નાણાકીય વર્ષ 2022-23 સમાપ્ત થવામાં છે. તેવામાં રુપિયા સંબંધિત મહત્વપૂર્ણ કામ કરવા માટે તમારી પાસે 31 માર્ચ સુધીનો એટલે કે 10 દિવસનો સમય છે. જો તમે ટેક્સ બચાવવા માટે રુપિયાનું રોકાણ કરવા માંગો છો તો તમારી પાસે 10 દિવસ બાકી છે. આ સિવાય PAN ને આધાર સાથે લિંક કરવા, વયવંદન સ્કીમમાં રોકાણ અને ડીમેટમાં નોમિની ઉમેરવાનું કામ પણ હાથ ધરવાનું છે.
1. આધાર સાથે પાન લિંક કરો(Link Pan with Aadhar) જો તમે હજી સુધી તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યું, તો તરત જ આ કામ કરો. પાન કાર્ડને આધાર સાથે લિંક કરવા માટે લગભગ 10 દિવસ બાકી છે. સરકારે પહેલાથી જ PAN-આધાર લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2023 નક્કી કરી છે. જો તમે 31 માર્ચ સુધીમાં આ બંનેને લિંક નહીં કરો તો તમારું PAN અમાન્ય થઈ જશે. જો PAN નિષ્ક્રિય થઈ જશે, તો તમે બેંક ખાતા, રોકાણ અથવા આવકવેરા સંબંધિત કોઈપણ કાર્ય કરી શકશો નહીં. તમારા માટે વધુ સારું રહેશે કે તમે સમયસર PAN અને આધારને લિંક કરો.
2. ડીમેટ એકાઉન્ટ નોમિની (Dmat Account Nominee) ધ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ તમામ ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ધારકો માટે નોમિની હોવું ફરજિયાત બનાવ્યું છે. નોમિનીનું નામ ઉમેરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2023 છે. જો નોમિનીનું નામ તમારા ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટમાં ઉમેરવામાં આવ્યું નથી, તો તે આગામી 10 દિવસમાં ઉમેરવું જોઈએ કારણ કે જો તમે તેમ કર્યું નથી, તો તમે 1 એપ્રિલના રોજ શેર ખરીદી અથવા વેચી શકશો નહીં. જેમણે પહેલેથી જ નોમિનેશન આપી દીધું છે, તેમણે આવું કરવાની જરૂર નથી.
3. વય વંદન યોજના (VyaVandan Yojna) માં રોકાણ કરો જો કોઈ વરિષ્ઠ નાગરિક PM વય વંદના યોજનામાં રોકાણ કરવા માંગે છે, તો તે 31 માર્ચ, 2023 સુધી આમ કરી શકે છે. અત્યાર સુધી સરકારે આ યોજનાને આગળ વધારવા માટે કોઈ નોટિફિકેશન બહાર પાડ્યું નથી, તેથી તમારી પાસે તેમાં રોકાણ કરવા માટે માત્ર 31 માર્ચ, 2023 સુધીનો સમય છે.