હરિયાણાનાં રોહતકનાં વિજય નગર કોલોનીમાં શુક્રવારે ચાર લોકોની હત્યાનો મામલો (Murder Case) પોલીસે ઉકેલી લીધો છે. 20 વર્ષનાં દીકરાએ જ તેનાં માતા-પિતા બહેન અને નાનીની હત્યા કરી હતી. આરોપી અભિષેક ઉર્ફ મોનૂની પોલીસે ધરપકડ (Arrest) કરી લીધી છે. પોલીસ પૂછપરછમાં આરોપી દીકરાએ હત્યાકાંડનું રહસ્ય ઉકેલ્યું છે. રોહતકનાં SP રાહુલ શર્માએ આ મામલે ઘણાં ખુલાસા કર્યા છે.
અભિષેકે ખુલાસો કર્યો હતો કે, તે ઘણાં દિવસોથી તેનાં પિતા સહિત પરિવારથી પાંચ લાખ રૂપિયા માંગી રહ્યો હતો. આટલી મોટી રકમ કેમ તેને જોઇએ છે તેમ કારણ પુછતાં અભિષેકે કહ્યું કે, ફી ભરવા અને મિત્રોને આપવા માટે તેને જોઇએ છે. અભિષેક જાત જાતનાં બહાના બનાવી વારંવાર ઘરે પૈસા માંગતો હતો. પરિવારજનોએ તેમનાં સ્તરે જાણવાનો પ્રયાસ કર્યો તો આખરે મોનૂને આટલાં રૂપિયાની જરૂર કેમ છે ત્યારે તેમને માલૂમ થયું કે મોનૂ આ રૂપિયાનો ખોટી રીતે ઉપયોગ કરી રહ્યો છે.