

2011માં મહેન્દ્રસિંધ ધોની (Mahendra Singh Dhoni)ની કેપ્ટન્સીમાં ભારતે 28 વર્ષ બાદ વર્લ્ડ કપ જીત્યો હતો. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર (Sachin Tendulkar)એ વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં એક ઘટના વિશે વાત કરી છે. તેઓએ જણાવ્યું કે તેઓ યુવરાજ સિંહ (Yuvraj Singh)ને ભેટ્યા બાદ રડી પડ્યા હતા. સાથોસાથ ડ્રેસિંગ રૂમમાં ભારતીય ખેલાડીઓએ તેમના માટે તુજ મેં રબ દિખતા હૈ ગીત ગાયું હતું.


સચિને ઈન્ડિયા ટુડેના કાર્યક્રમ 'ઇન્સ્પિરેશન'માં જણાવ્યું કે એમએસ ધોની (MS Dhoni)ની સિક્સર બાદ જીત્યા બાદ તમામ ખેલાડી મેદાન તરફ દોડવા લાગ્યા.


યુવરાજને ભેટી સચિન રડી પડ્યા હતા : સચિને કહ્યું કે, જ્યારે હું યુવરાજને ભેટ્યો તો હું રડવા લાગ્યો અને તે સમયે મેં કહ્યું કે આ એ પળ છે જેના માટે મેં રમવાનું શરૂ કર્યું હતું. ત્યાં (ટીમ હોટલ) દરેક પ્રકારની ઉજવણી થઈ રહી હતી. એક પણ દરવાજો બંધ નહોતો. દરેક રૂમમાં શેમ્પેન વળી રહી હતી, મોટેથી ગીતો વાગી રહ્યા હતા અને ઉજવણી થઈ રહી હતી. તેથી મેં પણ ડાન્સ કર્યો, હું સામાન્ય રીતે નાચતો નથી. પરંતુ મેં પત્નીની સાથે ડાન્સ કર્યો. આ મારા જીવનની સૌથી મહાન ક્ષણ હતી.


ખેલાડીઓએ ગીત ગાયું તો સચિન શરમાઈ ગયો : સચિન તેંડુલકરે કારકિર્દીમાં 6 વર્લ્ડ કપ રમ્યા અને અંતે તેમને ટ્રોફી ઉચકવાની તકી મળી. તેઓએ જણાવ્યું કે કેવી રીતે ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓએ તેમના માટે 'તુજ મેં રબ દિખતા હૈ' ગીત ગાયું કારણ કે ભારતમાં ફેન્સ તેમને ક્રિકેટના ભગવાનનો દરજ્જો આપી રહ્યા હતા. તેઓએ જણાવ્યું કે, હા તેઓએ 'તુજ મેં રબ દિખતા હૈ' ગીત ગાયું અને તેના કારણે શું શરમાઈ ગયો.


સચિને સુધીર ગૌતમને ડ્રેસિંગ રૂમમાં બોલાવ્યો હતો : વર્લ્ડ કપ જીત્યા બાદ સચિન તેંડુલકરના સૌથી મોટા પ્રશંસક સુધીર ગૌતમને પણ ડ્રેસિંગ રૂમમાં બોલાવવામાં આવ્યો. સચિને જ તેને બોલાવ્યો હતો અને પછી વર્લ્ડ કપ ટ્રોફી ઉઠાવવાની તક પણ આપવામાં આવી હતી.


આ વિશે તેંડુલકરે જણાવ્યું કે, તમને ખબર છે કે સુધીર મારો પ્રશંસક છે પરંતુ તે તમામનું પ્રતિનિધિત્વ કરે છે. તેના માથે તિરંગો દોરેલો હોય છે. તે એકલો નથી, તે એક અબજ ભારતીયોનો પ્રતિનિધિ છે. તેથી સુધીરને તમામ તરફથી બોલાવવામાં આવ્યો. ટ્રોફી સમગ્ર દેશની હતી. તે કેટલાક લોકોની નહીં પરંતુ સમગ્ર દેશની હતી.


સચિને સુધીરને કહ્યું, તું આવ કેમ કે તું સપોર્ટ કરી રહ્યો છે : સચિને વધુમાં કહ્યું કે, મેં સુધીરને કહ્યું કે તું આવ કારણ કે તું સપોર્ટ કરી રહ્યો છે, તારા વિના સ્ટેન્ડ ચૂપ રહેશે. તારા કારણે ખેલાડીઓને જે એનર્જી મળે છે તે ખૂબ કમાલની એનર્જી હોય છે. તું આવું ચાલુ જ રાખજે. તું આવી રહ્યો છે, સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. તું એકલો નથી, સમગ્ર દેશ આ ટ્રોફી ઉઠાવી રહ્યો છે.