તાજેતરમાં બીસીસીઆઇ (BCCI)એ ખેલાડીઓના વાર્ષિક કોન્ટ્રાક્ટની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં ઘણા સિનિયર ખેલાડીઓ પોતાની જગ્યા બનાવી શક્યા નથી. જ્યારે કેટલાક યુવા ખેલાડીઓને સારા પ્રદર્શન બદલ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. રવિન્દ્ર જાડેજાને રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહની સાથે એ+ કેટેગરીમાં સ્થાન મળ્યું છે. બીજી તરફ હાર્દિક પંડ્યા પણ કેટેગરી Cમાંથી એમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે.
ભારતના કેટલાક સિનિયર ખેલાડીઓને પહેલા C કેટેગરીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. અલબત્ત, બીસીસીઆઈ (BCCI)ના તાજેતરના વાર્ષિક કરારમાં આવા સીનિયરને દુર કરવામાં આવતા ઘણી ચર્ચા જાગી છે. છેલ્લા કેટલાક વર્ષોથી ટેસ્ટ ટીમનો માત્ર ભાગ રહેલા ઈશાંત શર્માને આ વખતે કોન્ટ્રાક્ટમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત ટી-20 ટીમનો ભાગ રહેતા બોલર ભુવનેશ્વરને પણ બાકાત રાખવામાં આવ્યો છે.
ભુવનેશ્વર કુમાર લાંબા સમય સુધી ઇજાગ્રસ્ત રહ્યો હતો. ત્યારબાદ ટી-20 ટીમમાં પરત ફર્યો હતો. તેણે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ટી -20 વર્લ્ડ કપ ટીમમાં પણ સ્થાન મેળવ્યું હતું. ટી-20 વર્લ્ડ કપ બાદ ન્યૂઝીલેન્ડ પ્રવાસે ગયેલી ટીમમાં પણ તેનું નામ હતું. ભુવનેશ્વર કુમાર નવેમ્બર 2022 ના આ પ્રવાસ પછી કોઈ મેચ રમ્યો નથી. તેણે છેલ્લી વનડે મેચ જાન્યુઆરી 2022માં રમી હતી.
ઇશાંત શર્માની વાત કરીએ તો તેની કારકિર્દી પણ ઇજાના કારણે સમાપ્ત થવાના આરે છે. લાંબા સમયથી ફિટનેસની સમસ્યા સામે ઝઝૂમી રહેલા ઇશાંતે છેલ્લે નવેમ્બર 2021માં ઘરઆંગણે ટેસ્ટ મેચ રમી હતી. ત્યાર બાદથી તે ટીમમાં સ્થાન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. કોન્ટ્રાક્ટમાંથી બહાર થયા બાદ હવે તેની કારકિર્દી પૂરી થઈ હોવાના સંકેત મળે છે. આ પહેલા તેનું નામ B કેટેગરીમાં રાખવામાં આવ્યું હતું.