

મધ્ય પ્રદેશના એક જાણિતા ઓર્થોપેડિક ડોક્ટરની હોશંગાબાદથી 30 વર્ષીય ડ્રાઇવરની હત્યા કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. ડોક્ટરે ડ્રાઇવરની હત્યા બાદ તેના શરીરના 500 જેટલા નાનાં નાનાં ટુકડાં કરી નાખ્યા હતા. બાદમાં પુરવાનો નાશ કરવા માટે આ ટુકડાઓને એસિડમાં નાખી દીધા હતા. પોલીસે મંગળવારે ડોક્ટરની ધરપકડ કરી હતી. 56 વર્ષીય ડો. સુનિલ મંત્રીએ સોમવારે તેના ડ્રાઇવર વિરેન્દ્ર પચૌરીની હત્યા કરી નાખી હતી. ડ્રાઇવરને એવી આશંકા હતી કે તેની પત્ની અને ડોક્ટર વચ્ચે અનૈતિક સંબંધો છે.


પોલીસ અધિકારી અરવિંદ સક્સેનાએ પીટીઆઈ સાથે વાતચીત કરતા જણાવ્યુ કે, "મંત્રીની પત્ની તેમના ઘરે બ્યૂટિક ચલાવતા હતા. તેમના નિધન બાદ પચૌરીની પત્ની આ બ્યુટિક ચલાવવા લાગી હતી. ડ્રાઇવરને એવી આશંકા હતી કે તેની પત્ની અને ડોક્ટર વચ્ચે અવૈધ સંબંધો છે. આ જ કારણે ડોક્ટરે તેને બ્યુટિક ચલાવવાની મંજૂરી આપી છે."


પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે ડોક્ટરે વિરેન્દ્ર પચૌરીને શાંત પાડવા માટે મહિને રૂ. 16 હજારના પગારથી ડ્રાઇવર તરીકે નોકરી પર રાખ્યો હતો. જોકે, તેનાથી પણ ડ્રાઇવરની શંકાનો કિડો શાંત પડ્યો ન હતો, તે સતત ડોક્ટરને તેની પત્નીથી દૂર રહેવા માટે ધમકાવી રહ્યો હતો.


પોલીસના કહેવા પ્રમાણે મંગળવારે તેમને આનંદ નગર ખાતે આવેલા ડોક્ટરના ઘરે કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ થઈ રહી હોવાની માહિતી મળી હતી. પોલીસ જ્યારે ડોક્ટરના ઘરે પહોંચી ત્યારે તે ખૂબ જ બેચેને લાગી રહ્યા હતા, તેમજ તેના ઘરના ફ્લોર પર લોહીના નિશાન જોવા મળ્યાં હતાં. પોલીસને પોતાના ઘરે જોઈને ડોક્ટરને આઘાત લાગ્યો હતો અને તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.


પૂછપરછ દરમિયાન ડોક્ટરે કબૂલ કર્યું હતું કે તેણે ઘણા લાંબા સમય પહેલા ડ્રાઇવરની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. આ માટે તેણે પોતાના ઘરે મોટા જથ્થામાં એસિડ અને એક કરવતની વ્યવસ્થા કરી રાખી હતી. સોમવારે ડ્રાઇવર વિરેન્દ્ર પચૌરીએ દાંતમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. આ સમયે ડોક્ટરે સર્જિકલ ચપ્પા વડે તેનું ગળું કાપી નાખ્યું હતું. ડ્રાઇવરની હત્યા બાદ ડોક્ટર તેના ડેડ બોડીને પ્રથમ માળ પર રહેલા બાથરૂમમાં લઈ ગયો હતો અને શરીરના નાનાં નાનાં ટુકડાં કરી નાખ્યા હતા.


9 વાગ્યાની આસપાસ ડોક્ટરે ડ્રાઇવરની હત્યા કરી નાખી હતી. જે બાદમાં તેણે રાતના એક વાગ્યા સુધી ડ્રાઇવરના શરીરના ટુકડાં કર્યાં હતા. રાત્રે થાકી ગયા બાદ તેણે બીજા દિવસે શરીરના વધુ ટુકડાં કરવાનો નિર્ણય કર્યો હતો.


પોલીસે જણાવ્યું હતું કે બીજા દિવસે ડોક્ટરે હોશંગાબાદ અને ઈટારસી વચ્ચે કોઈ જગ્યા પર ડ્રાઇવરના કપડાં ફેંકી દીધા હતા. બપોરની આસપાસ તેણે પુરાવાનો નાશ કરવા માટે ડ્રાઇવરના શરીરના ટુકડાંઓને એસિડમાં નાખવાનું શરૂ કર્યું હતું. જોકે, કોઈએ પોલીસને બાતમી આપી દેતા ડોક્ટર રંગેહાથ ઝડપાઈ ગયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે ડોક્ટરના ઘરેથી ડ્રાઇરની બોડીના મોટાં અને નાનાં-નાનાં અસંખ્ય ટુકડાં મળી આવ્યા હતા. પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.