

આઈપીએલ 2018 માટે સાનરાઈઝર્સ હૈદરાબાદે પોતાના નવા કપ્તાનની જાહેરાત કરી દીધી છે. ન્યુઝિલેન્ડના કેન વિલિયમસનને સનરાઈઝર્સ હૈદરાબાદનો કપ્તાન બનાવવામા આવ્યા છે. એવી અટકળ લગાવવામાં આવી રહી હતી કે, ડેવિડ વોર્નરની હકાલપટ્ટી બાદ શિખર ધવનને કમાન સોંપવામાં આવી શકે છે, પરંતુ હૈદરાબાદ ફ્રેંચાઈઝીએ શાંત સ્વભાવના કેન વિલિયમ્સનને આ જવાબદારી સોંપી છે.


સનરાઈઝર્સ હૈદરાબાદના સીઈઓએ કેન વિલિયમસનને કપ્તાન બનાવ્યા બાદ ખુશી વ્યક્ત જાહેર કરી. તેમણે કહ્યું કે, અમને આ જાહેરાત કરતા ખુશી થઈ રહી છે કે, કેન વિલિયમસન આઈપીએલ 2018માં સનરાઈઝર્સ હૈદરાબાદની કમાન સંભાળશે. કેન વિલિયમસને પણ કપ્તાની મળ્યા બાદ ખુશી વ્યક્ત કરી. વિલિયમસને કહ્યું કે, હું સનરાઈઝર્સ હૈદરાબાદ કપ્તાની સ્વીકાર કરૂ છું, હું અગામી ચેલેન્જ માટે તૈયાર છું.


તમને જણાવી દઈએ કે, કેન વિલિયમસન સનરાઈઝર્સ હૈદરાબાદ માટે જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. પાછળની સિઝનમાં તેને 7 મેચમાં રમવાનો મોકો મળ્યો હતો અને તેણે 42.66ની એવરેજથી શાનદાર 256 રન બનાવ્યા હતા. મોટી વાત એ છે કે, તેની સ્ટ્રાઈક રેટ 151.47 હતી.


આમ તો વર્ષ 2017થી કેન વિલિયમસનનો ટી-20 ઈંટરનેશનલ રેકોર્ડ કઈં ખાસ નથી. તેણે 16 પારીમાં 25ની એવરેજથી 349 રન બનાવ્યા છે. અને તેની સ્ટ્રાઈક રેટ પણ 112ની જ રહી છે. કપ્તાન તરીકે વિલિયમસને 16માંથી 6 મેચ જ જીતી છે અને 9માં તેને હાર મળી છે. એવામાં વિલિયમસન સામે આઈપીએલમાં ડેવિડ વોર્નરની કમી પુરી કરવી ઘણી મુશ્કેલ રહેશે. કારણ કે, વોર્નર માત્ર સારો કપ્તાન જ ન હતો, પરંતુ સારો બેટ્સમેન પણ હતો, તે હંમેશા શાનદાર પ્રદર્શન કરી સનરાઈઝર્સ હૈદરાબાદને મેચ જીતાડતો હતો.