઈ મહાલ જતાં માર્ગ પર ભેખડો, વૃક્ષો, માર્ગ વચ્ચે ધસી પડતા પ્રવાસીઓ તેમજ અવર જવર કરતાં સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે વનવિભાગ કે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં નહીં આવતા સ્થાનિકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. (કેતન પટેલ, બારડોલી)
દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ વરસતા ની સાથે ડાંગ જિલ્લામાં પણ તાજેતરમાં ખાબકેલા ધોધમાર વરસાદને પગલે ભારે વઘઇ તાલુકામાં નુકશાન થવા પામ્યું છે. જેમાં અંતરિયાળ વિસ્તારોમાં માર્ગ ધોવાણ અને ભેખડ ધસી પડવાના કારણે અમુક ગામડાઓ પણ સંપર્ક વિહોણા બન્યા હતા. ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે વઘઇ તાલુકાના કાલીબેલ - ભાલખેત થઈ મહાલ શોર્ટકટ માર્ગ પર ભેખડ ધસી પડતાની સાથે માર્ગ પર વૃક્ષોના ડાળા પડતાં રસ્તો બ્લોક થતાં વાહનચાલકો માટે મુસાફરી કરવી અત્યંત મુશ્કેલીજનક બની છે.
ડાંગ જિલ્લાના મહાલ કેમ્પ સાઇટ જવા માટે નો આ શોર્ટકટ માર્ગ હોવાથી રાજ્યભરમાંથી આવતા સહેલાણીઓ તેમજ આજુબાજુના વિસ્તારના લોકો માટે સુવિધા વધુ મહત્વની બની છે. ત્યારે છેક દસ દિવસ વિતી ગયા હોવા છતાં ભેખડ ધસી પડવાની ઘટના બાદ પણ વહીવટી તંત્રએ ખસેડવાની તસદી સુદ્ધાં ન લેતા આ વિસ્તારની એસટી સેવા પણ સંપૂર્ણ ઠપ થઈ જવા પામી છે. જ્યારે વિધાર્થીઓ તથા લોકોને મહાલ તરફ અવર જવર કરવા માટે જાનના જોખમે જંગલ માંથી રસ્તો કાઢી અવર જવર કરવી પડી રહી છે.