નવી દિલ્હીઃ દિલ્હીના નિક્કી યાદવ મર્ડર કેસમાં નવા ખુલાસા થઈ રહ્યા છે. ઉશ્કેરાયેલા તેના બોયફ્રેન્ડ સાહિલ ગહેલોતે તેની ટૂંપો આપીને કથિત હત્યા કરી છે. આ કેસમાં આરોપીની ધરપકડ બાદ કેટલાક મહત્વના ખુલાસા થયા છે. દિલ્હી પોલીસે આ ભયાનક હત્યા કેસમાં કરેલી તપાસમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સાહિલે નિક્કીની હત્યા બાદ જે કારનો ઉપયોગ કર્યો હતો તે તેના પિતરાઈ ભાઈ આશિષની હતી.
નિક્કી હત્યા કેસમાં થયા ચોંકાવનારા ખુલાસાઃ 23 વર્ષની નિક્કીની કથિત રીતે ગળું દબાવીને હત્યા કર્યા બાદ સાહિલે તેના મૃતદેહને પોતાના ઢાબા પર આવેલા ફ્રીજમાં મૂકી દીધી હતી, આ ઢાબુ દક્ષિણ દિલ્હીમાં આવેલું છે. પોતાની પ્રેમિકાની હત્યા કર્યા બાદ સાહિલે તે જ દિવસે અન્ય મહિલા સાથે લગ્ન કરી લીધા હતા. આરોપી સાહિલ દક્ષિણ દિલ્હીના મિત્રાઉં ગામનો છે, અને તેની ધરપકડ કરી લેવામાં આવી છે.
સાહિલ પોતાના પિતરાઈને કહ્યા વગર જ તેની કાર લઈને નિક્કીને મળવા માટે રવાના થઈ ગયો હતો અને આ પછી બન્ને નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પર ગયા હતા અને ત્યાંથી તેઓ ગોવા જવાના હતા. પૂછપરછ દરમિયાન સાહિલે સ્વીકાર્યું કે તે નિક્કી સાથે ગોવા જવાનો હતો પરંતુ ટિકિટ ના મળવાના કારણે તેઓ જઈ શક્યા નહોતા. આ પછી બન્નેએ હિમાચલપ્રદેશ જવાનું નક્કી કર્યું હતું. રેલવે સ્ટેશનથી બન્ને વસંત વિહાર ISBT બસ સ્ટેન્ડ ગયા હતા પરંતુ તેમને હિમાચલપ્રદેશ જવા માટે કોઈ બસ મળી નહોતી.
આ દરમિયાન બન્ને વચ્ચે કાશ્મેરા ગેટ પાસે ઝઘડો થયો હતો અને સાહિલે ડેટા કેબલનો ઉપયોગ કરીને નિક્કીને ટૂંપો આપીને તેની હત્યા નિપજાવી દીધી હતી. આરોપીએ વધુમાં 24 વર્ષના સાહિલે જણાવ્યું કે તેણે તે દિવસે નિક્કીની હત્યાનો પ્લાન નહોતો બનાવ્યો. તે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો તેના કારણે તેને ઘરના સભ્યોના કેટલાક ફોન પણ આવ્યા હતા જેના કારણે તે વધારે ઉશ્કેરાયેલો હતો.
સીસીટીવી ફૂટેજના આધારે તપાસ: ઘટનાના એક દિવસ પહેલાના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ તપાસ કરી રહી છે, જેમાં હત્યાના અમુક કલાકો પહેલા નિક્કી ઉત્તમનગરના ઘરે જતી દેખાય છે. આ ફૂટેજ 9 ફેબ્રુઆરીના છે, જે દિવસે સાહિલની સગાઈ હતી. ફૂટેજમાં દેખાય છે કે બપોરે 1.10 વાગ્યે નિક્કી પોતાના ભાડાના મકાન પર કપડા લઈને દાદરા ચઢતી દેખાય છે. બીજા ફૂટેજમાં રાત્રે 9.27 વાગ્યે તે પોતાના દરવાજાની બહાર ડોકાચિયા કરતી દેખાય છે. આ પછી તે ગણતરીની મિનિટોમાં પાછી ફરે છે.
ટૂંપો આપ્યાના નિશાન નિક્કીના ગળા પર દેખાયા: આ ઘટના વેલેન્ટાઈન્સ ડેના દિવસે સામે આવી હતી, આ પહેલા મંગળવારે સવારે નિક્કીનો મૃતદેહ ઢાબા પર રહેલા ફ્રીજમાંથી મળી આવ્યો હતો. આ ફ્રીજ નિક્કીની હત્યા કરાઈ ત્યારથી બંધ રાખવામાં આવ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, નિક્કી અને સાહિલ પાછલા કેટલાક સમયથી રિલેશનશીપમાં હતા અને નિક્કી સાહિલ સાથે લગ્ન કરવા માગતી હતી. આ હત્યાની ઘટના 9-10 ફેબ્રુઆરીના રાત્રીના સમયમાં કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે, એક તરફ સાહિલના લગ્ન હતા અને તે નિક્કી સાથે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યો હતો, આ દરમિયાન ઝઘડામાં આવેલા આવેશમાં સાહિલે નિક્કીની હત્યા કરી નાખી હતી.