આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને એક દિવસ બાકી છે. આ દિવસ વૈશ્વિક સ્તરે 8મી માર્ચે ઉજવાય છે. ગત વર્ષે બજારમાં ભારે અસ્થિરતા જોવા મળી હતી. આ સાથે મહિલાઓની રોકાણ કરવાની પદ્ધતિમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો હતો. મહિલાઓ મ્યુચ્યુઅલ ફંડ્સ અથવા ફિક્સ્ડ ડિપોઝિટ જેવી પરંપરાગત યોજનાઓને પહેલી પસંદગી આપતી હોવાનું ફલિત થયું હતું.
LXMEના ફાઉન્ડર પ્રીતિ રાઠી ગુપ્તાએ કહે છે કે, તમારે બજારની ટૂંકા ગાળાની હિલચાલ વિશે ચિંતા ન કરવી જોઈએ, તમારા નાણાકીય ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સ્માર્ટ રોકાણકાર બનવા માટે તમારા દરેક રોકાણને તમારા નાણાકીય લક્ષ્યો સાથે જોડવું જોઈએ. ફિક્સ્ડ ડિપોઝિટ જેવા રોકાણના પરંપરાગત વિકલ્પો મુખ્ય રકમ અને નિશ્ચિત વળતરની બાંયધરી આપતા હોવાથી મહિલાઓના મનપસંદ રહ્યા છે.
જો કે, તેમણે ઉમેર્યું કે, ફિક્સ્ડ ડિપોઝિટ્સ ફુગાવાને પછાડી શકતો નથી. પ્રીતિના જણાવ્યા અનુસાર, ઇક્વિટી, ડેટ અને ગોલ્ડ જેવા એસેટ ક્લાસના રોકાણમાં તમારા લક્ષ્યો અને વળતરને ઓપ્ટિમાઇઝ કરવા માટે જોખમ લેવાની ક્ષમતા અનુસાર વિવિધતા લાવવાની જરૂર છે. સંશોધન કરવા અને મ્યુચ્યુઅલ ફંડ્સ, બોન્ડ્સ, સોવરેન ગોલ્ડ બોન્ડ્સ, નેશનલ પેન્શન સ્કીમ વગેરે જેવા તમારા લક્ષ્યાંકોને કયું સાધન શ્રેષ્ઠ રીતે અનુકૂળ આવે છે તે સમજવા માટે હાલ રોકાણના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે.
મ્યુચ્યુઅલ ફંડ્સ: આ વિકલ્પ શરૂઆત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. મ્યુચ્યુઅલ ફંડ્સમાં પ્રોફેશનલ ફંડ મેનેજમેન્ટનો લાભ, SIP તરીકે રોકાણ કરવાની લવચિકતા, લમ્પ સમ, ડાઇવર્સિફિકેશન, કમ્પાઉન્ડિંગની શક્તિ આપે છે. સૌથી સારી વાત તો એ છે કે, તમે ફક્ત રૂ.100થી શરૂઆત કરી શકો છો. તમે લાંબા ગાળા માટે રોકાણ કરી રહ્યા હોવ અને ફુગાવાથી બચવા વળતરનું લક્ષ્ય રાખતા હોવ તો તમારે ટૂંકા ગાળાની બજારની હિલચાલ પર ધ્યાન આપવું જોઈએ નહીં. રોકાણ કરો અને કમ્પાઉન્ડિંગની શક્તિનો ફાયદો ઉઠાવો.