

કચ્છ : દેશભરમાં કાતિલ ઠંડીનું જોર યથાવત છે. રાજ્યનાં 5 શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું છે. હવામાન વિભાગે બુધવારે એટલે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની ચેતાવણી જારી કરેલી છે. ત્યારે આજે ગાંધીનગરમાં 12.2 ડિગ્રી, અમદાવાદમાં 12.8 ડિગ્રી તાપમાન, મહુવામાં 11.3 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 11.5 ડિગ્રી તાપમાન તથા પોરબંદર અને ડીસામાં 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


આ સાથે સૌથી ઓછું તાપમાન ભુજમાં 7 ડિગ્રી નોંધાયું હતું. આ સાથે કંડલામાં 9.8 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 8.6 ડિગ્રી, રાજકોટ 8.7 ડિગ્રી તાપમાન, નલિયામાં 7.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર, કચ્છમાં લઘુત્તમ તાપમાન યથાવત રહેશે. રાજ્યમાં હજુ 24 કલાક કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.


મહત્વનું છે કે, ઉત્તર ભારતમાં ઠંડીનો કેર યથાવત છે અને તાપમાનનો પારો દિવસે દિવસે નીચો જઇ રહ્યો છે. દિલ્હીની ઠંડીએ સોમવારે 119 વર્ષનો રેકોર્ડ તોડયો હતો જ્યારે મંગળવારે પણ તેવી જ સ્થિતિ જોવા મળી હતી. જ્યારે દિલ્હીમાં થોડી રાહત રહે તેવી આગાહી હવામાન વિભાગે કરી હતી.