ઉંચા-વીમા પ્રીમિયમ પોલિસી પર ટેક્સ મુક્તિ અને ફોર્મ 12BB સબમિટ કરો : વાર્ષિક રૂ. 5 લાખથી વધુનું પ્રીમિયમ ધરાવતી વીમા પોલિસી જો તમારી પાસે હોય તો 1 એપ્રિલ પછી પાકતી મુદતની રકમ પર કોઈ કરમુક્તિ નહીં મળે. બજેટ 2023ની જાહેરાત મુજબ રૂ. 5 લાખથી વધુ વાર્ષિક પ્રીમિયમ ધરાવતી વીમા પોલિસી નવા નાણાંકીય વર્ષમાં કરપાત્ર બની જશે તેથી, તમે 31 માર્ચ પહેલા પ્રીમિયમની ચુકવણી પૂર્ણ કરીને ટેક્સ બચાવી શકો છો. જોકે આ નિયમ યુનિટ-લિંક્ડ ઈન્સ્યોરન્સ પ્લાન્સ (ULIP) પર લાગુ થશે નહીં. તમે આ નવા નિયમ વિશે અહીં વધુ વાંચી શકો છો. જો તમે પગારદાર કર્મચારી છો, તો તમારે નાણાંકીય વર્ષ 2022-23 માટે 31 માર્ચ પહેલા તમારા એમ્પ્લોયરને ફોર્મ 12BB સબમિટ કરવું આવશ્યક છે. આ તમને રોકાણ અને ખર્ચ પર ટેક્સ બેનિફિટ ક્લેયમ કરવા સક્ષમ બનાવશે. ફોર્મ 12BBમાં તમારે HRA, LTC, હોમ લોનના વ્યાજની ચુકવણી વગેરે જેવી વિગતો શામેલ કરવી જોઈએ.
PAN-આધાર લિંક - પાના કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની પણ છેલ્લી તારીખ 31 માર્ચ છે. દેશના લગભગ 20 ટકા પાન કાર્ડ યુઝર્સોએ તેમના PANને તેમના આધાર સાથે લિંક કર્યા નથી. જો તમે પણ PAN-Aadhaar લિંક કર્યું નથી તો તમે 1000 રૂપિયાની ફી ભરીને 31 માર્ચ સુધી લિંક કરી શકો છો. જો તમે લિંક નહીં કરાવો તો 1 એપ્રિલથી તમારું PAN નિષ્ક્રિય થઈ જશે.
એડવાન્સ ટેક્સ ભરો - તમામ કરદાતાઓ જેમની વાર્ષિક કર જવાબદારી(Tax Liability) TDS/TCS અને MAT બાદ કર્યા પછી રૂ. 10,000થી વધુ છે તેમણે ચાર હપ્તામાં એડવાન્સ ટેક્સ ચૂકવવો જરૂરી છે. કરદાતાઓએ નાણાંકીય વર્ષ 2022-23 માટે 15 માર્ચ, 2023 સુધીમાં 100% એડવાન્સ ટેક્સ ચૂકવવો જરૂરી હતો. જો તમે 15મી માર્ચ સુધીમાં એડવાન્સ ટેક્સ ન ભર્યો હોય તો તમારે તેને 31 માર્ચ સુધીમાં ચૂકવવો જોઈએ. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, એડવાન્સ ટેક્સની ઓછી ચૂકવણી કે ચૂકવણી ન કરવા પર વ્યાજ વસૂલવામાં આવશે. એડવાન્સ ટેક્સ પેમેન્ટ્સ વિશે વધુ વિગત અહીં વધુ વાંચો.
ટેક્સ સેવિંગ ઈન્વેસ્ટમેન્ટ : નાણાંકીય વર્ષ 2022-23 માટે ટેક્સ સેવિંગ રોકાણો કરવાની છેલ્લી તારીખ માર્ચ 31 છે. તમે આવકવેરા કાયદાની કલમો જેમ કે 80C અને 80D હેઠળ કપાત માટે લાયક હોય તેવી યોજનાઓમાં રોકાણ કરીને રૂ. 1.5 લાખ સુધીના ડિડક્શન માંગી શકો છો. ટેક્સ સેવિંગ રોકાણોની છેલ્લી તારીખ વિશે અહીં વધુ વાંચો.