

ચેન્નઈ : વેસ્ટ ઈન્ડિઝની વિરુદ્ધ ત્રણ મેચોની વનડે સીરીઝની શરૂઆત ટીમ ઈન્ડિયાએ હાર સાથે કરી છે. ચેન્નઈમાં રમાયેલી પહેલી મેચમાં ભારતીય ટીમ 8 વિકેટે હારી ગઈ. વિરાટ કોહલીની ટીમે પહેલા બેટિંગ કરતાં 287 રન કર્યા. તેના જવાબમાં વિન્ડીઝ ટીમે માત્ર બે વિકેટ ગુમાવી 13 બોલ પહેલા ટાર્ગેટ પાર કરી દીધો. વિન્ડીઝની જીતનો હીરો શિમરૉન હેટમાયર અને શે હોપ રહ્યા. હેટમાયરે 139 અને શે હોપે અણનમ 102 રન કર્યા. આમ તો ટીમ ઈન્ડિયાની હારનું કારણ હેટમાયર અને હોપની સારી બેટિંગ ઉપરાંત 5 ભૂલો પણ રહી.


ખરાબ ટીમ સિલેક્શન : ટીમ ઈન્ડિયાએ ચેન્નઈ વનડેમાં યોગ્ય ટીમ સિલેક્શન ન કર્યું. ભારતીય ટીમ માત્ર 4 બોલરોની સાથે મેદાનમાં ઉતરી. પાંચમા બોલર માટે ટીમે શિવમ દુબે અને કેદાર જાધવ પર આધાર રાખ્યો અને આ બાબત તેની પર ભારે પડી ગઈ. જાધવે એક ઓવર ફેંકી અને 11 રન આપ્યા. બીજી તરફ શિવમ દુબેએ 7.5 ઓવરમાં 68 રન આપ્યા અને તેને એક પણ વિકેટ ન મળી.


એક ઓવરમાં રાહુલ અને વિરાટ આઉટ : ચેન્નઈમાં ભારતની શરૂઆત ખૂબ ખરાબ રહી. ટીમ ઈન્ડિયાએ 7મી ઓવરમાં વિરાટ કોહલી અને કે.એલ. રાહુલની મહત્વની ટિકિટ ગુમાવી. શેલ્ડન કૉટરલના બીજા બોલ પર રાહુલ માત્ર 6 રને આઉટ થયો અને ત્યારબાદ છેલ્લા બોલે વિરાટ કોહલી બોલ્ડ થતાં ટીમ ઈન્ડિયાને બેવડો આંચકો લાગ્યો. અહીંથી ભારતીય ટીમ દબાણમાં આવી ગઈ.


અય્યર અને પંત સેટ થયા બાદ આઉટ : રોહિત અને રાહુલ આઉટ થયા બાદ અય્યર અને પંતે ટીમ ઈન્ડિયાને સંકટમાંથી બહાર કાઢ્યા. બંનેએ 100 રનની ભાગીદારી પણ કરી અને અડધી સદી ફટકારી. અય્યરે 70 રન કર્યા અને પંતે 71 રનની ઇનિંગ રમી પરંતુ આ બંને બેટ્સમેન સેટ થયા બાદ અચાનક આઉટ થયા. જેનું પરિણામ ટીમ ઈન્ડિયાને ભોગવવું પડ્યું. ટીમ ઈન્ડિયાએ ચેન્નઈની પિચ પર 20થી 30 રન ઓછા કર્યા.


કેચ છોડવો મોંઘો પડ્યો : ટી20 સીરીઝમાં ખરાબ ફીલ્ડિંગ ફરી એકવાર જોવા મળી. શિમરૉન હેટમાયરને બે જીવતદાન મળ્યા. પહેલું જીવતદાન વિરાટ કોહલીના હાથે મળ્યો જ્યારે તેની પાસે હેટમાયરને રનઆઉટ કરવાની તક હતી. પરંતુ તેણે પંતથી ઘણો દૂર થ્રો ફેંક્યો અને હેટમાયરને જીવતદાન મળી ગયું. બીજી વાર શ્રેયસ અય્યરે પણ હેટમાયરનો સરળ કેચ છોડ્યો, પરિણામ હેટમાયરે તોફાની 139 રન ઠોકીને ટીમ ઈન્ડિયાની હાર નક્કી કરી દીધી.


ખરાબ લાઇન લેન્થ પર બોલિંગ : માનવામાં આવે છે કે ચેન્નઈની પિચ બાદમાં બેટિંગ માટે સરળ થઈ ગઈ હતી પરંતુ ટીમ ઈન્ડિયાના બોલરોએ ખરાબ લેંથથી બોલિંગ પણ કરી. ટીમ ઈન્ડિયાના બોલરોની પાસે હેટમાયરની વિરુદ્ધ કોઈ રણનીતિ નહોતી જેનો તેણે ભરપૂર ફાયદો ઉઠાવ્યો. હેટમાયરે 7 સિક્સર અને 11 ફોર મારી. આ આંકડો સ્પષ્ટપણે ટીમ ઈન્ડિયાની ખરાબ લાઇન-લેંથને દર્શાવે છે.