નવી દિલ્હી: ટાટા મોટર્સે (Tata motors) આજે ખૂબ જ આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી તે ટિયાગો અને ટિગોર કારના સીએનજી વર્ઝન (Tiago and Tigor CNG) લોંચ કરી દીધા છે. ટાટા મોટર્સે સીએનજી કારને ક્રમશ: Tiago iCNG અને Tigor iCNG નામ આપ્યું છે. ટાટા મોટર્સે દાવો કર્યો છે કે કંપનીએ CNG કાર માટે iCNG ટેક્નોલોજી વિકસિત કરી છે. આ સાથે જ કંપનીએ દાવો કર્યો છે કે બંને કાર પહેલા જેટલી જ સુરક્ષા (Security feature) સાથે આવશે. આ ઉપરાંત iCNG કાર અને પેટ્રોલ કારના પર્ફોર્મન્સમાં પણ કોઈ તફાવત નહીં રહે. કંપનીએ ટિયાગોને ચાર અલગ અલગ વેરિઅન્ટમાં લોંચ કરી છે, જ્યારે ટિગોરને બે અલગ અલગ વેરિઅન્ટમાં રજૂ કરી છે. આ સાથે જ કંપનીએ તમામ મોડલ માટે કિંમતનો પણ ખુલાસો કર્યો છે.
ટિયાગો વેરિઅન્ટ: ટાટાએ ટિયાગો મૉડલના કુલ ચાર વેરિઅન્ટ રજૂ કર્યાં છે. જેમાં XE, XM, XT અને XZ+ વેરિઅન્ટ સામેલ છે. જેમાં ટોપ વેરિઅન્ટ XZ+માં પ્રોજેક્ટર હેડલેમ્પ, સિગ્લેનર LED ડીઆરએલ્સ અને પ્રીમિયમ ઇન્ટિરિયર જેવા નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. બાકીના તમામ વેરિઅન્ટમાં પેટ્રોલ કાર જેવા જ ફીચર્સ મળશે.
મજબૂત CNG કિટ: ટાટા મોટર્સે દાવો કર્યો છે કે તેની બંને કારમાં ખૂબ જ આધુનિક અને ખૂબ સારી ગુણવત્તાના સ્ટીલની સીએનજી કિટ વાપરવામાં આવી છે. આ સાથે જ ટિયાગો અને ટિગોરમાં CNG લીક ડિટેક્શન ટેક્નોલોજી આવશે. આ ટેકની મદદથી ગેસ લીક થવાના કેસમાં કાર આપોઆપ પેટ્રોલ ઇંધણ પણ શિફ્ટ થઈ જશે. કારમાં સિંગલ ECU આવશે, જેની મદદથી કારને સીધી જ સીએનજીમાં સ્ટાર્ટ કરી શકાશે. કારમાં ગેસ પૂરવા માટે ખાસ નોઝલ આપવામાં આવશે. જેનાથી ઝડપથી ગેસ પૂરી શકાશે.