નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારથી આજે ભારતના જ નહીં દુનિયાભરના ક્રિકેટર ફેન્સ તેમની સિદ્ધિથી જાણકાર છે. આ ખેલાડી પાસે અંડર-17 ટુર્નામેન્ટ રમવા માટે સ્પોર્ટ્સ શુઝ પણ નહોતા. ક્રિકેટના દિગ્ગજ સચિન તેન્ડુલકરને ભુવીએ 0 પર આઉટ કરીને તરખાટ મચાવ્યો હતો, પછી આ બોલરની ઘણી ચર્ચાઓ થવા લાગી હતી. એક વાર તક મળ્યા પછી આ બોલરે પાછળ વળીને જોયું નથી, તેઓ સ્વિંગના કિંગ બની ગયા. ભુવનેશ્વરનો આજે 5 ફેબ્રુઆરીએ 33મો જન્મદિવસ છે. વર્ષ 1990માં ઉત્તરપ્રદેશના મેરઠમાં જન્મેલા ભુવી નવા અને જૂના બોલને સ્વિંગ કરવાની કમાલ ધરાવે છે. ભુવીને ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ માનવામાં આવે છે.
બોલને હવામાં સ્વિંગ કરાવનારા ભુવીનું બાળપણમાં સપનું હતું કે તેઓ સેનામાં જોડાય, પરંતુ તેઓ તેને પૂર્ણ કરી શક્યા નહોતા. કારણ કે તેમના માટે એક નવો રસ્તો તૈયાર થઈ ગયો હતો. ડિસિપ્લિન સાથે બોલિંગ માટે જાણકાર ભુવીએ 2008-09ની રણજી સિઝનમાં ઉત્તરપ્રદેશનું પ્રતિનિધિત્વ કરીને મુંબઈ સામે રમાયેલી મેચમાં એવો બોલ નાખ્યો કે સચિનને પણ આશ્ચર્ય થઈ ગયું હતું. ભુવીએ સચિનને આઉટ કરીને ઘણી વાહવાહી લૂટી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પહેલીવાર કોઈ બોલરે સચિનને ડક પર પેવેલિયન મોકલ્યા હતા.
બહેને પોતાની બચતમાંથી અપાવ્યા હતા બૂટઃ ભુવનેશ્વરે થોડા વર્ષો પહેલા એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, જ્યારે તેમનું અંડર-17 ટુર્નામેન્ટ રમવા માટે સિલેક્શન થયું ત્યારે તેમની પાસે સ્પોર્ટ્સ શુઝ નહોતા. આ સમયે ભુવીના બહેન રેખાએ તેમને મદદ કરી હતી. રેખાએ પોતાની સેવિંગમાંથી ભુવીના બૂટ લીધા હતા. જે રીતે ભુવીએ સચિનને આઉટ કર્યા ત્યારે ચર્ચા હતી કે જલદી તેમને ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી મળશે, પરંતુ ભુવીએ ટીમમાં જગ્યા મેળવવા માટે 4 વર્ષ રાહ જોવી પડી હતી.
પાકિસ્તાન સામેની ડેબ્યુમાં કરી હતી કમાલઃ ડાબોડી પેસર ભુવનેશ્વર કુમારે ડિસેમ્બર 2012માં પાકિસ્તાન સામે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. બેંગ્લુરુમાં રમાયેલી વનડેમાં ભુવીએ પોતાની બોલિંગથી લોકોને પ્રભાવિત કર્યા હતા. ભુવીએ પોતાની પહેલી જ ઓવરમાં પાકિસ્તાની ઓપનર નાસિર જમશેદને બોલ્ડ કર્યો હતો. ભુવીએ આ મેચમાં માત્ર 9 રન આપીને 4 વિકેટ લીધી હતી, જોકે, ભારત 5 વિકેટથી મેચ હાર્યું હતું.
ભુવીને ઈન્ટરનેશનલ ક્રિકેટ કરિયરઃ ભુવનેશ્વર કુમારે 21 ટેસ્ટ, 121 વનડે અને 87 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. ભુવીએ ટેસ્ટ મેચમાં 63, વનડેમાં 141 વિકેટ પોતાના નામે કરી છે. T20માં 90 ખેલાડીઓ તેમના શિકાર બન્યા છે. ભુવીની ગણતરી દુનિયાના સૌથી શ્રેષ્ઠ સ્વિંગ બોલરોમાં થાય છે. તેઓ ડેથ ઓવરમાં વધારે ઘાતક હોય છે.