સંજય ટાંક, અમદાવાદઃ ધોરણ 10 પછી કોમર્સ કરી ચાર્ટડ એકાઉન્ટન્ટ (Chartered Accountant) બનવાનો ક્રેઝ વિધાર્થીઓમાં વધી રહ્યો છે. પાછલા ચાર વર્ષની વાત કરવામાં આવે તો ચાર વર્ષ પહેલાં CA ફાઉન્ડેશનમાં દેશ ભરમાં 80 હજાર વિધાર્થી એડમિશન મેળવતા હતા. જે સંખ્યા હાલ સવા લાખને આંબી ગઈ છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્સી અભ્યાસક્રમો (Chartered Accountancy Courses) માટે નવી એજયુકેશન પોલીસીના (Education policy) આધારે શિક્ષણ અને તાલીમની સૂચિત યોજનાની જાણકારી આપવા સંદર્ભે આયોજિત એક સેમિનાર આઈસીએઆઈના ઉપપ્રમુખ સીએ અનિકેત તલાટીએ વિગતો જાહેર કરી હતી.
ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયાની અમદાવાદ બ્રાન્ચ દ્વારા સરદાર પટેલ સ્મારકમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્સી અભ્યાસક્રમો માટે નવી એજયુકેશન પોલીસીના આધારે શિક્ષણ અને તાલીમની સૂચિત યોજનાની જાણકારી આપવા સંદર્ભે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. આઈસીએઆઈના ઉપપ્રમુખ સીએ અનિકેત તલાટીએ જણાવ્યું કે, ન્યૂ એજ્યુકેશન પોલિસી પ્રમાણે સીએ ફાઉન્ડેશનના કોર્સમાં વિદ્યાર્થીએ 4 પેપરોની પરિક્ષા આપવાની રહેશે. જ્યારે ઈન્ટરમિડીયેટમાં વિદ્યાર્થીએ 6 પેપરોની પરિક્ષા આપવાની રહેશે જે અગાઉ 8 પેપર હતાં. અને ફાઈનલમાં વિદ્યાર્થીએ 6 પેપરોની પરિક્ષા આપવાની રહેશે.
જે અગાઉ 8 પેપર હતાં. અગાઉ સીએનો કોર્ષ કરનાર વિદ્યાર્થીને 3 વર્ષની આર્ટિકલશિપ કરવી પડતી હતી. જે હવે સીએનો અભ્યાસ કરતા વિદ્યાર્થીને 2 વર્ષની આર્ટિકલશિપ કરવાની રહેશે. તેમાં સેલ્ફ-પેસ ઓનલાઈન મોડ્યુલનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો છે જેના દ્વારા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે છે અને તેમની પોતાની ગતિએ પરીક્ષા આપી શકે છે.
આ પ્રસંગે સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર તથા બોર્ડ ઓફ સ્ટડીઝના ચેરમેન સીએ દયાનીવાશ શર્મા એ જણાવ્યું કે શિક્ષણ અને તાલીમની સૂચિત યોજના પર કોર્પોરેટ બાબતોના મંત્રાલયની સૈધાંતિક મંજૂરી 1 જૂન 2022ના રોજ મળ્યા બાદ અમે તમામ હિતધારકો પાસેથી મૂલ્યવાન સૂચનો માંગીએ છીએ. અત્યાર સુધીમાં અમને દેશભરમાંથી 15,000થી પણ વધારે સૂચનો પ્રાપ્ત થયા છે જે 30 જૂન સુધીમાં 25,000થી વધારે સૂચનો મળવાની અમને આશા છે.