

કિર્તેશ પટેલ, સુરત : કોરોના વાયરસ (Coronavirus)ને લઈને દેશભરમાં અને પહેલીવાર સમાજના સહયોગથી કોમ્યુનિટી કોવિડ આઇસોલેશન (Patidar Community Covid Isolation Center) સેન્ટર બનાવામાં આવ્યું છે. હૉસ્પિટલ (Hospital)માં દાખલ કરવાની આવશ્યકતા નથી તેવા દર્દી માટે દેશનું પહેલું કોમ્યુનિટી કોવિડ આઇસોલેશન સેન્ટર સુરત (Surat)માં કાર્યરત થયું છે. પાટીદાર સમાજે આંબા તલાવડી ખાતે આ સેન્ટર શરૂ કર્યું છે. બીજી તરફ પ્રજાપતિ સમાજ (Prajapati Samaj)નું સેન્ટર આજકાલમાં શરૂ થઇ જશે. ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવ ડૉક્ટર જયંતિ રવિ (Dr Jayanti Ravi)એ ખૂદ જણાવ્યું હતું કે સમાજના સહયોગથી આઇસોલેશન સેન્ટર શરૂ થયું હોય તેવી દેશની આ પ્રથમ ઘટના છે.


કોરોના વાયરસનું સંક્રમણ સુરતમાં સતત રહ્યું છે. દર્દીઓને તકલીફ ન પડે તે માટે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિ સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી હાજર રહ્યા છે. તેઓ સુરત ખાતે રહીને આગામી દિવસોમાં દર્દીની સંખ્યા વધે તો તેને પહોંચી વળવા માટે હૉસ્પિટલ અને અન્ય સુવિધા માટે નિરીક્ષણ કરી રહ્યા છે.


ત્યારે હોસ્પિટલમાં દાખલ કરવાની આવશ્યકતા નથી તેવા દર્દીઓ માટે દેશનું પહેલું કોમ્યુનિટી કોવિડ આઇસોલેશન સેન્ટર સુરતમાં કાર્યરત કરવામાં આવ્યું છે. હાલના સંજોગોમાં સરકારી અને ખાનગી હૉસ્પિટલમાં જરૂરતમંદ લોકો માટે બેડ ખાલી રહે તે જરૂરી છે. કોરોનાના 80 ટકા દર્દીઓ એવા છે જેમને હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી. આવા દર્દીઓ પોતાના ઘરે જ સારવાર લઇ શકે.


જોકે, ઘરે સારવાર લેવામાં કેટલીક મુશ્કેલી રહેલી છે. જેમ કે ઘરમાં વડીલ કે બાળકો હોય તો તેમને ચેપ લાગવાનો ભય રહે છે. ઘરમાં એટેચ બાથરૂમ ન હોય કે પછી હોમ આઇસોલેશન માટે અલગ રૂમ ન હોય તો સારવાર મુશ્કેલ છે. બીજી તરફ માઇલ્ડ લક્ષણ ધરાવતા દર્દી હોસ્પિટલમાં દાખલ થાય તો એક બેડ રોકાયેલો રહે છે. સાથે સાથે હૉસ્પિટસના માહોલને કારણે તેમના માનસ પર અવળી અસર પડે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઇ કોમ્યુનિટી કોવિડ આઇસોલેશન સેન્ટરનો વિચાર આવ્યો હતો.


આ માટે આરોગ્ય સચિવ જયંતિ રવિની હાજરીમાં પાલિકા ખાતે પ્રજાપતિ સમાજ અને પાટીદાર સમાજના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી. બંને સમાજે કતારગામમા કોમ્યુનિટી કોવિડ આઇસોલેશન સેન્ટર બનાવવા તૈયારી બતાવી છે. સમસ્ત પાટીદાર સમાજ દ્વારા આંબા તલાવડી ખાતે આવેલી સમાજની વાડીમાં આજથી કોવિડ સેન્ટર કાર્યરત કરી દેવાયું છે. પ્રજાપતિ સમાજ દ્વારા વસ્તાદેવડી રોડ પર કોમ્યુનિટી હોલમાં કોમ્યુનિટી સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્થળે સમાજના જ તબીબો દર્દીઓની સારસંભાળ રાખવામાં આવશે.