બેઇજિંગ : કોરોના વાયરસ (Coronavirus)નો ફેલાવો ચીનના વુહાન (Wuhan) શહેરમાંથી થયો હોવાની વાત આખું વિશ્વ જાણે છે. ચીનમાં કોરોના સંક્રમણ ફેલાયા બાદ તેના પર કાબૂ પણ ફટાફટ મેળવી લેવાયો હતો. હવે ચીનના વિવિધ શહેરોમાં કોરોનાને લઈને નિયમોમાં છૂટ આપવામાં આવી રહી છે. જે પ્રમાણે ચીનના સ્વાસ્થ્ય વિભાગે હવે બેઇજિંગ (Beijing) શહેરમાં માસ્ક (Mask) પહેરવું મરજિયાત કરી દીધું છે. કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે વિશ્વના મોટાભાગના દેશોએ માસ્કનો અમલ ફરજિયાત કર્યો છે. બેઇજિંગમાં સતત 13માં દિવસે કોરોનાનો એક પણ નવો કેસ ન નોંધાતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. (પ્રતિકાત્મક તસવીર)
આરોગ્ય વિભાગે છૂટ આપી દીધી હોવા છતાં શુક્રવારે બેઇજિંગ શહેરમાં મોટાભાગના લોકો માસ્કમાં જોવા મળ્યા હતા. અમુલ લોકોનું કહેવું છે કે માસ્કને કારણે તેઓ સુરક્ષિત હોવાનું અનુભવે છે. જ્યારે અમુક લોકો એવું પણ કહી રહ્યા છે કે સામાજિક દબાણને કારણે તેઓ માસ્ક પહેરી રહ્યા છે. બેઇજિંગની 24 વર્ષની એક મહિલાએ ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે, "મને લાગે છે કે હું ગમે ત્યારે માસ્ક પહેરવાનું બંધ કરી શકું છું. પરંતુ હું જોવા માંગું છું કે શું બીજા લોકો આ વાત સ્વીકારશે. મને આશંકા છે કે જો હું માસ્ક વગર ફરતી જોવા મળીશ તો લોકો ડરવા લાગશે." (પ્રતિકાત્મક તસવીર)
બીજી વખત એવું બન્યું છે કે બેઇજિંગના સ્વાસ્થ્ય વિભાગે માસ્ક પહેરવાના નિયમમાં છૂટ આપી છે. કોરોના બાદ અહીં લૉકડાઉન કરી દેવામાં આવ્યું હતું. હવે અહીં જિંદગી ફરીથી પાટા પર ચઢી રહી છે. આ પહેલા બેઇજિંગ મ્યુનિસિપિલ સેન્ટર્સ ફોર ડિસિઝ કંટ્રોલ તરફથી એપ્રિલ મહિનાના અંતમાં એવું કહેવામાં આવ્યું હતું કે લોકો માસ્ક વગર ઘરની બહાર નીકળી શકે છે. જોકે, જૂનમાં આ નિયમ ફરીથી લાગૂ કરી દેવામાં આવ્યો હતો. બેઇજિંગના એક હોલસેલ બજારમાં કોરોનાના મોટા પ્રમાણમાં કેસ નોંધાતા માસ્કનો નિયમ ફરીથી લાગૂ કરી દેવામાં આવ્યો હતો. હવે ફરીથી આ નિયમ મરજિયાત કરી દેવામાં આવ્યો છે. (પ્રતિકાત્મક તસવીર)
રિપોર્ટ પ્રમાણે છેલ્લા પાંચ દિવસથી ચીનના કોઈ પણ મુખ્ય શહેરમાં કોરોનાનો લોકલ ટ્રાન્સમિશનનો એક પણ કેસ નોંધાયો નથી. ચીનના અધિકારીઓનું માનવું છે કે માસ્ક, ફરજિયાત હોમ ક્વૉરન્ટીન અને માસ ટેસ્ટિંગને કારણે દેશમાં કોરોના પર કાબૂ મેળવી શકાયો છે. ચીનમાં કોરોના વાયરસના ફેલાવા બાદ અત્યાર સુધી કુલ 84,917 કેસ નોંધાયા છે. 20 ઓગસ્ટના રોજ ચીનમાં બહારથી આવેલા 22 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જે બાદમાં ચીને પોતાના દેશના ન હોય તે સિવાયના અન્ય તમામ લોકો માટે સરહદ બંધ કરી દીધી છે. (પ્રતિકાત્મક તસવીર)