નવી દિલ્હી: હાલના સમયમાં ક્રેડિટ કાર્ડ (credit cards) માત્ર નાણાકીય વ્યવહારનું માધ્યમ નથી, પણ લોકો વિશિષ્ટ ડિસ્કાઉન્ટ (Discount) અથવા લાભો મેળવવા માટે પણ તેનો ઉપયોગ કરે છે. સુપર-પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ (Super premium credit card) વધારાના રિવોર્ડ પોઈન્ટ્સ (Reward points) સાથે મુસાફરી, ડાઈનિંગ અને ખરીદી પર વિશિષ્ટ લાભો પ્રદાન કરે છે. જોકે, આ ક્રેડિટ કાર્ડ ઊંચી વાર્ષિક ફી સાથે આવે છે. બજારમાં ઉપલબ્ધ ઘણા ક્રેડિટ કાર્ડ વિકલ્પોમાં એક શ્રેષ્ઠ સુપર-પ્રીમિયમ બેનિફિટ્સ (Credit card benefits) ધરાવતું શોધવું કંટાળાજનક બની રહે છે. જેથી તમારી માટે એક શ્રેષ્ઠ કાર્ડ શોધવામાં અમે તમારી મદદ કરીશું. આજના આર્ટિકલમાં અમે તમને કેટલાક પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ વિશે માહિતી આપીશું.
HDFC ડીનર્સ ક્લબ બ્લેક ક્રેડિટ કાર્ડ: HDFC ડીનર્સ ક્લબ બ્લેક ક્રેડિટ કાર્ડ ક્લબ મેરિયોટ, ફોર્બ્સ, એમેઝોન પ્રાઇમ, ઝોમેટો પ્રો, ટાઇમ્સ પ્રાઇમ, વગેરેની વાર્ષિક મેમ્બરશીપ ઓફર કરે છે. આ સાથે જ દર મહિને રૂ. 80,000 થી વધુના ખર્ચ પર Ola Select, cult.fit Live, BookMyShow અને TataCliQ તરફથી વાઉચર્સ પણ મળે છે. કાર્ડમાં તમામ ફોરેન કરન્સી ટ્રાન્ઝેક્શન પર 1.99 ટકાની ફોરેન કરન્સી માર્કઅપ ફી છે. કાર્ડધારક પાસે ભારત અને વિશ્વભરમાં અમર્યાદિત એરપોર્ટ લાઉન્જ એક્સેસ હોય છે. આ ક્રેડિટ કાર્ડ પર વાર્ષિક ફી 10,000 રૂપિયા છે.
SBI Aurum ક્રેડિટ કાર્ડ: SBI Aurum ક્રેડિટ કાર્ડ Amazon Prime, Zomato Pro, Lenskart Gold, Discover Plus, EazyDiner Prime, વગેરેની ફ્રી મેમ્બરશીપ આપે છે. કાર્ડધારકને દર મહિને 40,000 રિવોર્ડ પોઈન્ટ્સ અને ચાર ફ્રી મૂવી ટિકિટોના લાભ પણ આપવામાં આવે છે. કાર્ડમાં તમામ ફોરેન એક્સચેન્જ ટ્રાન્ઝેક્શન પર 1.99 ટકાની ફોરેન કરન્સી માર્કઅપ ફી છે. કાર્ડધારક પાસે અમર્યાદિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લાઉન્જ એક્સેસ હોય છે. આ ક્રેડિટ કાર્ડ પર વાર્ષિક ફી 10,000 રૂપિયા છે.
HDFC બેંક ઇન્ફિનિયા ક્રેડિટ કાર્ડ: HDFC બેંક ઇન્ફિનિયા ક્રેડિટ કાર્ડ મેટલ એડિશન પ્રથમ વર્ષ માટે ક્લબ મેરિયોટ મેમ્બરશીપ અને ITC હોટેલ્સમાં કોમ્પ્લિમેન્ટરી નાઈટ અને વિકેન્ડ બુફે ઓફર કરે છે. કાર્ડમાં તમામ ફોરેન કરન્સી એક્સચેન્જ પર 2 ટકાની ફોરેન કરન્સી માર્કઅપ ફી છે. આ કાર્ડ સમગ્ર વિશ્વમાં પ્રાઈમરી અને એડ-ઓન મેમ્બરને અમર્યાદિત એરપોર્ટ લાઉન્જ એક્સેસ ઓફર કરે છે. આ ક્રેડિટ કાર્ડની વાર્ષિક ફી 12,500 રૂપિયા છે.
સિટી પ્રેસ્ટિજ ક્રેડિટ કાર્ડ: સિટી પ્રેસ્ટિજ ક્રેડિટ કાર્ડ દર વર્ષે તાજ ગ્રૂપ અથવા ITC હોટેલ્સ તરફથી રૂ. 10,000ના લાભ ઓફર કરે છે. કાર્ડ પ્રાઈમરી અને એડ-ઓન કાર્ડ ધારકો બંને માટે અમર્યાદિત પ્રાયોરિટી પાસ લાઉન્જ એક્સેસ ઓફર કરે છે. તે કોઈપણ હોટેલ અથવા રિસોર્ટમાં ઓછામાં ઓછી સળંગ ચાર રાત બુક કરવા પર કોમ્પ્લિમેન્ટરી નાઈટ સ્ટે અને અન્ય ઘણા લાભો આપે છે. આ ક્રેડિટ કાર્ડ પર વાર્ષિક ફી રૂ. 20,000 છે.
એક્સિસ બેંક રિઝર્વ ક્રેડિટ કાર્ડ: એક્સિસ બેંક રિઝર્વ ક્રેડિટ કાર્ડ ઓબેરોય હોટેલ્સ અને રિસોર્ટ્સ તરફથી વિશિષ્ટ ઑફર્સ આપે છે. તે કોમ્પ્લીમેન્ટરી ક્લબ ITC કુલીનેર મેમ્બરશિપ, એકોરપ્લસ મેમ્બરશિપ, ક્લબ મેરિયોટ એશિયા પેસિફિક મેમ્બરશિપ અને EazyDiner પ્રાઇમ મેમ્બરશિપ પણ ઑફર કરે છે. કાર્ડધારકને દર વર્ષે ચાર કોમ્પ્લીમેન્ટરી લક્ઝરી એરપોર્ટ પિક-અપ્સ/ડ્રોપ્સ, એરપોર્ટ પર આઠ VIP સહાય સેવાઓ, કાર્ડ એક્ટિવેશન અને રિન્યુઅલ પર 50,000 રિવોર્ડ પોઈન્ટ્સ અને ખર્ચના વિવિધ સેગમેન્ટમાં અન્ય ઘણા લાભો પણ મળે છે. આ ક્રેડિટ કાર્ડ પર વાર્ષિક ફી 50,000 રૂપિયા છે.
પોતાની જાત પર કાબૂ રાખો: તમારા ક્રેડિટ કાર્ડ માટે ડિસિપ્લિન્ડ અભિગમ રાખો. એકવાર તમે ક્રેડિટ કાર્ડ મેળવી લો તો તે મહત્વપૂર્ણ છે કે તમે તેનો સ્માર્ટ અને જવાબદારીપૂર્વક ઉપયોગ કરો. કારણ કે ક્રેડિટ કાર્ડ્સ વ્યાજ-મુક્ત સમયગાળો ઓફર કરે છે, તેથી હોટલ અથવા રિસોર્ટમાં વેકેશન પર હોય ત્યારે તેમજ ભાગીદાર વેપારીઓ પાસેથી ખરીદી કરતી વખતે વધુ પડતો ખર્ચ કરવાનું વલણ હોઈ શકે છે. જો તમે ચૂકવણી કરી શકો તેના કરતાં વધુ ખર્ચ કરો છો અને તમારા ક્રેડિટ કાર્ડનું બિલ સમયસર ચૂકવી શકતા નથી, તો તમને 28 થી 49 ટકા સુધીના ભારે વ્યાજ ચાર્જ લાગશે.