

ગાંધીનગર : વિદેશમાં ફસાયેલા ગુજરાતીઓને Lockdown લાગુ થતા વતન પરત આવવા મળ્યું નહોતુ. જ્યારે કેટલાક વિદેશમાં ભણતા વિદ્યાર્થીઓ પણ અટવાઈ ગયા હતા. ભારત સરકારે ગલ્ફ વૉર પછીના સૌથી મોટા એરલિફ્ટની જાહેરાત કરી છે. ભારત સરકાર વિદેશમાં વસતા તમામ ભારતીયનો વિશેષ વિમાનોથી પરત લાવશે. આ જાહેરાતના અનુસંઘાનમાં રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીની કચેરીના સચિવ અશ્વીની કુમારે આજે મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરી હતી.( પ્રતિકાત્મક તસવીર)


સરકારના આયોજન વિશે માહિતી આપતા અશ્વિની કુમારે જણાવ્યું કે 'સરકાર વિદેશમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવશે. અત્યારે 7મી મેથી આ કાર્યવાહી અંતર્ગત પ્રથમ વિમાન આવશે. આયોજન મુજબ પ્રથમ ફ્લાઇટ ફિલિપાઇન્સથી આવશે. વિદેશમાં અટવાયેલા અને વસતા ગુજરાતીઓ જો પરત આવવા માંગતા હોય તો તેમણે જાતે ટિકિટ ખરીદવાની રહેશે. (ફાઇલ તસવીર)


સરકાર આ મામલે યુકે, કુવૈત, અને યૂરોપથી પણ વિમાની સેવા જોડવાનું આયોજન કરશે. દરમિયાન સરકારે પરપ્રાંતીયો માટે રેલ સેવા શરૂ કરી છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી 39 ટ્રેન રવાના થઈ છે. આજે સાંજ સુધીમાં 82000 કરતાં વધુ શ્રમિકો વતન જવા રવાના થશે.


અશ્વિની કુમારે જણાવ્યું કે અમે 3.75 લાખ લોકોને વતન પરત પહોંચાડી રહ્યા છે. આજે વધુ 30 ટ્રેન શ્રમિકોને લઈને રવાના થઈ રહી છે. સમગ્ર દેશમાં સૌથી વધુ ટ્રેનો ગુજરાતમાંથી દોડી છે. તમામ શ્રમિકોને અપીલ છે કે કોઈએ પણ અધીર થઈ ધીરજ ગુમાવવાની જરૂર નથી.