ડાંગ: ડાંગમાં શિયાળાની શરૂઆતે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. પાછોતરા વરસાદથી આહવા પાણી-પાણી થયું છે. આહવા ST ડેપો પાસે વરસાદી પાણી ભરાયાં છે. જેના લીધે રાહદારીઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આજે બપોરે આહવામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. તહેવારોમાં ભારે વરસાદ ખાબકતાં વેપારીઓ અને ખેડૂતો ચિંતિત બન્યા છે. પાછોતરા વરસાદને લીધે નાગલી, ડાંગરના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. બીજી બાજુ, રાજ્યના અન્ય વિસ્તારોમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, બંગાળની ખાડીમાં વારંવાર હવાના દબાણ ઉભા થયા હતા અને હજુ પણ બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઉભા થવાની શકયતા છે. દક્ષિણ ચીન ચક્રવાત સર્જાતા બાંગ્લાદેશ પૂર્વીય ભારત દક્ષિણ પૂર્વીય તટ સામાન્ય વાવાઝોડું કે વરસાદની શકયતા રહેશે. ઉત્તર પર્વતીય ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બનસના કારણે હિમ વર્ષા કે કમોસમી વરસાદ થવાની શકયતા રહેશે. દિવાળીના આસપાસ અને નવા વર્ષની શરૂઆતમાં વાદળો આવશે. આ આરસામાં દક્ષિણ પૂર્વીય તટીય ભાગોમા વાવાઝોડું ફૂંકાવવાની શકયતા છે. જોકે, વાવાઝોડાની પુષ્ટિ હવામાન વિભાગ કરી શકશે. કેરળ, તમિલનાડુ ઓરિસ્સા, કર્ણાટકમાં વરસાદની શકયતા રહેશે.
દિવાળીના તેહેવાર પર આસપાસ ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં વાદળો આવશે. જોકે, વાદળછાયું વાતાવરણ થશે તો ખેડૂતોની ચિંતામાં વધારો થશે. હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલનું અનુમાન છે કે, દિવાળીના તહેવાર અને બેસતા વર્ષની શરૂઆતમાં વાદળો આવશે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદી છાપતા થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે પરંતુ ચોમાસું પાક છે તે તૈયાર થઈ ગયો છે અને તેવા સંજોગમાં જો સામાન્ય વરસાદી ઝાપટાં પણ પડે એ તો ખેડૂતોનો ભાગ બગાડી શકે છે.