મુંબઈ: ટાટા મોટર્સ (Tata Motors) તરફથી તાજેતરમાં જાહેરાત કરવામાં આવી હતી કે કંપની 19મી જાન્યુઆરીના રોજ તેના સીએનજી કાર્સની રેન્જની જાહેરાત કરશે. જોકે, કંપની તરફથી એવી કોઈ જાહેરાત નથી કરવામાં આવી કે વર્ચ્યુઅલી યોજાનાર આ ઇવેન્ટમાં કંપની તેની વિશાળ શ્રેણીમાંથી કઈ મૉડલનું સીએનજી વર્ઝન (Tata Motors CNG cars) લોંચ કરશે. જોકે, આશા રાખવામાં આવી રહી છે કે ટાટા મોટર્સ તેની ટિયાગોનું સીએનજી વર્ઝન (Tata Tiago CNG) લોંચ કરશે. કારણ કે આ મૉડલ માટે ઘણા સમયથી અનધિકૃત રીતે બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. દેશ ભરના ટાટા મોટર્સના ડિલર્સ ઘણા લાંબા સમયથી ટાટા ટિયાગો અને ટિગોર કાર (Tata Tiago CNG, Tata Tigor CNG booking)નું બુકિંગ લઈ રહ્યા છે. એવી આશા રાખવામાં આવી રહી છે કે ટાટા ટિયાગો સીએનજી કારની કિંમત (Tiago CNG price) કારની વર્તમાન કિંમતથી 60થી 70 હજાર રૂપિયા વધારે હોઈ શકે છે.
અન્ય મોડલની પણ થઈ શકે છે જાહેરાત : સાથે જ ટાટા ટિયાગો આ વર્ષે લૉંચ થનારી પ્રથમ સીએનજી કાર બનશે. આ ઉપરાંત એવા પણ સમાચાર છે કે ટાટા મોટર્સ ટિયાગો ઉપરાંત ટિગોર, અલ્ટ્રોઝ અને નેક્સન કારના સીએનજી વર્ઝન પર પણ કામ કરી રહી છે. બહુ ઝડપથી આ અંગે જાહેરાત કરવામાં આવી શકે છે. 19મી તારીખે ટિયાગો ઉપરાંત અન્ય સીએનજી મોડલની પણ જાહેરાત કરવામાં આવી શકે છે. (ટાટા ટિગોર- ફાઇલ તસવીર)
સીએનજી કારમાં કોઈ મોટા ફેરફાર નહીં : એવા પણ રિપોર્ટ્સ છે કે ટાટા મોટર્સ તેની વર્તમાન ટિયાગો કારમાં કોઈ મોટા ફેરફાર કરવાના મૂડમાં નથી. એટલે કે સીએનજી કિટ સિવાય આ કારમાં કોઈ મોટા ફેરફાર કરવામાં નહીં આવે. જોકે, સીએનજી કિટ સાથેની કારના ફીચર્સ હાલ જાહેર કરવામાં આવ્યા નથી. એવી આશા રાખવામાં આવી રહી છે કે સીએનજી કિટ સાથેની કાર 30 કિલોમીટર પ્રતિ કિલોગ્રામની માઇલેજ આપી શકે છે.
આ કાર સાથે ટક્કર : ટાટા ટિયાગો કારની હાલ બજારમાં ઉપલબ્ધ Maruti WagonR અને Hyundai Santro સીએનજી સહિત કાર સાથે સીધી ટક્કર થશે. ઉલ્લેખનીય છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત આસમાને પહોંચતા ગત થોડા મહિનાઓથી સીએનજી કારના વેચાણમાં મોટો ઉછાળો આવ્યો છે. ગત આઠ મહિનામાં (નવેમ્બર 2021 સુધી) દેશમાં 1,36,357 સીએનજી કારનું વેચાણ થયું છે.
અન્ય ફીચર્સ : ટાટા ટિયાગો સીએનજી કારમાં દમદાર ફીચર્સ આપવામાં આવ્યા છે. Tiago CNG XZ વેરિઅન્ટના ફીચર્સ સ્ટાન્ડર્ડ કાર XZ ટ્રિમ જેવા જ હશે. જેમાં એન્ડ્રોઇડ ઑટો (Android Auto) અને એપલ કારપ્લે કનેક્ટિવિટી (Apple Car Connectivity)ની સાથે સાથે 7 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વૉઇસ કમાન્ડ, સ્ટીયરિંગ માઉન્ટેડ ઓડિયો અને ફોન કંટ્રોલ, હાઇટ એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, વન-ટચ ડાઉન ડ્રાઇવર વિન્ડો, કૂલ્ડ ગ્લવ બૉક્સ વગેરે સામેલ છે.