નવી દિલ્હીઃ ભારત એવો દેશ છે જ્યાં લાખોની સંખ્યામાં લોકો ખેતી પર નિર્ભર છે. એટલે જ ભારતને ખેતી પ્રધાન દેશ કહેવામાં આવ્યો છે. જોકે સમયની સાથે જો ખેતીમાં પ્રયોગ અને આધુનિક્તા નથી લાવવામાં આવતી તો આવા ખેડૂતોને એકંદરે નુકસાન જાય છે. તેનું કારણ છેલ્લા કેટલાક વર્ષોથી અનિયમત વરસાદ અને હવામાન છે. સાથે સાથે સતત એક જ પ્રકારના પાક લેવાના કારણે જમીનમાંથી જરુરી પોષકતત્વોની ઉણપ આવે છે તો કેમિકલયુક્ત ખાતરના કારણે પણ ખેતીની જમીન બિનઉપજાઉ બનતી હોય છે. તેવામાં આજે અમે તમને એક એવી ખેતી વિશે જણાવી રહ્યા છે જેની ખેતી કરીને તમે તગડી કમાણી તો કરી જ શકો છો સાથે સાથે એક જ ખેતરમાં બે અલગ અલગ પાકની ખેતી પણ કરી શકો છો.
ભારતમાં વરસદા મોસમી પવનો લઈ આવે છે જેના પર દુનિયાના બદલાઈ રહેલા વાતાવરણની ભારે અસર પડે છે. તેવામાં ઘણા વિસ્તારો એવા છે જ્યાં પાણીની અછત રહેતી હોય છે. જેમાં આપણું ગુજરાત પણ ગણવામાં આવે છે. આવો જ અન્ય એક વિસ્તાર એટલે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની સીમા પર આવેલ બુંદેલખંડ, અહીં પાણીની ઘણી સમસ્યા છે જેના કારણે ખેડૂતો ખેતી છોડીને અન્ય જગ્યાએ કામ અને વેપારધંધા માટે સ્થળાંતર કરી રહ્યા છીએ. જોકે કેટલાક એવા ખેડૂત છે જેમણે આવક વધારવાનો ઉપાય શોધી લીધો છો.
જ્યારે બુંદેલખંડમાં કેટલાક ખેડૂતો એવી ખેતી તરફ વળી રહ્યા છે જે ઓછા પાણીમાં પણ ઉગી જાય અને કમાણી તગડી થઈ શકે. આવા જ એક ખેડૂત એટલે રઘુવીર સિંહ જેમણે વર્ષ 2015માં પહેલીવાર રોઝેલની ખેતીની શરુઆત કરી, રોઝેલ એક આફ્રિકન છોડ છે જેના ફૂલથી લઈને પાન અને ડાળીઓ તમામ વસ્તુ વેચી શકાય છે અને આ ફૂલનો દવા તરીકે થાય છે. તેમજ આ પાક ખૂબ જ ઓછા પાણીમાં ઉગી શકે છે.
રોઝેલની ખેતી મારફત રઘુવીર સિંહ પ્રતિ એકર 2 લાખ રુપિયા સુધીની કમાણી કરે છે. રોઝેલની ખેતી ખૂબ જ સહેલી છે અને તેની વાવણી જુલાઈના પહેલા સપ્તાહમાં થાય છે. સૌથી ખાસ વાત તો એ છે કે રોઝેલની ખેતી દરેક પ્રકારની માટીમાં થઈ શકે છે અને તેને પાણીની જરુરિયાત નામ માત્ર જ હોય છે. તેવામાં ગુજરાતમાં પણ ઘણા વિસ્તારો જ્યાં પાણીની સમસ્યા છે ત્યાં આ ખેતી થઈ શકે છે. કારણ કે ઉત્તરપ્રદેશના હમીરપુર બંદેલખંડની જમીન પણ ખૂબ જ શુષ્ક અને બીનઉપજાઉ છે.
રઘુવીર સિંહે એવા સમયે રોઝેલની ખેતીનો પ્રયોગ કર્યો જ્યારે પાણીની અછતના કારણે અહીંના ઘણાં ખેડૂતો જમીન વેચી વેચીને અન્ય જગ્યાએ સ્થળાંતર કરી રહ્યા હતા કે પછી શહેરોમાં મજૂરી માટે જઈ રહ્યા હતા. આજે રઘુવીર સિંહ આ ખેતી મારફત એક એકરમાં રુ. 2 લાખ જેટલી કમાણી કરે છે. હમીરપુર જિલ્લાના ચિલ્લી ગામમાં રહેતા ખેડૂત રઘુવીર સિંહે સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો છે.
જોકે જ્યારે તેઓ પોતાના બાપ-દાદાની ખેતીને વ્યવસાય તરીકે અપનાવવા તરફ વળ્યા તો ખેતિવાડી વિભાગ દ્વારા તેમને રોઝેલની ખેતી અંગે જાણકારી મળી હતી. આ સાથે તેમણે નક્કી કર્યું કે ઔષધીય ગુણો ધરાવતા આ છોડની ખેતી કરશે અને પરંપરાગત અડદ, મગ, તલ વગેરેની ખેતી છોડશે. જોકે ત્યારબાદ તેમને ખબર પડી કે રોઝેલની ખેતી સાથે સાથે તે જ ખેતરમાં 90-95 દિવસમાં ઉગી જતા ઉડદની ખેતી પણ કરી શકાય છે.
5 મહિનામાં રોઝેલના છોડમાંથી 4-6 ક્વિંટલ પાક મળી જાય છે. આ ખેતીમાં સૌથી મહત્વનો અને ફાયદાનો મુદ્દો એ છે કે તમે તેની ડાળીઓ, ફૂલ, ફળ અને બીજ બધું જ વેચી શકો છો. પોતાની સફળતાથી પ્રેરાઈને તેમણે અન્ય ખેડૂત મિત્રો સાથે મળીને ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન બનાવ્યું છે. જેના દ્વારા તેઓ ખેડૂતોને જુદી જુદી ખેતી સંબંધિત ટ્રેનિંગ આપે છે.