

કરાચીમાં ચીનના વાણિજ્ય દૂતાવાસ પર 23 નવેમ્બરે થયેલા આતંકી હુમલા દરમ્યાન વરિષ્ઠ મહિલા કમાંડો સુહાઈ અઝિઝ તલપુરે જે રીતે બહાદુરી દેખાડી, તેનાથી માત્ર પાકિસ્તાન જ નહી પરંતુ ચીનમાં પણ ચર્ચામાં છવાઈ ગઈ છે. ખાસકરીને ચીનનું સોશિયલ મીડિયા આ કમાંડોના પ્રેમમાં પડી ગયું છે. સેલિબ્રિટી જેવા સ્ટેટસ પર પહોંચી ચુકેલી સુહાઈને લઈ પાકિસ્તાન-ચીનની મિત્રતાની વાતો કહરવામાં આવી રહી છે તો કેટલાક લોકો લગ્નનો પ્રસ્તાવ પણ આપી રહ્યા છે.


અલગાવવાદી સંગઠન બલૂચ લિબરેશન આર્મીના લોકોએ શુક્રવારે જ્યારે ચીન દૂતાવાસ પર હુમલો કર્યો ત્યારે દૂતાવાસમાં 6 ચીની નાગરીકો સહિત 21 કર્મચારી હતા. સુહાઈની આગેવાનીમાં આતંકવાદ નિરોધક દળે દૂતાવાસમાં ઘુસીને આતંકીઓની તમામ કોશિસને નિષ્ફળ કરીને ત્રણે આતંકીઓને ઠાર કરી દીધા. ત્યારબાદથી પાકિસ્તાન મીડિયાથી લઈને ત્યાંના સોશિયલ મીડિયા પર સુહાઈની ચર્ચા જબરદસ્ત થઈ રહી છે. આ સાથે ચીનનું મીડિયા પણ મુશ્કેલ પરિસ્થિતીમાં અભ્યાસ કરીને ઓફિસર બનેલી સુહાઈના વખાણ કરી રહ્યું છે.


2013માં પાકિસ્તાનની સિવીલ સેવા પરિક્ષા પાસ કર્યા બાદ પોલીસ ફોર્સમાં સામેલ થયેલી સુહાઈના પિતાએ પરિવારના સભ્યો વિરુદ્ધ જઈને દીકરીને પ્રાઈવેટ સ્કૂલમાં અભ્યાસ કરાવ્યો, ઘરના અન્ય સભ્યોની જીદ હતી કે, તેને પણ બીજા બાળકોની સાથે મદરેસામાં અભ્યાસ કરાવવો જોઈએ. સુહાઈએ પહેલા જ પ્રયત્નમાં સિવિલ સર્વિસ પરિક્ષા પાસ કરી દીધી અને લોઅર સિંધની પહેલી મહિલા પોલીસ તરીકે કામ શરૂ કર્યું. હાલમાં ચીની દૂતાવાસ પર હુમલાને નિષ્ફળ કરવામાં સુહાઈની મુખ્ય ભૂમિકા રહી હતી.


સુહાઈ આ હુમલા બાદ સોશિયલ મીડિયા પર સેલિબ્રિટી બની ગઈ છે. તેની બહાદુરીની સાથે ખુબસુરતીની પણ ચર્ચા થઈ રહી છે. તેની સુંદરતાની તુલના પ્રખ્યાત ચીની એક્ટ્રેસ ગુઆન જિએટોન્ગ સાથે કરવામાં આવી રહી છે.


ચીનમાં હાલ સુહાઈની એટલા હદ સુધી લોકપ્રિયતા છે કે, ત્યાંના સોશિયલ મીડિયા પર તેને લગ્ન માટે પ્રસ્તાવ પણ મળી રહ્યા છે. ચીનના લોકોનું માનવું છે કે, એક બહાદુર ઓફિસર લગ્ન કરી બીજા દેશમાં જાય તો તે બંને દેશના સંબંધો વધારે મજબૂત બને.