

નવી દિલ્હી : ભારતીય મધ્યસ્થ બેંકે (Reserve Bank of India)ફક્ત ટર્મ લોન જ નહીં પરંતુ ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવવા માટે પણ બેંકોને તેમના ગ્રાહકોને ત્રણ મહિનાની છૂટ આપવાનું જણાવ્યું છે. આ માટે માન્ય મુદત 1 માર્ચથી 30મી મે રહેશે. જોકે, તમે પણ ત્રણ મહિનાની છૂટનો લાભ લેવા માંગતા હોવ તો એટલું જાણી લોકો કે આ EMI ચૂકવવામાંથી મુક્તિ કે પછી ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવવામાં ત્રણ મહિનાની મુક્તિ એ બિલ માફી બિલકુલ નથી. આ રકમ તમારે વ્યાજ સાથે ચૂકવવી પડશે!


આનો મતલબ ફક્ત એટલો જ થાય કે તમને ત્રણ મહિના સુધી કોઈ પણ રકમ ન ચૂકવવાની છૂટ મળે છે. પરંતુ તમારી બાકી રકમ પર દર મહિને વ્યાજની ગણતરી ચાલુ જ રહેશે. આનો ફાયદો ફક્ત એટલો જ છે કે તમે બિલ નહીં ચૂકવો છતાં તમારા ક્રેડિટ સ્કોરને કોઈ અસર નહીં પહોંચે. તમને ખબર જ હશે ક્રેડિટ કાર્ડ પર વ્યાજદર 40 ટકા જેટલો પણ હોઈ શકે છે. આથી ત્રણ મહિનાની છૂટ લેવી તમને ક્યાંક ભારે પણ પડી શકે છે.


BankBazaar.comના સીઈઓ અધીલ શેટ્ટીએ બિઝનેસ ટૂડે સાથે કરેલી વાતચીત પ્રમાણે "ક્રેડિટ કાર્ડની બાકીની રકમ ખૂબ જ અસુરક્ષિત અને ખર્ચાળ છે. ક્રેડિટ કાર્ડની બાકીની રકમ પર જો વાર્ષિક ધોરણે ગણતરી કરવામાં આવે તો વ્યાજદર 40 ટકા આસપાસ થાય છે. જે હોમલોનની સરખામણીમાં ખૂબ જ ખર્ચાળ છે. હાલ હોમલોનનો દર 8 ટકાની આસપાસ છે. આથી જ જેમની પાસે નાણીની વ્યવસ્થા છે તેમના માટે ક્રેડિટ કાર્ડનું બિલ સમયસર ચૂકવી દેવું હિતાવહ છે. "


એક ઉદારણથી સમજીએ કે ક્રેડિટ કાર્ડનું બિલ ન ચૂકવવું તમને કેટલું ભારે પડી શકે છે. ત્રીજી માર્ચ, 2020ના રોજ તમારા ક્રેડિટ કાર્ડનું આશરે 1,00,000 રૂપિયાનું બિલ ચૂકવવાનું બાકી છે. જો હવે તમે આ બિલને ન ચૂકવવા માટે આરબીઆઈએ તાજેતરમાં કરેલી જાહેરાત પ્રમાણે લાભ લેવા માંગો છો અને તમારા ક્રેડિટ કાર્ડનું બિલ ત્રીજી જૂન, 2020 સુધી નથી ચૂકવતા તો તમારે ત્રણ મહિના પછી 1,15,000 રૂપિયા જેટલી રકમ ચૂકવવી પડી શકે છે. જેમાં એક લાખ મૂળ રકમ તેમજ 15 હજાર જેટલું વ્યાજ તેમજ અન્ય રકમનો સમાવેશ થાય છે.


બીજું જોખમ એ રહેલું છે કે જેવો ત્રણ મહિનાની રાહતનો સમય પૂરો થશે કે તમારે તમામ રકમની ચૂકવણી કરવી પડશે. નહીં તો તમને પેનલ્ટી, લેટ પેમેન્ટ સહિતના ચાર્જ પણ લાગશે. જો તમે ક્રેડિટ કાર્ડની ન્યૂનત્તમ ચૂકવવાની થતી રકમ ચૂકવો દો છો તો તમે લેટ પેમેન્ટ ચાર્જથી બચી જશો. પરંતુ બાકીની રકમ પરનું વ્યાજ ઉમેરાતું જ રહેશે.


જો તમારા ક્રેડિટ કાર્ડના બિલ ચૂકવવાની તારીખ નજીક આવી રહી છે તો તમારે તાત્કાલિક તમારી બેંકનો સંપર્ક કરવો જોઈએ અને બે વાતની ખાતરી કરી લેવી જોઈએ. 1) આરબીઆઈ તરફથી જાહેર કરવામાં આવેલી છૂટ બધા માટે છે કે પછી વૈકલ્પિક છે? જો તે વૈકલ્પિક છે તો તમારે તમારી બાકીની રકમ ચૂકવી દેવી જોઈએ. જો આ ફરજિયાત હોય અથવા તમે નાણા તંગીનો સામનો કરી રહ્યા છો તો તમારે બેંક પાસેથી વ્યાજ સહિતની માહિતી મેળવી લેવી જોઈએ.