સામાન્ય રીતે ખેડૂતો એવી ખેતી કરવા માગતા હોય છે કે જેમાં તેમને ખૂબ જ તગડી કમાણી થાય અને ખેતી માટેનો ખર્ચ સામાન્યથી વધુ ન હોય. ભારત ખેતી પ્રધાન દેશ છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદની અનિયમિતતા અને ક્યારેક વધુ તો ક્યારેક ઓછા વરસાદના કારણે ખેડૂતો અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરે છે. તેમજ સતત પરંપરાગત પાક ઉગાડવા અને તેમાં સારું ઉપ્તાદન મેળવવા માટે સતત કેમિકલ ખાતરના ઉપયોગથી જમીન પણ ઓછા કસવાળી થઈ ગઈ છે. તેવામાં અમેરિકાનું સુપર ફૂડ કહેવાતા અને છેલ્લા કેટલાક સમયથી દુનિયાભરમાં હેલ્ધી ફૂડના કોન્સેપ્ટમાં સામેલ થયેલું કિનોઆ ખેડૂતોના બેંક બેલેન્સ માટે પણ હેલ્ધી સાબિત થઈ શકે છે.
કિનોઆની ખેતી કરીને ખેડૂતો નાનકડી જમીનમાં પણ તગડી કમાણી કરી શકે. હેલ્ધી ફૂડની શ્રેણીમાં આવતું કિનોઆની માગ પણ ખૂબ છે અને તેનો બજાર ભાવ પણ સારો એવો ઉપજે છે. તેવામાં તમને જણાવી દઈએ એક ગુજરાતના જામનગરના ફક્ત 10 પાસ મહિલા પણ આ સુપરફૂડની ખેતીથી વર્ષે સારી એવી કમાણી કરી છે. આજે તેમની પાસેથી આ ખેતી વિશે સમજવા અને જાણવા માટે દૂર દૂરથી ખેડૂતો આવે છે. જોકે આ ખેતી માટે તેમણે ત્રણ વર્ષ અથાગ પ્રયાસો કર્યા હતા અને જમીન, વરસાદ તેમજ બીયારણ જેવી સમસ્યાઓનો સામનો કરીને આજે સફળતા મેળવી છે.
શું છે કિનોઆ? : વાત કરીએ કિનોઆ ફૂડની તો આ એક ધાન્યવાર પાક છે. આપણા દેશમાં અમુક લોકો આને અમેરિકન બાજરી તરીકે પણ ઓળખે છે. તો ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં કીનોવાનું વાવેતર જોવા મળે છે. ઓછા ખર્ચમાં તૈયાર થનારી આ ખેતી ઘઉં અને ચોખા જેવા બીજ અનાજની જેમ કિનોઆના બીજનો ઉપયોગ કરીને ખેતી થાય છે. તેમાં પૌષ્ટિક તત્વો કૂટી કૂટીને સામાયેલા હોવાથી તેને મહાઅનાજ કહેવામાં આવ્યું છે. આ સુપર ફુડની ખેતી દુનિયામાં ખાસ કરીને દક્ષિણ આફ્રિકામાં સૌથી વધુ થાય છે.
કિનોઆને સુપર ફુડ કેમ કહેવાય છે? :કિનોઆ એ બથુઆ અથવા ચીલ, પાલક અને બીટ પરિવાર સાથે સંબંધિત છોડ છે. તેના છોડ લીલા, લાલ કે જાંબલી રંગના હોય છે. તેના બીજ લાલ, સફેદ અને ગુલાબી રંગના કદમાં ખૂબ નાના હોય છે, જેનો ઉપયોગ ખોરાકમાં ઘણી રીતે થાય છે. ઘણા પ્રકારના પોષક તત્ત્વો જેવા કે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, ફેટી ફાઈબર, વિટામીન અને ખનિજો જેવા કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ઝીંક, મેંગેનીઝ વગેરે કિનોઆના બીજમાં પુષ્કળ પ્રમાણમાં હોય છે. જેના કારણે શરીરને જરૂરી કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, ચરબી, વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબર્સ સંતુલિત માત્રામાં મળે છે. કિનોઆમાં ઔષધીય ગુણો પણ જોવા મળે છે, જેના કારણે તેનું સેવન ડાયાબિટીસ, કેન્સર, હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગ વગેરેમાં થાય છે. સરળ ભાષામાં કિનોઆને અદ્ભુત ચમત્કારિક સુપર ફૂડ અથવા અદ્ભુત પોષક તત્વોથી ભરપૂર સુપર અનાજ પણ કહી શકાય.
કિનોઆની ખેતી માટે માટી: કિનોઆની ખેતી લગભગ તમામ પ્રકારની જમીનમાં કરી શકાય છે. તેના પાકને કોઈ ખાસ પ્રકારની જમીનની જરૂર પડતી નથી, પરંતુ જમીનમાં સારી ડ્રેનેજ વ્યવસ્થા હોવી જોઈએ જેથી પાણી વહી જાય અને જમા ન થાય. તેની ખેતીમાં જમીનનું pH મૂલ્ય સામાન્ય હોવું જોઈએ. કિનોઆની ખેતી માટે ભારતની આબોહવા એકદમ યોગ્ય છે. ભારતમાં કેટલાક વિસ્તારોમાં રવિ પાક સાથે કિનોઆ ઉગાડવામાં આવે છે.
યોગ્ય વાવેતર તાપમાન: ભારતમાં રવિ સિઝનના પાક સાથે કિનોઆની ખેતી કરવામાં આવે છે. હિમાલયના પ્રદેશથી ઉત્તર પ્રદેશના મેદાનો સુધી તેની સફળતાપૂર્વક ખેતી કરી શકાય છે. શિયાળાની ઋતુ તેના પાક માટે યોગ્ય માનવામાં આવે છે. તેના છોડ શિયાળામાં પડતી ઠંડીને સરળતાથી સહન કરે છે. તેના બીજને અંકુરિત થવા માટે 18 થી 22 ડિગ્રી તાપમાનની જરૂર પડે છે. તેના બીજ મહત્તમ 35 ડિગ્રી તાપમાન જ સહન કરી શકે છે.
કિનોઆથી કમાણીઃ એકવાર કિનોઆ વાવ્યા પછી 100 દિવસ એટલે કે ત્રણથી ચાર મહિનામાં તેનો પાક તૈયાર થઈ જાય છે. તેના પાકમાંથી દાણા મેળવ્યા પછી તેને માર્કેટમાં વેચવામાં આવે છે. ખેડૂતો તેને સીધી કોઈ કંપની સાથે કોન્ટ્રાક્ટ કરીને વેચી શકે છે અથવા તો એક્સપોર્ટ એજન્સી સાથે મળીને વિદેશ પણ મોકલી શકે છે. કિનોઆની માગ ખૂબ જ વધારે હોવાથી અને તેને હાઈ સ્ટાન્ડર્ડ ફૂડ ગણવામાં આવતું હોવાથી બજારમાં સામાન્ય રીતે 1500 રુપિયા પ્રતિ કિલો આ ફૂડ વેચાય છે. જ્યારે એક વિઘામાં 5 ટન જેટલા ઉત્પાદનથી ખેડૂતો લાખોની કમાણી મેળવી શકે છે.